જો આ ટ્રીકથી રગડા પુરીનો રગડો બનાવશો તો બહાર જેવો જ સ્વાદિષ્ટ બનશે..

ઘણા લોકોને પાણીપુરી દેશી ચણા અને બટાટા સાથે નહીં પણ રગડા સાથે વધારે ભાવતી હોય છે અને આ રગડો બધા જ પાણીપુરીવાળા નથી રાખતા હોતા. તો જો તમે પણ રગડા પુરી ખાવા માગતા હોવ તો ઘરે જ બનાવો બહાર જેવો જ સ્વાદિષ્ટ રગડો. આ સ્પેશિયલ ટ્રીકથી તમારો રગડો ચોક્કસ સ્વાદિષ્ટ બનશે.

રગડા પુરીનો રગડો બનાવવા માટે સામગ્રી

½ કપ કઠોળના લીલા કે પીળા વટાણા

1 ટેબલ સ્પુન આદુ-મરચાની પેસ્ટ

સ્વાદ પ્રમાણે મીઠુ

¼ ચમચી હળદર

વઘાર માટેઃ 2 મોટી ચમચી તેલ અને ચપટી હીંગ

1 ચમચી કાશ્મીરી લાલ મરચુ

1 ચમચી ધાણાજીરુ પાઉડર

¼ ચમચી ગરમમસાલા પાઉડર

1 ટેબલ સ્પુન જીણી સમારેલી કોથમીર

રગડા પુરીનો રગડો બનાવવા માટેની રીત

સૌ પ્રથમ અરધો કપ સુકા એટલે કે કઠોળના જે વટાણા આવે તે લેવા. તમે પીળા કે લીલા કોઈ પણ વટાણા ઉપયોગમાં લઈ શકો છો. હવે તમારે રગડો જે દિવસે બનાવવો હોય તેની આગલી રાત્રે અરધો કપ વટાણા લઈ તેને ત્રણ-ચાર પાણીએ ધોઈ લેવા અને આખી રાત પલળવા દેવા. ત્યાર બાદ સવારે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ અને નાની ચમચી હળદર ઉમેરી તેને કુકરમાં બાફી લેવા. તેને થોડાં વધારે જ બાફવા.

હવે તૈયાર થયેલા બાફેલા રગડામાં બે મિડિયમ સાઇઝના બટાટા લઈને તેને હાથેથી જ મસળીને ઉમેરી દેવા તેને મેશરની મદદથી સંપુર્ણ મેશ ન કરવા નહીંતર પાણેપુરી સાથે ખાવામાં મજા નહીં આવે.

હવે રગડાને વઘારવા માટે તમારે એક પેન લેવું તેમાં બે મોટી ચમચી તેલ ઉમેરવું. આ રગડો બનાવવામાં થોડું ઓછું તેલ જોઈએ છે એટલે તમે થોડું ઓછું તેલ પણ લઈ શકો છો. હવે તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં પા ચમચી હીંગ ઉમેરી દેવી.

હવે હીંગ ઉમેરી લીધા બાદ તેમાં બટાટા મેશ કરીને જે રગડો તૈયાર કર્યો છે તે ઉમેરી દેવો. આ પહેલાં જો તમારે આદુમરચાની પેસ્ટ ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો પણ આ રીતમાં પેસ્ટ પાછળથી ઉમેરવામાં આવી છે.

હવે તેને બરાબર તેલ સાથે મિક્સ કરી લેવું. આ વખતે ગેસ ફુલ રાખવો. હવે રગડાને થોડીવાર ઉકળવા દેવો. આવી રીતે તેને 2-3 મિનિટ સુધી ઉકળવા દેવું. પણ વચ્ચે વચ્ચે રગડો હલાવતા રહેવો જેથી કરીને વાસણના તળિયે ચોંટી ન જાય.

હવે તેમાં મસાલા ઉમેરી દેવાના તેના માટે પહેલાં તમારે ગેસની ફ્લેમ મિડિયમ કરી લેવી. મસાલામાં એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચુ, એક નાની ચમચી ધાણાજીરુ પાઉડર, પા ચમચી ગરમમસાલા પાઉડર ઉમેરી દેવો અને સાથે સાથે ટેસ્ટ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. પણ ધ્યાન રાખવું કે વટાણા બાફતી વખતે પણ તેમાં મીઠુ ઉમેરવામાં આવ્યું હતું માટે બટાટાના ભાગનું જ મીઠુ ઉમેરવું. અને બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી.

હવે મસાલા ઉમેરી લીધા બાદ તેને તેમજ 2-3 મિનિટ સુધી ઉકળવા દેવું. જેથી કરીને તેમાંના મસાલા ચડી જાય.

હવે બે-ત્રણ મિનિટ બાદ જ્યારે રગડો બરાબર ઉકળી જાય ત્યારે તેમાં પાણી નહીં પણ તમે પકોડી માટે જે તીખુ ફુદિનાવાળુ પાણી બનાવ્યું છે તે ઉમેરવું. અહીં એક ગ્લાસ જેટલું ફુદિનાનું પાણી ઉમેરવામાં આવ્યું છે. તમે જ્યારે ક્યારેય પણ પાણીપુરીનો રગડો બનાવો ત્યારે તેને ઢીલો કરવા માટે સાદુ પાણી નહીં પણ પાણીપુરી માટે તૈયાર કરવામાં આવેલું તીખુ પાણી જ તેમાં ઉમેરો. જો તમને ખ્યાલ હશે તો પાણીપુરીવાળા ભૈયા પણ રગડામાં હંમેશા તીખુ પાણી જ ઉમેરતા હોય છે. તેનાથી રગડાનો સ્વાદ ઘણો વધી જાય છે.

હવે પાણી ઉમેરી લીધા બાદ તેને બરાબર મિક્સ કરી લેવું. અને તેને ફુલ ગેસ પર પાંચ મીનીટ ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે તેને હલાવતા પણ રહેવો. અને આ જ વખતે તેમાં એક મોટી ચમચી આદુમરચાની પેસ્ટ ઉમેરી દેવી.

અહીં દર્શાવવામાં આવ્યું છે તેમ રગડો પાતળો જ રાખવો કારણ કે રગડો ઠંડો પડતાં જાડો થઈ જાય છે. આ વખતે રગડો ટેસ્ટ કરી લેવો અને તેમાં વધતું ખુટતું મીઠુ બેલેન્સ કરી લેવું. જો તમારે જમવામાં મોડું થઈ ગયું હોય અને રગડો જાડો થઈ ગયો હોય તો તેમાં પાણીપુરી વાળુ પાણી થોડું ઉમેરી દેવું.

હવે રગડો જ્યારે તૈયાર થઈ જાય એટલે તેમાં તાજી જ ધોઈને જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી. અને તેને રગડામાં બરાબર મિક્સ કરી લેવી.

કોથમીર ઉમેર્યા બાદ રગડાની સુંદર સોડમ આવશે. જો આ ટ્રીક વાપરીને રગડો બનાવવામાં આવશે તો તમારો રગડો બહાર જેવો જ બનશે.

તો તૈયાર છે પાણીપુરી સાથે ખવાતો રગડા પુરીનો રગડો. તો હવે સ્પેશિયલ રગડાપુરી ખાવા માટે બહાર જવાની જરૂર નથી પણ ઘરે જ અહીં બતાવવામાં આવેલી ખાસ રેસિપિથી સ્વાદિષ્ટ રગડો બનાવો.

રગડા પુરીનો રગડો બનાવવા માટે વિગતવાર વિડિયો


રસોઈની રાણી : સીમાબેન

સૌજન્ય : કીચ કૂક

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *