જો આ રીતે સમોસા બનાવવામાં આવશે તો તે ચોક્કસ ક્રીસ્પી અને ટેસ્ટી બનશે..

સામાન્ય રીતે ઘરે જ્યારે સમોસા બનાવવામાં આવે ત્યારે ક્યારેક તેના પુરણમાં લોચા પડી જાય છે તો ક્યારેક તેનું કવર નરમ થઈ જાય છે. પણ જો તમે અહીં ક્રીતીકાબેને જે રીતે સમોસા બનાવ્યા છે તે રીતે બનાવશો તો તમારા સમોસાનું પુરણ અને તેનું પડ બન્ને પર્ફેક્ટ બનશે.

ક્રીસ્પી સ્વાદિષ્ટ સમોસા બનાવવા માટેની સામગ્રી

2 કપ મેંદો

5 નંગ મીડિયમ બાફેલા બટાટા

3 નંગ લીલા મરચા અને એક નાનો ટુકડો આદુની પેસ્ટ

2 ચમચી જીણી સમારેલી કોથમીર

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી ધાણાજીરુ પાઉડર

1 ચમચી લાલ મરચુ

½ ચમચી હળદર,

½ ચમચી અજમો, ½ ચમચી આખા ધાણા, ½ ચમચી વરીયાળી અને ½ ચમચી રાઈ

1/3 કપ ગરમ ઘી

અને સ્વાદ પ્રમાણે મીઠુ

ક્રીસ્પી સ્વાદિષ્ટ સમોસા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ સમોસાનું કવર બનાવવા માટે લોટ બાંધવા માટે એક મોટા પાત્રમાં બે કપ મેંદો ઉમેરી દેવો. હવે તેમાં અજમો ઉમેરી દેવો અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. હવે આ બધી જ વસ્તુને હાથેથી બરાબર મિક્સ કરી લેવી.

હવે તેમાં મોણ માટે ગરમ કરેલું ઘી ઉમેરી દેવું. તેને પણ હાથેથી બરાબર મિકસ્ કરી લેવું. તમે જોશો કે લોટમાં મુઠ્ઠી વળશે.

એટલે કે અહીં તમારે મુઠ્ટી પડતું મોણ રાખવાનું છે. તમે ઘીની જગ્યાએ તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ ઘીના મોણથી સમોસાનું કવર ક્રીસ્પી બને છે.

હવે તેમાં પાણી ઉમેરીને ભાખરી જેવો કડક લોટ બાંધી લેવો. પાણી અહીં ઠંડુ જ લેવું. વધારે પડતું પાણી ન પડી જાય તેનું ધ્યાન રાખવુ. કડક લોટથી સમોસાનું પડ ક્રીસ્પી બનશે.

હવે સમોસાનું સ્ટફીંગ બનાવવા માટે એક કડાઈને ગેસ પર ગરમ થવા મુકી દેવી. તેમાં એક નાની ચમચી તેલ ઉમેરવું.

તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી રાઈને બરાબર તતડવા દેવી.

રાઈ ફુટી જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરવી અને સાથે સાથે હળદર પણ ઉમેરી દેવી.

ત્યાર બાદ તરત જ બાફેલા બટાટા એડ કરી દેવા. અહીં બાફેલા બટાટાને સંપૂર્ણ રીતે મેશ કરવામાં નથી આવ્યા પણ હળવા મેશ કરવામાં આવ્યા છે. હવે બટાટાને બરાબર મિક્સ કરી લેવા.

ત્યાર બાદ તેમાં લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ પાઉડર, ગરમ મસાલો, વરિયાળી અને આખા ધાણા ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લેવું.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરવું અને તેને બરાબર મિક્સ કરી લેવું. અહીં ખટાશનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવ્યો તેમ છતાં તમારે જો ખટાશ ઉમેરવી હોય તો તમે તેમાં આમચૂર પાઉડર અથવા તો લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો.

હવે તેમાં મીઠુ બરાબર મિક્સ કરી લીધા બાદ જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી અને તેને પણ બરાબર મિક્સ કરી લેવી.

તો તૈયાર છે બટાટાનુ સ્ટફીંગ. ગેસ બંધ કરી દેવો.

લોટને પણ 20-25 મીનીટ રેસ્ટ આપી દીધો હોવાથી તમે જોશો કે બાંધેલા લોટમાં સફેદ દાણા થઈ ગયા હશે. એટલે કે લોટ તૈયાર થઈ ગયો છે.

હવે સમોસાનું કવર તૈયાર કરવા માટે પહેલાં લોટને બરાબર મસળી લેવો.

હવે તેમાંથી એક જાડો રોલ બનાવીને તેમાંથી તમે જેટલી સાઇઝના સમોસા બનાવવા માગતા હોવ તે પ્રમાણે લુઆ બનાવો. અહીં બતાવ્યા પ્રમાણે તમે રોલ તૈયાર કરીને સરખા ભાગે લુઆ કટ કરી શકો છો. હવે એક લુઆને બરાબર ગોળ કરી લેવો. અને બાકીના લુઆને ઢાંકીને મુકી દેવા.

હવે ગોળ કરેલા લુઆની મોટી રોટલી વણી લેવી. અહીં રોટલી એકદમ પાતળી નથી કરવાની પણ જાડી પણ નથી કરવાની. સમોસા ના કવર માટે સામાન્ય રીતે જેવું જાડુ પડ જોઈએ છે તેવી રોટલી વણવી.

રોટલી બરાબર વણાઈ ગયા બાદ તેની બરાબર વચ્ચેથી કટ કરી લેવો. એટલે કે વણેલી રોટલી અરધી કરી લેવી.

આવી જ રીતે બીજી રોટેલીઓ વણીને તેને પણ અરધી કરીને સ્ટ્રીપ તૈયાર કરી લેવી. જેથી કરીને તમે ફટાફટ સમોસા ભરી શકો.

હવે એક સ્ટ્રીપ હાથમા લેવી. અને તેમાં અહીં બતાવ્યા પ્રમણે તેની જે સીધી બાજુ છે તેના અરધા ભાગના છેડાની બાજુએ પાણી લગાવી લેવું.

હવે પાણી લગાવી લીધા બાદ અહીં બતાવ્યા પ્રમાણે તેને કોન શેપ આપી દેવો અને બન્ને છેડા જોઈન્ટ કરી લેવા.

તેની ટોચનો ભાગ છે તેને પણ ખાસ કરીને સીલ કરી લેવો. જેથી કરીને તળતી વખતે સ્ટફીંગ બહાર ન નીકળી જાય.

સમોસાનો કોન તૈયાર થઈને કંઈક આ રીતે દેખાશે. અને ભરતી વખતે પણ આ રીતે જ કોનને પકડી રાખવો.

હવે આ રીતે કોનને પકડી રાખવો અને તેમાં જરૂર પ્રમાણે બટાટાનું સ્ટફીંગ ઉમેરી દેવું. સ્ટફીંગ છેક નીચે સુધી પહોંચે તેનું ધ્યાન રાખવું. દબાવીને સ્ટફીંગ સમોસાના કવરમાં ભરી લેવું.

હવે સમોસાની જે જોઈન્ટવાળી બાજુ છે તેની એકદમ સામેની બાજુ પર થોડું પાણી લગાવવું.

અને ત્યાં એક ચપટી બનાવી લેવી અને ત્યાર બાદ બધી જ કીનારી પર પાણી લગાવી લેવું.

હવે સૌ પ્રથમ બન્ને સામેની બાજુઓ જોઇન્ટ કરી લેવી અને પછી એક છેડેથી બીજા છેડે સમોસાને સીલ કરતા જવું.

તસ્વીરમાં તમે જોઈ જ શકો છો. કે સમોસુ બરાબર સીલ થઈ ગયુ છે.

હવે આ જ રીતે બીજા સમોસા પણ તૈયાર કરી લેવા.

હવે કડાઈમાં સમોસા તળવા માટે તેલ લઈ તેને મધ્યમ ગરમ થવા દેવું.

તેલ મધ્યમ ગરમ થાય એટલે તેમાં સમોસા ઉમેરી દેવા. સમોસાને મધ્યમ તાપ પર જ ગરમ કરવા.

આ રીતે તમારે તેને પાંચ મિનિટ માટે તળાવા દેવા. તે દરમિયાન સમોસાને હલાવતા રહેવા.

હવે ધીમે ધીમે સમોસા ગોલ્ડન કલરના થવા લાગશે. હવે ગેસ થોડો ફુલ કરવો અને સમોસાને ગોલ્ડન બ્રાઉન થવા દેવા.

સમોસા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી કાઢી લેવા.

તો તૈયાર છે ક્રીસ્પી ટેસ્ટી સમોસા. તેની સાથે આમ તો ટોમેટો કેચપ પણ સારો લાગે છે પણ ખજૂર-આમલીની ચટની સાથે તો તેનો સ્વાદ કંઈક અલગ જ ઉભરી આવે છે.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

ક્રીસ્પી ટેસ્ટી સમોસા બનાવવા માટેનો વિગતવાર વિડિયો

Join the discussion

Your email address will not be published. Required fields are marked *