અડદની દાળ – બાજરીના રોટલા સાથે ચોળીને આ દાળ ખાવામાં આવે ટેસડો પડી જાય…

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે એક બહુ જ ટેસ્ટી અને બધાને પસંદ આવશે એવી વાનગી લાવી છું. રવિવારે અમારા ઘરે દાળઢોકળી અને ઈડલી સંભાર વગર એક વાનગી એવી છે જે બનતી હોય છે એ છે એકદમ દેશી અડદની દાળ, સાથે મળી જાય લસણની ચટણી, બાજરીના રોટલા, શેકેલા મીડીયમ તીખા મરચા અને ગોળનો એક ટુકડો… આહા હા… આટલું મળે તો અહીંયા જ સ્વર્ગની અનુભૂતિ થાય. ચાલો વધુ સમય ના લેતા તમને જણાવી દઉં એકદમ સરળ રેસિપી અડદની દાળ બનાવવા માટેની.

સામગ્રી

  • અડદની દાળ – એક કપ
  • લસણની ચટણી – બે ચમચી
  • જીરું – અડધી ચમચી
  • હળદર – અડધી ચમચી
  • લાલ મરચું – સ્વાદ મુજબ (ઓ લસણની ચટણીમાં વધારે મરચું લીધું હોય તો આ સમયે ઓછું મરચું લેજો.)
  • ધાણાજીરું – એક ચમચી
  • હિંગ – એક ચપટી
  • મીઠું – સ્વાદ મુજબ
  • લીલા ધાણા – જરૂર મુજબ
  • મીઠો લીમડો – બે ત્રણ પાન

અડદની દાળ બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા અડદની દાળને ધોઈ લઈશું અને તેને પલાળી રાખીશું.

2. જો તમે ઈચ્છો છો કે દાળ જલ્દી ચઢી જાય તો તેને અડધો કલાક પલાળી રાખજો. અડદની દાળને કૂકરમાં બાફવાથી બહુ ફીણ નીકળે છે એટલા દાળને પલાળી રાખું છું અને પછી તપેલી કે ખુલ્લા વાસણમાં જ બાફુ છું.

3. પલળી ગયેલ દાળને તપેલીમાં ચઢવા માટે મુકો. દાળ ઉકળશે એટલે તેમાં થોડું ફીણ થાય તો તેને ચમચાની મદદથી કાઢીને હટાવી લઈશું. સાથે એક ચમચી તેલ પણ ઉમેરી લઈશું એટલે બહુ ફીણ ના થાય.

4. હવે દાળને બરાબર ચઢી જવા દેવાની છે.

5. દાળ ઉકળતી હોય ત્યારેજ આપણે તેમાં અમુક મસાલા ઉમેરી લઈશું. સૌથી પહેલા મીઠું અને સાથે સાથે હળદર પણ ઉમેરી લો.

6. હવે તેમાં ગરમ મસાલો અને ધાણાજીરું પણ ઉમેરી લો.

7. લીલા ધાણા પણ તમે આ સમયે ઉમેરી શકો છો.

8. હવે આપણે દાળનો વઘાર કરીશુ તેના માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો અને તેમાં જીરું ઉમેરો.

9. જીરું તતડે એટલે તેમાં લસણની ચટણી અને સાથે મીઠો લીમડો પણ ઉમેરો.

10. લસણની ચટણી બરાબર મિક્સ કરીને થોડીવાર તતડવા દો

11. હવે બધો વઘાર દાળમાં ઉમેરી પણ શકો અને જો તમે ઈચ્છો તો ચઢી ગયેલ દાળમાંથી થોડી દાળ આ વઘારમાં ઉમેરો.

12. હવે દાળ મિક્સ કરેલા વઘારને ઉકળી રહેલ દાળમાં ઉમેરો.

13. દાળ બરાબર ઉકળે અને થોડી ઘટ્ટ થાય એટલે દાળ બની ગઈ સમજવું.

બસ તો હવે આ દાળ બાજરીના રોટલા સાથે ખાવા માટે તૈયાર છે. આ વાનગી સાથે શેકેલા મરચા પણ બહુ સ્વાદ આપે છે. હવે જયારે પણ ઘરમાં કાંઈક દેશી ખાવાનું મન થાય તો આ વાનગી જરૂર બનાવજો. અને હા મારી આ રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ત્યારે ફરી મળીશું આવી કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી લઈને.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *