આ રીતે ગેરેન્ટીથી તમારા નાયલોન ખમણ દુકાન જેવા જ સ્પોન્જી અને રસદાર બનશે…

નાયલોન ખમણના ખાટ્ટા મીઠા ટેસ્ટ તેમજ તેના રસદાર હોવાના કારણે બધાને તે ખુબ ભાવતા હોય છે. તો આજે સીમાબેન તમારા માટે તદ્દન બહાર જેવા જ ખમણ બનાવવાની પર્ફેક્ટ રેસીપી લઈને આવ્યા છે.

પર્ફેક્ટ નાયલેન ખમણ બનાવવા માટેની સામગ્રી

2 કપ ચણાનો લોટ

6 ટેબલ સ્પૂન ખાંડ

1 ચમચી મીઠુ (સ્વાદ પ્રમાણે)

1 ટી સ્પુન લીંબુના ફુલ

½ સ્પૂન હીંગ

1 ટી સ્પૂન હળદર

1 ¼ કપ પાણી

1 ટી સ્પૂન ખાવાનો સોડા

1 ટેબલ સ્પૂન તેલ

વઘાર માટેઃ 1 ½ ટેબલ સ્પૂન તેલ, રાઈ, હીંગ, મીઠો લીંમડો, લીલા મરચાના ટુકડા

પર્ફેક્ટ નાયલોન ખમણ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ બે કપ ચણાનો લોટ લેવો. તેને અહીં જીણી ચારણીથી અથવા તો કહો કે દૂધની ગરણીથી ગાળી લેવામાં આવ્યો છે. તમે જ્યારે પણ ચણાનો લોટ લો ત્યારે તેને અહીં જેમ ચારણીથી ગાળવામાં આવ્યો છે તેમ ગાળી લેવો.

તમે અહીં જોઈ શકો છો કે ચારણીથી ગાલીને ચણાનો લોટ લેવામાં આવવાથી તેમાં કોઈ જ લંગ્સ નહી રહે. અને તેમાં એર બબલ્સ વધશે જે ખમણને ફુલાવવામાં મદદ કરશે અને ખમણ સ્પોન્જી બનશે. ખમણ બનાવો ત્યારે હંમેશા લોટને અંદાજાથી નહીં પણ મિઝરમેન્ટના કપથી માપીને જ લેવો. અને આ કપના પ્રમાણમાં બીજી વસ્તુઓને અહીં દર્શાવવામાં આવ્યું છે તે માપે લેવી. તો જ ખમણ પર્ફેક્ટ બનશે.

હવે ચણાનો લોટ ચળાઈ ગયા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરવું. ત્યાર બાદ તેમાં છ ટેબલ સ્પૂન ખાંડ ઉમેરવી. અહીં ખાંડ મહત્ત્વનો ભાગ ભજવે છે. અહીં ખાંડ ઉમેરવાથી જ ખમણ વધારે સ્પોન્જી બને છે. અહીં જીણી ખાંડ લેવામાં આવી હોવાથી સીધી જ ઉમેરી દેવામાં આવી છે પણ જો તમે મોટી ખાંડ વાપરતા હોવ તો તેનો પાઉડર બનાવી ઉમેરવી. જેથી તે જલદી ઓગળી જાય. અથવા તો તમે બુરુ ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો.

હવે તેમાં એક નાની ચમચી એટલે કે એક ટી સ્પુન લીંબુના ફુલ ઉમેરવા. નાયલોન ખમણમાં હંમેશા ખટાશ માટે લીંબુના ફુલ ઉમેરવામાં આવે છે. અહીં બે કપ ચણાના લોટ સામે એક ટી સ્પુન લીંબુના ફુલ ઉમેરવામાં આવ્યા છે.

હવે લીંબુના ફુલ ઉમેર્યા બાદ તેમાં અરધી નાની ચમચી હીંગ ઉમેરવામાં આવી છે અને તેની સાથે સાથે જ એક ટી સ્પુન હળદર ઉમેરવી. હવે આ બધી જ સામગ્રીને પહેલાં પાણી નાખ્યા વગર જ વ્યવસ્થિતે મિક્સ કરી લેવી.

હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને મિક્સ કરતાં જવું. સૌ પ્રથમ અરધો કપ નાખવો અને તેને વ્યવસ્થિત મિક્સ કરી લેવું. ત્યાર બાદ પાણી ઉમેરતા જવું. એક સાથે જ વધારે પડતું પાણી ન ઉમેરવુ.

અહીં તમે જુઓ છો તે પ્રમાણે પાણી ઉમેરીને તેની કન્સીસ્ટન્સી ચેક કરી લેવી. અહીં બે કપ ચણાના લોટ સામે કુલ સવા કપ અને એક ચમચી પાણી વાપર્યું છે. અને બધાના ચણાના લોટની ક્વોલિટી થોડી અલગ અલગ હોય છે માટે પાણીમાં 2-3 ચમચી ઉપરનીચે થઈ શકે છે.

હવે ખીરાની કન્સીસ્ટન્સી જોઈતી મળી જાય એટલે તેને પાંચ-છ મિનિટ એકધારું એક જ દિશામાં હલાવે રાખવાનું છે. આ પ્રક્રિયાને જરા પણ સ્કિપ ન કરવી તેના કારણે જ ખમણ બહાર જેવા પોચા અને મુલાયમ અને જાળીદાર બનશે. ખાંડ અને ચણાના આ મિશ્રણને એકધારું હલાવવાથી તેમાં આથો આવવાની પ્રક્રિયા થાય છે.

હવે આ તૈયાર કરેલા ખમણના બેટરને દસ મિનિટ માટે ઢાંકીને બાજુ પર મુકી દેવું. અને તે દરમિયાન તમારે ઢોકળિયુ કે પછી જે પાત્રમાં તમે ઢોકળા બનાવતા હોવ તેમાં પાણી ઉમેરીને તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. અહીં એક મોટી તપેલી લેવામાં આવી છે.

હવે દસ મિનિટ બાદ ખીરાને જોઈ લેવું. બેટર સરસ તૈયાર થઈ ગયું હશે. હવે તેમાં એક ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરવો અને તેની સાથે સાથે જ એક મોટી ચમચી એટલે કે એક ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવું.

હવે તેને એક જ દિશામાં એકધારુ હલાવીને ફેંટી લેવું. ખમણ જાળીદાર બનાવવા માટે તમારે એક દિશામાં જ તેને ફેંટવું. અહીં બતાવ્યું છે તેમ તમારું ખીરુ ફુલી જશે.

હવે એક મિનિટ ફેંટી લીધા બાદ તમારે એક પણ સેકન્ડની વાર લગાડ્યા વગર જે વાસણમાં ખમણ બનાવવાના છે તેને તેલથી ગ્રીસ કરી લેવું.

હવે તેને ઢોકળિયા કે તપેલીમાં જેમાં પણ ખમણ બનાવવાના હોવ તેમાં મુકી દેવું. હવે તેમાં ફેંટીને તૈયાર કરેલું ખીરુ તરત જ ઉમેરી દેવું.

અહીં તમે જોઈ શકો છો તેમ ખીરાથી આખું વાસણ ભરી નથી દેવામાં આવ્યું પણ અરધો ઇંચથી પણ થોડી વધારે જગ્યા ખાલી રાખવામાં આવી છે. તેમ કરવાથી ખમણ જ્યારે ફુલશે ત્યારે તે ઉભરાઈને બહાર નહીં આવે.

હવે ઢોકળિયાને બરાબર ઢાંકી દેવું. જો અહીં જેમ તપેલી લેવામાં આવી છે તેમ તમે પણ તપેલી લીધી હોય તો તેને અહીં બતાવ્યું છે તેમ ઉપર ભારે વસ્તુ મુકીને તેને ઢાંકી દેવું. હવે ખમણને 20-25 મિનિટ સુધી વરાળથી બફાવા દેવા.

હવે 25 મિનિટ બાદ ઢાંકણું હટાવીને ખમણ જોઈ લેવા. મોટે ભાગે બધા જ ખમણ બફાઈ ગયા હશે. તેને તમે છરી નાખીને ચેક કરી શકો છો. હવે ખમણ ચડી ગયા બાદ તેને ગેસ પરથી ઉતારી લેવા અને તેને ઠંડા થવા મુકી દેવા.

હવે ખમણ પર વઘાર કરવા માટે વઘાર તૈયાર કરી લેવો. તેના માટે એક મોટું વઘારિયુ લેવું અથવા તે નાની કડાઈ લઈ લેવી. તેમાં ડોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવું. તેલ ગરમ થાય એટલે તેમાં અરધી ચમચી રાઈ ઉમેરી દેવી. વધારે રાઈ પણ ઉમેરી શકો છો. હવે રાઈ બરાબર ફુટી જાય એટલે તેમાં પા ચમચી હીંગ, 8-10 મીઠા લીંમડાના પાન અને થોડા લીલા મરચા મોટા સમારીને ઉમેરી દેવા. હવે તેને બરાબર મિક્સ કરી લેવું.

બરાબર મિક્સ કરી લીધા બાદ આ વઘારમાં એક ગ્લાસ પાણી ઉમેરી દેવું. એટલે કે લગભગ 250 એમ એલ પાણી ઉમેરી દેવું. હવે તેને બરાબર ઉકળવા દેવું.

પાણી ઉમેરી દીધા બાદ તેમાં એક નાની ચમચી ખાંડ અને પાણીના ભાગનું મીઠુ ઉમેરી દેવું. અહીં તમે ખાંડ સ્કિપ કરી શકો છો પણ પાણીના ભાગની મોળાશ રહેવાથી ખમણ પણ ટેસ્ટમાં મોળા બની જશે. હવે તેને થોડીવાર ઉકળવા દેવું થોડું ઉકળે એટલે ગેસ બંધ કરી દેવો. અને તેને ઠંડુ થવા દેવું.

હવે ખમણની થાળીમાં ચારે બાજુ છરી ફેરવીને તેને છુટ્ટુ પાડી દેવું અને ખમણને તેમાંથી છુટ્ટા પાડીને એક પ્લેટ પર લઈ લેવા.

હવે આ ખમણના તમને ગમે તે પ્રમાણે ટુકડા કરી લેવા. અહીં ચોરસ ટુકડા કરવામાં આવ્યા છે. નવશેકા ખમણ હોય ત્યારે ટુકડા કરવાથી ટુકડા સારા થાય છે.

તમે જોઈ શકો છો કે ખમણ ખુબ જ સ્પોન્જી અને જાળીદાર બન્યા છે.

હવે ખમણ અને વઘાર હુંફાળા ગરમ થાય એટલે તેના પર ચમચીએ ચમચીએ વઘાર ઉમેરતા જવો જેથી કરીને વઘાર ખમણની અંદર સુધી જાય.

તો તૈયાર છે ફરસાણની દુકાન જેવા જાળીદાર, સ્પોન્જી, રસદાર ખમણ. ઘરના બધાને ઘરે બનાવેલા આ ખમણ ખુબ ભાવશે.

પર્ફેક્ટ નાયલેન ખમણ બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : સીમાબેન

સૌજન્ય : કીચ કૂક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *