અડદની દાળ અને બાજરીનો રોટલો બનાવવાની પર્ફેક્ટ રીત…

અડદની દાળ અને બાજરીનો રોટલો ખાવાની બેસ્ટ સિઝન શિયાળો અને ચોમાસુ છે. આ બન્ને સિઝનમાં જેટલી મજા ભજિયાની આવે છે તેટલી જ મજા બાજરીના રોટલા સાથે અડદની દાળ ખાવાની આવે છે. તો આજે નીધીબેન તમારા માટે લાવ્યા છે પર્ફેક્ટ અડદની દાળ અને બાજરીનો રોટલો બનાવવાની રેસીપી.

અડદની દાળ બનાવવા માટેની સામગ્રી

½ વાટકી અડદની દાળ

1 મીડીયમ ડુંગળી

1 મીડીયમ ટામેટું

8-10 કળી ફોલેલુ લસણ

1 ઇંચ આદુનો ટુકડો

2 લીલા મરચા

1 ચમચી લાલ મરચુ પાઉડર

½ ચમચી ધાણાજીરુ પાઉડર

¼ ચમચી હળદર

½ ચમચી ગરમ મસાલો

સ્વાદઅનુસાર મીઠુ

બાજરીનો લોટ

અડદની દાળ બનાવવાની પર્ફેક્ટ રીત

સૌ પ્રથમ અરધી વાટકી અડદની દાળ લો તેને બે-ત્રણ પાણીએ ધોઈ લેવી. રેગ્યુલર તમે જેમ કુકરમાં દાળ બાફતા હોવ તેમ કુકરમાં ધોયેલી દાળ ઉમેરી દેવી અને તેમાં દાળ કરતાં ત્રણ-ચાર ગણું વધારે પાણી ઉમેરી દેવું. હવે તેમાં 4-5 ટીપાં તેલ પણ ઉમેરી દેવું જેથી કરીને કુકરમાં ગરમ થતી વખતે દાળ બહાર ન ઉભરાય.

હવે સાવ ધીમા ગેસ પર કુકરને મુકી દેવું. અને કુકરની ચાર-પાંચ સીટી વગાડી ગેસ બંધ કરી તેને સીજવા દેવું.

હવે દાળનો વઘાર કરવા માટે સો પ્રથમ તો તમારે એક મીડીમય સાઇઝની ડુંગળી અને મીડીમય ટામેટાને નાના સમારી લેવા.

સાથે સાથે આદુ-મરચા-લસણની પેસ્ટ પણ તૈયાર કરી લેવી. જેમાં તમારે એક ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચા, અને 8-10 કળી લસણની જરૂર પડશે.

હવે વઘાર માટે એક તપેલી લેવી તેને ગેસ પર મુકી દેવી અને તેમાં 3-4 ચમચી તેલ ગરમ કરવા મુકવું. તેલ ગરમ થાય એટલે તેમાં વઘાર પ્રમાણે રાઈ, જીરુ, હીંગ અને 2 લવિંગ અને 2 નાના ટુકડા તજ ઉમેરી દેવા.

હવે તેની સાથે સાથે જ તૈયાર કરેલી આદુ-મરચા-લસણની પેસ્ટ પણ ઉમેરી દેવી અને મીઠા લીંમડાના 5-6 પાન પણ ઉમેરી દેવા હવે તેને 30-40 સેકેન્ડ સુધી સાંતળી લેવી.

આદુ-મરચા-લસણની સ્મેલ આવવા લાગે એટલે તેમાં જીણી સમારેલી ડુંગળી ઉમેરી દેવી. અને તેને હલાવી લેવું.

હવે ડુંગળીની સાથે સાથે મસાલામાં હળદર, લાલ મરચુ પાઉડર, ધાણાજીરુ અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. હવે બધું જ હલાવી લેવું.

ડુંગળી સંતળાઈને નરમ થઈ જાય એટલે તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરી દેવા તેને બરાબર હલાવી લેવું.

હવે ટામેટા નાખ્યા બાદ તેમાં અરધી ચમચી ગરમ મસાલો પણ ઉમેરી લેવો. હવે તેને બરાબર હલાવી લીધા બાદ 3-4 મીનીટ ટામેટા નરમ થઈ જાય ત્યાં સુધી સંતળાવા દેવું.

આ દરમિયાન કુકર ઠંડુ થઈ ગયા બાદ તેનું ઢાકણું ખોલીને બફાયેલી અડદની દાળમાં રવઈ ફેરવી લેવી. અહીં તમારે બ્લેન્ડર ફેરવવાની કોઈ જરૂર નથી. અડદની દાળ અધકચરી ખાવાની મજા પડે છે. અડદની દાળ શરૂઆતમાં પાણીવાળી લાગે છે પણ ઉકળ્યા બાદ તે એકદમ ઘાટી થઈ જાય છે.

હવે ટામેટા એકદમ ગળી જાય અને વઘારમાંથી તેલ છુટ્ટું પડવા લાગે એટલે વલોવીને તૈયાર કરેલી અડદની દાળ તેમાં ઉમેરી લેવી.

ત્યાર બાદ તેમાં બીજું અરધો ગ્લાસ પાણી ઉમેરી દેવું. અને ત્યાર બાદ તેને ધીમા ગેસે 10-15 મીનીટ માટે ઉકળવા દેવી.

જેમ જેમ અડદની દાળ ઉકળતી જશે તેમ તેમ જાડી થતી જશે. જો તમારે ગરમાગરમ સર્વ ના કરવાની હોય તો થોડું પાણી વધારે જ ઉમેરી રાખવું કારણ કે જમતી વખતે અડદની દાળ જાડી થઈ જશે.

હવે દાળ ઉકળી જાય એટલે તેમાં અરધું લીંબુ નીચોવી લેવું.

હવે લીંબુ નીચોવી લીધા બાદ જો તમને ખટમીઠી દાળ ભાવતી હોય તો તમે તમારા ટેસ્ટ મુજબ ગોળ પણ ઉમેરી શકો છો. ગોળ અહીં સાવ જ ઓપ્શનલ છે. એમ પણ અડદની દાળ ગળપણ વગર વધારે સ્વાદિષ્ટ લાગે છે.

હવે છેલ્લે તેમાં ધોઈને જીણી સમારેલી થોડી કોથમીર ઉમેરી દેવી. અને દાળને બરાબર હલાવી લેવી. તો તૈયાર છે અડદની દાળ.

બાજરીનો રોટલો બનાવવાની રીત

સામાન્ય રીટે બાજરીનો રોટલો બધાના હાથે પર્ફેક્ટ નથી બનતો. તો આ વખતે આ રીત અજમાવી પર્ફેક્ટ બાજરીનો રોટલો બનાવતા શીખો

તેના માટે તમારે જેટલી સાઇઝનો રોટલો બનાવવો છે તેટલો બાજરીનો લોટ એક કથરોટમાં લેવો. હવે તેને પાણીથી બાંધવા માટે તમારે સૌ પ્રથમ તો જે પાણી વાપરવાના હોવ તેમાં જ સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું. હવે ધીમે ધીમે બાજરીના લોટમાં પાણી ઉમેરતા જાઓ અને લોટ બાંધતા જાઓ. બાજરીનો લોટ બાંધતી વખતે જેટલો તેને મસળવામાં આવ્યો હશે તેટલો તે સરસ બને છે અને ટીપતી વખતે તેમાં તીરાડ નથી પડતી.

અહીં તમે જુઓ છો તેમ બાજરીના લોટને ખુબ મસળવામાં આવ્યો છે. હવે બાંધેલા લોટમાંથી ગોળ લુઓ તૈયાર કરી લેવો.

હવે આ લુઆને સૌપ્રથમ આંગળી અને અંગુઠા વડે કીનારીએથી પાતળા કરતા જવો અહીં તસ્વીરમાં બતાવવામાં આવ્યું છે તે પ્રમણે.

હવે તેને સપ્રમાણ બધી જ દીશાએથી હાથેથી ઘડી લેવો. અને તેને માટીની તાવડીને ફુલ ગરમ કર્યા બાદ તેના પર શેકાવા મુકી દેવો.

માટીની તાવડીને ફુલ ગરમ થવા દેવી. તેમ નહીં કરો તો રોટલો બરાબર શેકાશે નહીં. આ ઉપરાંત તમારે 3-4 મીનીટ ફુલ ગેસ પર બાજરીના રોટલાની એકબાજુને શેકાવા દેવાની છે ત્યાર બાદ જ તેને ઉથલાવાનો છે નહીંતર તે નીચેથી ચોંટી જશે અને બાજરીનો રોટલો બગડી જશે.

હવે એક બાજુ બરાબર શેકાઈ ગયા બાદ તેની બીજી બાજુ પલટી લેવી અને તેને વચ્ચેથી દબાવી દેવો. જેથી કરીને બન્ને બાજુ સમાનરીતે શેકાઈ જાય. બીજી બાજુને પણ બરાબર શેકાવા દેવો. હવે બીજી બાજુ શેકાઈ જાય એટલે તેને ફરી પલટાવી લેવો અને તેને શેકાવા દેવો. વચ્ચેથી રોટલો ઉંચો હોય તો તેને વચ્ચે દબાવાની જરૂર નથી. તેમ જ રહેવા દેવું. અને વચ્ચે વચ્ચે ચીપીયાથી રોટલો ઉંચો કરી કરીને ચેક કરતા રેહવું. રોટલો ચડશે તેમ તેમ ફુલવા લાગશે.

હવે રોટલો શેકાઈ ગયો છે તેનું પડ છુટ્ટુ કરીને અંદરની બાજુ એક-બે ચમચી ઘી ચોપડી લેવું. તો તૈયાર છે પર્ફેક્ટ બાજરીનો રોટલો

અહીં અડદની દાળને બાજરીના રોટલા ઉપરાંત કેરી-લસણ-આદુનું અથાણું, ઘી-ગોળ સાથે સર્વ કરવામાં આવ્યા છે જે એક પર્ફેક્ટ કોમ્બીનેશન છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

અડદની દાળ અને બાજરીનો રોટલો બનાવવાની પર્ફેક્ટ રીત માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *