અનામત આંદોલનનાં આજે 7 વર્ષ પૂરાં, હવે વિરમગામથી ચૂંટણી લડશે, રામસેતુની ખિસકોલી બનવા નહીં, પણ ચૂંટણી લડવા હાર્દિક ભાજપમાં આવ્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીનો સમય બાકી છે અને રાજકીય હિલચાલ અત્યારથી જ તેજ થઈ છે. આ ઊથલપાથલના કેન્દ્રમાં ફરી એક વખત પાટીદાર સમાજ અને નેતા હાર્દિક પટેલ છે. છેલ્લા થોડા સમયમાં હાર્દિક પટેલે મધ્યમાં રાખી જે પણ રાજકીય ઘટનાઓ કે ઉથલપાથલ સર્જાઈ છે. માત્ર 22 વર્ષની ઉંમરે ગુજરાતની લોકપ્રિયતાના શિખરે પહોંચેલા હાર્દિક પટેલની ઉંમર 30 વર્ષ પણ નથી અને તે દેશના મીડિયાની હેડલાઇન્સમાં રહે છે. આગામી ચૂંટણીમાં હાર્દિક પટેલની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

પાટીદાર અનામત આંદોલનને ગુજરાતની પ્રજા ક્યારેય ભૂલી શકે એમ નથી અને એમાં પણ હાર્દિક પટેલના એક બાદ એક જોવા મળેલા રાજકીય નાટકે તો ગુજરાતની પ્રજાના માનસપટલ પર એટલી અસર કરી છે કે હવે તેની પડખે કે તેના પર વિશ્વાસ કરવા કોઈ તૈયાર નથી. પાટીદાર અનામત આંદોલનને સાત વર્ષ બાદ એક વાર્તા જેવી સ્ક્રિપ્ટ હાર્દિક પટેલના જીવનમાં જોવા મળે છે. એક સામાન્ય યુવાનથી રાજકીય નેતા બનવા સુધીની સફર હાર્દિક પટેલના જીવનમાં તો ઘણો બદલાવ લાવી છે, પરંતુ એ 14 યુવાન, જેમણે અનામત મેળવવા માટે હાર્દિક પટેલને સહયોગ આપ્યો અને પોતાનો જીવ ગુમાવ્યો છે, તેમના પરિવારની હાલત પૂછવા પણ હાર્દિક પટેલ ગયો નથી.

image source

25 ઓગસ્ટ 2015ના રોજ થયેલા પાટીદાર અનામત આંદોલનને આજે સાત વર્ષ પૂર્ણ થયાં છે ત્યારે હાર્દિક માટે તો આ મૃતક યુવાનો પોતાની સફળતા માટેની નિસરણી બની ગયા, પરંતુ એ પરિવારજનો સાત વર્ષ બાદ પણ હજુ ત્યાં ને ત્યાં જ સ્થગિત થઈ ગયા છે, કેમ કે તેમણે ગુમાવ્યા છે પોતાના યુવાન દીકરા. એ પરિવારજનો તો હાર્દિક પટેલ પ્રત્યે રોષની લાગણી વરસાવી રહ્યા છે તેમજ તેના નામથી વાત કરવાનું પણ ટાળી રહ્યા છે.

કોણ છે હાર્દિક પટેલ

હાર્દિકનો (Hardik Patel) જન્મ 20 જુલાઈ, 1993ના રોજ ગુજરાતી પાટીદાર પરિવારમાં થયો હતો. તેમનીની માતાનું નામ ઉષાબહેન પટેલ અને પિતાનું નામ ભરતભાઈ પટેલ છે. હાર્દિક પટેલ વર્ષ 2004માં તેમના માતા પિતા સાથે વિરમગામ રહેવા ગયા હતા. હાર્દિકે વિરમગામની દિવ્ય જ્યોત સ્કૂલમાં ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો હતો, ત્યારબાદ તેમણે કેબી શાહ વિનય મંદિરમાં આગળનો અભ્યાસ કર્યો હતો.

image source

હાર્દિકે ક્રિકેટના શોખની સાથે ધોરણ 12 સુધીનો અભ્યાસ વિરમગામમાં કર્યો અને ત્યારબાદ પિતાનો વ્યવસાય ચલાવવામાં તે મદદ કરવા લાગ્યો. જણાવી દઈએ કે હાર્દિક પટેલના પિતા કોંગ્રેસના કાર્યકર હતા. આ બાદ વર્ષ 2010માં હાર્દિકે અમદાવાદની સહજાનંદ કોલેજમાં સ્નાતક માટે પ્રવેશ મેળવ્યો અને વર્ષ 2013માં તેમણે બેચલર ઓફ કોમર્સની ડિગ્રી મેળવી હતી. જાન્યુઆરી 2019માં હાર્દિક પટેલે પોતાની બાળપણમની મિત્ર કિંજલ પરીખ સાથે લગ્ન કર્યા હતા. કિંજલ પરીખે મહેસાણા જિલ્લાના કડી તાલુકાની કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને હાલ તે ગાંધીનગરથી LLBનો અભ્યાસ કરી રહી છે.

હાર્દિકની રાજકીય સફર

હાર્દિક પટેલને સૌ પ્રથમ ઓળખ વર્ષ 2015ના પાટીદાર આંદોલનથી મળી હતી. વર્ષ 2015માં સારા માર્ક્સ છતા પણ જ્યારે તેમની બહેનને એડમિશન ન મળતા તેમને ખબર પડી કે આરક્ષણને કારણે સામાન્ય વર્ગના લોકોને કેટલો અન્યાય થાય છે. આ બાદ તેમણે ગુજરાતમાં ઈતિહાસનુ સૌથી મોટું આંદોલન કર્યું. 25 ઓગસ્ટ 2015ના રોજ તેણે અમદાવાદના જીએમડીસી મેદાનમાં જે રેલી કરી તે અભૂતપૂર્વ રહી. અહીં એટલી મોટી સંખ્યામાં પાટીદારો પહોંચ્યા જેની કોઈને આશા પણ નહોતી.

image source

ભાજપમાં જોડાતા વખતે હાર્દિક પટેલે પોતાની જાતને રામસેતુની ખિસકોલી બનીને સેતુરૂપ ભૂમિકા અદા કરવાનો હેતુ જણાવ્યો હતો, પરંતુ એની પાછળ તે ચૂંટણી લડવાનો પોતાનો એક અલગ સેતુ ઊભો કરી રહ્યો છે એ વાતથી સૌકોઈ અજાણ છે. જ્યારથી હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો છે ત્યારથી લઈને અત્યારસુધી અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ તો કરી જ રહ્યો છે, પરંતુ મોટા ભાગનો સમય વિરમગામ વિધાનસભા વિસ્તારમાં પસાર કરી રહ્યો છે. આ વિસ્તારમાં તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં ભાગ લે છે અને ભાજપનો પ્રચાર કરે છે.

હાર્દિક પટેલ વિરમગામ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે

ભાજપમાં જોડાતા સમયે મીડિયાએ હાર્દિક પટેલને સવાલ પૂછ્યો હતો કે ચૂંટણી લડશે? એ સમયે તેમણે એક જ વાત કરી હતી કે તે રામસેતુની ભૂમિકા અદા કરશે અને ચૂંટણી લડવાનો કોઈ ઈરાદો નથી. ભાજપ સંગઠનના ટોચનાં વિશ્વસનીય સૂત્રો કહી રહ્યાં છે કે વર્ષ 2022ની ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ વિરમગામ બેઠક પરથી ચૂંટણી લડશે. હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો એ અગાઉ પૂર્વ ધારાસભ્ય કમા રાઠોડ, પૂર્વ ધારાસભ્ય પ્રાગજી પટેલ તેમજ કોંગ્રેસમાંથી આવનાર તેજશ્રી પટેલ પણ ભાજપમાં જોડાયા હતા. વર્ષોથી રાજકારણમાં સક્રિય રહેલા આ સિનિયર નેતાઓને જ ભાજપે હાર્દિક પટેલના આવકારવાની જવાબદારી સોંપી હતી, જેના ભાગરૂપ આ તમામ સિનિયર નેતાઓએ જુનિયર હાર્દિક પટેલનું સ્વાગત કરવું પડ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *