મેજીક આલુ ભાજી – મેજીક મસાલાના અનોખા ટેસ્ટ સાથે બનાવો આ શાક, ઘરમાં બધાને પસંદ આવશે..

કેમ છો મિત્રો? બટાકાનું શાક એ લગભગ દરેકના ઘરમાં બધાને પસંદ હોય છે પણ હવેના બાળકોને એકનું એક રસાવાળું બટાકાનું શાક પસંદ નથી આવતું. તેમને બટાકાના શાકમાં પણ વિવિધતા જોઈએ છે. તો ઘણા એવા પણ મિત્રો હશે જે ફક્ત બટાકાનું જ શાક ખાતા હોય છે. તો એવા મિત્રો માટે આજે હું લાવી છું એક મેજીક આલુ ભાજી બનાવવા માટેની સરળ રેસિપી.

બહુ સરળ રીત છે આ શાક બનાવતા પહેલા તમારે બટેકા બાફી લેવાના છે અને સાથે સાથે ટામેટાને જીણા કાપી લેવા અને ડુંગળીને પણ જીણી સમારી લેવાની છે. આટલું તૈયાર હશે તો 5 મિનિટમાં તમારું આ શાક તૈયાર થઇ જશે. તો તમે એકવાર જરૂર બનાવજો અને મને જજણાવજો કેવું લાગ્યું.

સામગ્રી

  • બાફેલા બટાકા – 3 મીડીયમ સાઈઝ
  • જીણા સમારેલા ટામેટા – 2 મીડીયમ નંગ
  • જીણી સમારેલ ડુંગળી – 2 મીડીયમ સાઈઝ
  • લસણની ચટણી – 1 ચમચી (ઘરની બનાવેલ ચટણી ના હોય તો લસણ પણ ક્રશ કરીને ઉમેરી શકીએ.)
  • લીલા મરચા – 2 નંગ જીણા સમારેલા
  • આદુ – એક નાનો ટુકડો છીણીને ઉમેરવા માટે
  • તેલ – વઘાર કરવા માટે
  • કસૂરી મેથી – 1 ચમચી
  • જીરું – અડધી ચમચી
  • હિંગ – અડધાની અડધી ચમચી
  • લાલ મરચું – 1 ચમચી
  • હળદર – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • મીઠું – સ્વાદ અનુસાર
  • મેગી મેજીક મસાલો – એક પેકેટ

મેજીક આલુ ભાજી બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા શાક વધારવાના પેનમાં તેલ ગરમ કરવા માટે મુકો.

2. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો.

3. જીરું તતડે એટલે તેમાં લસણની ચટણી ઉમેરો ચટણી ના હોય તો લસણ ખાંડીને ઉમેરો. આની સાથે જ તમે હિંગ પણ ઉમેરી લો.

4. હવે આમાં જીણા સમારેલા લીલા મરચા ઉમેરો અને સાથે સાથે આદુ પણ છીણી લેવું

5. બધું બરાબર હલાવી લો હવે આ મિશ્રણમાં જીણી સમારેલ ડુંગળી ઉમેરો.

6. ડુંગળીને થોડીવાર સાંતળવા દેવાની છે. બરાબર ચઢે એટલે ડુંગળીને જોઈને ખ્યાલ આવી જશે.

7. હવે આમાં જીણા સમારેલ ટામેટા ઉમેરો. અને તેની સાથે મીઠું પણ ઉમેરી લો

8. હવે એક ચમચી કસૂરી મેથી હાથમાં મસળીને શાકમાં ઉમેરો, આમ કરવાથી શાકમાં મસ્ત સ્મેલ આવશે.

9. હવે તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલો ઉમેરો.

10. હવે બરાબર હલાવી લો જેથી મસાલો બરાબર મિક્સ થઇ જાય. હવે આમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરો.

11. હવે આ બધું બરાબર મિક્સ કરી લો. શાકનો રંગ જોઈને તમને ખાવાની ઈચ્છા થઇ જશે અને સુગંઘથી તમારું રસોડું મહેકી ઉઠશે.

12. હવે આમાં અડધો ગ્લાસ પાણી ઉમેરવું જેથી મસાલો બટાકામાં બરાબર ભળી જાય.

13. હવે પાણીને બરાબર ઉકાળવા દો.

14. બરાબર ઉકલી જાય અને રસો થોડો ઘટ્ટ થાય એટલે તમારું શાક તૈયાર થઇ ગયું છે, હવે ગેસ બંધ કરીને મેગી મેજીક મસાલો ઉમેરી લો.

15. બધું બરાબર મિક્સ કરી લો. હવે શાક તૈયાર છે.

આ શાક વધારે પડતું તો પુરી સાથે બહુ ટેસ્ટી લાગે છે પણ તેને તમે પરાઠા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકો છો. બસ તો બનાવી આપો બાળકોને આ આલુ ભાજી એ પણ મેજીક ટવીસ્ટ સાથે.

તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *