નાના બાળકોના પ્રિય એવા પાસ્તા ખુબ જ સરળ રીતે ઘરે બનાવો

બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. અને પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. તો આજની આ પોસ્ટમાં અમે તમારા માટે લાવ્યા છીએ ખુબ જ સરળ અને સિમ્પલ પાસ્તા રેસીપી જેને તમે તમારા બાળકોને બપોરના નાસ્તામાં તેમજ શાળાએ લંચબોક્ષમાં પણ આપી શકો છો.

પાસ્તા બનાવવા માટેની સામગ્રી

1 બોલ પાસ્તા

એક ચમચી આદુ અને લસણની પેસ્ટ

બે ચમચી તેલ

પાસ્તા સોસ સ્વાદ પ્રમાણે

મીઠુ સ્વાદ પ્રમાણે

પાસ્તા બોઈલ કરવા માટે પાણી

પાસ્તા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક તપેલી અથવા તો ઉંડુ પેન લેવું. તેમાં ત્રણ ગ્લાસ પાણી ઉમેરી તેને ઉકળવા મુકી દેવું.

હવે તેમાંનું પાણી ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરવું. અને સાથે સાથે તેમાં એક નાની ચમચી તેલ ઉમેરી દેવું. આમ કરવાથી પાસ્તા એકબીજા સાથે ચોંટશે નહીં અને ચીકણા પણ નહીં થાય.

હવે તેમાં એક બોલ પાસ્તા ઉકળવા માટે ઉમેરી દેવા. અહીં સ્પાઇરલ પાસ્તા લેવામા આવ્યા છે તમે કોઈ પણ પાસ્તા લઈ શકો છો. આ પાસ્તામાં મસાલો ભરાઈ રહેવાથી સ્વાદ ખુબ સારો આવે છે. પણ તમે બાળકોને ગમતા શેપના પાસ્તા લઈ શકો છો.

હવે તેમાં પાસ્તા ઉમેરી દીધા બાદ અને તેને બરાબર હલાવી લેવું નહીંતર તે નીચે ચોંટી જશે.

હવે તેને ફુલ ગેસ પર 5-8 મિનિટ માટે ઉકળવા દેવા. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું નહીંતર પાસ્તા નીચે બેસી જશે.

5-8 મિનિટ બાદ તમે જોશો તો પાસ્તા બફાઈ ગયા હશે. તેને તમે ચમચીમાં લઈને છરીથી કાપીને ચેક કરી શોક છો.

હવે તેને ચારણી કે પછી જારાની મદદથી પાણી નીતારીને કાઢી લેવા. અને તેને થોડી વાર માટે બાજુ પર મુકી દેવા.

હવે એક પેન લેવું. તેમાં બે ચમચી તેલ ઉમેરવું અને તેલને ગરમ થવા દેવું.

હવે તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી દેવી. હવે તેની સાથે જ ચાર ચમચી પાસ્તા સોસ ઉમેરી દેવો.

હવે તેમાં થોડું પાણી ઉમેરી તેને બરાબર હલાવી લેવું. જેથી કરીને લસણની ચટની પાસ્તા સોસ એકરસ થઈ શકે.

બરાબર હલાવી લીધા બાદ ફરી તેમાં અડધા કપ જેટલું પાણી રેડો અને તેને બરાબર હલાવીને સોસને બરાબર ઉકળવા દો.

સોસ બરાબર ઉકળે તે દરમિયાન તેને સતત હલાવતા રહેવું. સોસ થોડો થીક થઈ ગયા બાદ ફરી તેમાં બે ચમચી પાણી ઉમેરવું. અને ફરી તેને હલાવી લેવું.

સોસ ઉકળીને તૈયાર થઈ ગયો છે હવે તેમાં બોઈલ કરેલા પાસ્તા ઉમેરવા.

હવે પાસ્તાને સોસ સાથે બરાબર મિક્સ કરી લેવા. અને વધારાનું જે પાણી છે તે ઉડી જાય ત્યાં સુધી તેને તેમ જ થવા દો. હવે છેલ્લે તેમાં અરધી ચમચી સોસ ઉમેરો અને ફરી તેને પાસ્તામાં બરાબર મિક્સ કરી લો.

તો બની ગયા છે બાળકોના પ્રિય પાસ્તા. આ પાસ્તામાં તમે જ્યારે લસણ આદુની પેસ્ટ ઉમેરો તે સમયે વેજીટેબલ્સ પણ ઉમેરીને તેને અધકચરા સાંતળીને ઉમેરી શકો છો. તેનાથી બાળકોને પાસ્તાની સાથે સાથે વેજીટેબલ્સ પણ મળી જશે.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

પાસ્તા બનાવવા માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *