એલો-વેરા (Aloevera) શું છે ? તેનાથી વજન ઉતરે ?

આફ્રિકાના જંગલોમાં સૌથી વધુ પ્રાપ્ત થતાં એલો-વેરાના ઝાડ એક પ્રકારના cactus (થોર) છે. જે ગમે તેવી ગરમ અને સુકી આબોહવામાં પણ ઉછરી શકે છે. તેને ગુજરાતીમાં આપણે કુંવાર પાઠું કહીએ છીએ. એલો-વેરાની જુદી જુદી 400 જાતો છે.

એલો-વેરાના ખુબ જ જુદા જુદા ફાયદા આજકાલ પ્રચલીત થઈ રહ્યા છે. ઘર આંગણે કુંડામાં પણ તેને ઉગાડી શકાય છે. તેને ઉછેરવા માટે વધુ માવજતની અથવા પાણીની જરૂર પડતી નથી.

એલો-વેરાના સ્વાસ્થ્યવર્ધક ફાયદા ઘણાબધા પ્રચલીત છે. એલો-વેરાથી હેલ્થ સુધરે છે.

ઉપરાંત એનર્જી પણ વધી શકે છે. વ્યક્તિની હેલ્થ અને સુંદરતા સાથે એલે-વેરા એ સીધો સંબંધ ધરાવે છે. એલો-વેરાનું રોજિંદુ સેવન કરવાથી સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેનો વધારો થાય છે. તેમાંથી પાચનમાં પણ ફાયદો થાય છે અને પેટમાંના ટોક્સીન્સને તે બહાર ફેંકે છે. એલો-વેરામાં એવા ગુણ છે કે તે શરીરમાંના નુકસાનકારક બેક્ટેરીયાનો નાશ કરે છે અને શરીરને રીજનરેટ (નવજીવન) કરે છે.

એલો-વેરા એન્ટી-એજિંગ છે. તેમાં રહેલાં તત્ત્વો ચામડીને સુંવાળી, સુંદર બનાવે છે. તેનાથી વાળમાં પણ વધારો થાય છે ઉપરાંત એ એન્ટી-એજીંગ છે. એલો-વેરાના વપરાશથી વ્યક્તિની ઉંમરમાં વધારો થાય છે. તેમ કહીએ તો તે ખોટું નથી. તેમાં રહેલું એલોઇન (aloin) નામનું તત્ત્વ વ્યક્તિને વધુ જીવવાની તાકાત આપે છે. યુનિવર્સીટી ઓફ હેલ્થ સાયન્સ સેન્ટરમાં ઉંદરો પર કરવામાં આવેલા પ્રયોગો દ્વારા જાણવામાં આવ્યું છે કે એલો-વેરા આપવાથી 10% જેટલો ઉંમરનો વધારો થયો હતો.

શું એલો-વેરાથી વજન ઉતરી શકે ?

ફક્ત એલો-વેરા લેવાથી વજન ઉતરી શકે નહીં પરંતુ એલો-વેરા વજન ઉતારવામાં મદદરૂપ થઈ શકે. જો તમે લો-ફેટ, લો-શુગરવાળો ખોરાક લો અને કેલેરી માપીને લેવાનું રાખો અને સાથે સાથે એલો-વેરાનો જ્યુસ વાપરો તો વજન વધુ ઝડપથી ઉતરી શકે છે.

એલો-વેરા કેવી રીતે અને ક્યારે લેવું ?

અત્યારે માર્કેટમાં એલો-વેરા જ્યુસ અને જેલ ખુબ જ મળી રહ્યા છે. જાણીતી કંપનીઓના એલો-વેરા જ્યુસ લેવાથી ફાયદો થઈ શકે છે. અમુક જ્યુસ સ્વાદ વગરના આવતા હોય છે તો અમુક તીખા, તૂરા લાગતા હોય છે. આવા સમયે સ્વાદની અનુકુળતા જોઈને વાપરી શકાય છે. પરંતુ ઘણી વાર ગળપણ પણ સ્વાદ માટે ઉમેરવામાં આવે છે તો આવા સમયે કદાચ એલો-વેરાના અન્ય લાભ તો તમે મેળવી શકો છો પણ વધારે શર્કરાના કારણે તમારું વજન વધી જવાની શક્યતા છે.

વર્ષોથી પ્રચલીત આ ઝાડ હમણાં હમણાં બંગલાના આંગણામાં તેમજ ફ્લેટના ટેરેસ ગાર્ડનમાં પણ વાવવામાં આવે છે અને માટે જ સૌથી સારો રસ્તો એ છે કે તમે એલો-વેરાને તાજું જ વાપરો. ઘર આંગણેથી એક નાના ડાળખાને તોડી તેને સારી રીતે પાણી વડે સાફ કરી ઉપરનું કડક પડ કાઢી અને અંદરનો જેલી જેવો પદાર્થ ગળી જવાથી પણ એલો-વેરાના ફાયદા મળે છે.

જેમ કે કબજીયાત દૂર થવો, લોહીનું શુદ્ધિકરણ થવું. દાઝ્યા પર પણ આ જેલી લગાડી શકાય છે. તે જેલીને તમે જો સીધી જ ન ખાઈ શકતા હોવ તો તેને પાણીમાં ડાયલ્યુટ કરી તમે દિવસ દરમિયાન એક-બે વાર પી શકો છો. આ ઉપરાંત આ જેલીને મોઢા પર લગાવવાથી ત્વચા સુંદર અને સુંવાળી બને છે.

ખરેખર, એલો-વેરાનો પ્રયોગ કરી જોવા જેવો છે.

લેખક – લીઝા શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *