ઇન્સ્ટન્ટ કેરી નો છુંદો – આ છુંદો તમે થેપલા, ઢોકળાં, મુઠીયા, પરાઠા કે પછી દાળ ઢોકળી સાથે સર્વ કરી ને આખું વર્ષ એની મજા માણી શકો છો.

અથાણાં બનાવવા એક કળા જ છે અને બધા ગુજરાતીઓ એમાં ખૂબ જ નિપુણ હોય છે. વર્લ્ડ ના દરેક ખૂણા માં ગુજરાતી અથાણાં ની બોલબાલા છે.

ઉનાળા માં અથાણાં ની સીઝનમાં ગુજરાતી ને ત્યાં અચૂક થી છુંદો બનતો જ હોય છે. ટ્રેડીશનલ રીતે 3-5 દિવસ તડકા માં મૂકીને છુંદો બનાવાતો હોય છે. પરંતુ ઘણા ને ત્યાં તાપ માં મુકવાની જગ્યા ના હોય કે ફ્લેટ માં રહેતા લોકો ને અગાશી માં મુકવા જવાનું શક્ય ન હોય તો તમે આ ઇન્સ્ટન્ટ રીતે બનાવાતો છુંદો ચોક્કસ થી બનાવી શકો.

જો તમારી પાસે ટાઈમ ઓછો હોય અને તમને છૂંદો બહુ જ ભાવતો હોય તો આ ઇન્સ્ટન્ટ છુંદો ચોક્કસ થી બનાવો અને સ્ટોર કરી ને આખું વર્ષ એની મજા માણો. સ્વાદ અને ટેસ્ટ માં એકદમ તાપ માં બનાવેલા છુંદા જેવો જ છે અને આ રીતે બનવામાં આવતો છુંદો ખૂબ જ ઝડપ થી બની જાય છે.

અથાણાં બનાવામાં સૌ પ્રથમ કાચી કેરી ની પસંદગી આવે. અથાણાં માટે ડાઘ વિનાની ચોખ્ખી કાચી કેરી ની પસંદગી કરો.મેં ખાટો-મીઠો છુંદો બનવવા માટે કાચી રાજાપુરી કેરી નો ઉપયોગ કર્યો છે. જો તમને ખટાશ ના જોઈતી હોય અને રસો વધુ જોઈતો હોય તો તમેં કાચી વનરાજ કેરી નો ઉપયોગ પણ કરી શકો છો.

ઇન્સ્ટન્ટ કાચી કેરી ના છુંદા ની સામગ્રી:-

1 કિલો રાજાપુરી કાચી કેરી

1 ચમચી જીરું

1/4 ચમચી હળદર

સવા કિલો ખાંડ

મરચું અને મીઠું સ્વાદ અનુસાર

રીત:-

સૌ પ્રથમ કાચી કેરી ને ધોઈ ને સાફ કરી કોરી કરી લો.


હવે છાલ ઉતારી ને થોડા મોટા કાણાં વાળી ખમણી થી છીણી લો.

છૂંદો બનાવામાં જો બહુ નાની કાણાં વાળી ખમણી ( grater) વાપરશો તો લોચા જેવો છૂંદો થાય છે એટલે મોટા કાણાં વાળી ખમણી વાપરો.


હવે આ છીણેલી કેરી ને એક જાડી કડાઈ માં લો અને ત્યારબાદ છીણેલી કેરી માં હળદર ઉમેરી ને હાથેથી મિક્સ કરો.

હવે થોડી થોડી ખાંડ કેરી ના છીણ માં ઉમેરી ને હાથે થી મિક્સ કરતા જાવ. આવી રીતે કરવાથી બધી ખાંડ ઓગળવા લાગશે અને રસો બનતો જશે. એક સાથે બધી ખાંડ ના ઉમેરવી.


બધી ખાંડ મિક્સ થાય એટલે કડાઈ ને ગરમ કરવા મુકો. 1 ચમચી જીરું ઉમેરી ને મધ્યમ આંચ પર 1-2 ઉભરા આવે અથવા અડધો તાર ની ચાસણી બને એટલે ગેસ બંધ કરી દો.


આ મિશ્રણ ઠંડુ થવાથી એ 1 તાર ની ચાસણી બની જશે. જો વધુ ટાઈમ માટે છૂંદો ગરમ કરશો તો કેરી વધુ પોચી બની જાય અને ખાંડ ની ચાસણી બહુ ઘટ્ટ થઇ ને ક્રિસ્ટલ બની જાય છે.


હવે મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે સ્વાદાનુસાર મીઠું અને લાલ મરચું ઉમેરી બધું બરાબર હલાવી ને મિક્સ કરો.


સાવ ઠરી જય એટલે ચોખ્ખી કાચની બરણી માં છુંદો ભરી લો. આખું વર્ષ આ છુંદો તમે વાપરી શકો છો.


ઇન્સ્ટન્ટ બનતો ખાટો – મીઠો આ છુંદો તમે થેપલા, ઢોકળાં, મુઠીયા, પરાઠા કે પછી દાળ ઢોકળી સાથે સર્વ કરી ને આખું વર્ષ એની મજા માણી શકો છો.

નોંધ:-


છુંદો બનાવાની કેરી પોચી ના હોવી જોઈએ. છૂંદો બનાવતી વખતે પાણી થી દુર રાખો. પાણી ના છાંટા ના ઉડે તેનું ખાસ ધ્યાન રાખો.

જે કાચ ની બરણી માં ભરવાના હોય એને ધોઈ ને ચોખ્ખી કરી ને થોડી વાર તાપ માં તપાવી દો જેથી અથાણું બગડવાનો ડર ના રહે.

જો ચાસણી ઠંડી થતા તમને 1 તાર ના લાગે તો ફરી એકવાર ગરમ કરી ને રાખી દો . 1 તાર ની ચાસણી બને પછી જ મીઠું અને મરચું છેલ્લે ઉમેરો. અને વધુ ઘટ્ટ લાગે તો થોડી ખાંડ અને પાણી ગરમ કરી ને ઉમેરો અને 1 તાર ની ચાસણી બનાવો.

છુંદા માં આખું જીરુ ઉમેરવાથી સ્વાદ માં વધારો થાય છે.

મીઠું ઉમેરવામાં ધ્યાન રાખો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *