અળવીના પાત્રા બહુ ખાધા આજે બનાવો આયર્નથી ભરપૂર પાલકના પાત્રા !

જ્યારે ક્યારેય પાત્રા બનાવવાનો વિચાર આવે ત્યારે સીધા જ અળવીના મોટા પાન જ યાદ આવતા હોય છે પણ આ વખતે તમે પાત્રા બનાવો તો અળવીના નહીં પણ પાલકના પાત્રા બનાવો. આજે ચેતનાબેન તમને શીખવશે કે કેવી રીતે આયર્નથી ભરપૂર પાલકના સ્વાદિષ્ટ ચટપટા પાત્રા બનાવવા. તો ચાલો નોંધી લો રેસિપિ.

 

પાલક પાત્રા બનાવવા માટેની સામગ્રી

150 ગ્રામ પાલકના પાન

150 ગ્રામ ચણાનો લોટ

3 ટેબલ સ્પૂન જવારનો લોટ

½ ટી સ્પૂન ચમચી અજમા

થોડી હળદર

½ ટી સ્પૂન ગરમ મસાલો

½ ટી સ્પૂન લાલ મરચુ પાઉડર

સ્વાદપ્રમાણે મીઠુ

½ ટી સ્પૂન શેકેલા જીરાનો પાઉડર

½ ટી સ્પૂન ધાણાજીરુ પાઉડર, ¼ ટી સ્પૂન હીંગ.

2 ટેબલ સ્પૂન ગોળ

1 ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ.

વઘાર માટે, રાઈ, હીંગ, મીઠા લીંમડાના પાન અને એક ચમચી તલ

પાલક પાત્રા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ પાલકના પાન લેવા તે બને તેટલી મોટી સાઇઝના લેવા અને તેને એક એક કરીને ધોઈને સ્વચ્છ કરી લેવા.

હવે આ પાલકના પાંદડા પરની જે મોટી નસો છે તેને અહીં બતાવ્યું છે તે પ્રમાણે છરીની મદદથી દૂર કરી દેવી.

હવે બધા જ પાલકના પાંદડા ધોઈને તેમાંથી જાડી નસો દૂર કરી લીધા બાદ તેને બાજુ પર મુકી દેવા અને તેના પર લગાવવા માટેનું ખીરુ તૈયાર કરી લેવું. તેના માટે એક બોલમાં 150 ગ્રામ ચણાનો લોટ ઉમેરવો.

હવે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જવારનો લોટ ઉમેરવો. જવારનો લોટ એકદમ બારીક જ લેવો.

હવે તેમાં બધા મસાલા ઉમેરી દેવા, તેના માટે તમારે તેમાં અરધી નાની ચમચી અજમા, થોડી હળદર, અરધી નાની ચમચી ગરમ મસાલો, અરધી નાની ચમચી લાલ મરચુ પાઉડર, એક ચમચી મીઠુ, અરધી નાની ચમચી શેકેલા જીરાનો પાઉડર, અરધી નાની ચમચી ધાણાજીરુ પાઉડર, ¼ ટી સ્પૂન હીંગ.

બે મોટા ચમચા ગોળ, ગોળ તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો, હવે ગોળની સાથે જ તેમાં એક ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ ઉમેરો.

હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને તેની જાડી પેસ્ટ બનાવી લેવી. પાણી એક સાથે વધારે ન નાખવું નહીંતર ખીરુ વધારે પડતું પાતળુ થઈ જશે તેને પાંદડા પર લગાવી શકાય તેવી પેસ્ટ જેવું જ બનાવવાનું છે.

હવે બેટર તૈયાર થઈ જાય એટલે તેમાં ¼ ટી સ્પૂન ખાવાનો સોડા ઉમેરવો. હવે તેને એક્ટિવેટ કરવા માટે એક લીંબુનો રસ ઉમેરવો.

બધા જ મસાલાને થોડા ચડિયાતા લેવા જેથી કરીને પાલકના પાનના ભાગનો મસાલો પણ તેમાં આવી જાય એટલે જ્યારે પાત્રા બનીને તૈયાર થઈ જાય તો તેનો સ્વાદ ફિક્કો ન લાગે. હવે તેને વ્યવસ્થિતે મિક્સ કરી લેવું.

હવે સ્ટિમરમાં પાત્રા સ્ટીમ કરવા માટે જાળી મુકી દેવી અને તેને તેલથી ગ્રીસ કરી લેવી.

હવે ધોઈને નસ કાઢેલા પાલકના મોટા પાન લેવા અને તેના પર તૈયાર કરેલું ખીરુ લગાવવું.

હવે અહીં બતાવ્યું છે તે પ્રમાણે બીજુ પાન ગોઠવવું અને તેના પર પણ વ્યવસ્થિત માત્રામાં ખીરુ લગાવી લેવું. આવી જ રીતે બીજા પાન પણ ઉમેરતા જવા. આમ કુલ ચાર-પાંચ પાન સ્પ્રેડ કરીને તેના પર ખીરુ લગાવી લેવું.

હવે તેને બન્ને છેડેથી કીનારી વાળીને તેના પર પણ ખીરુ લગાવી લેવું અને તેનો રોલ વાળી લેવો.

આવી જ રીતે બધા જ પાનના રોલ તૈયાર કરી લેવા. અને તેને સ્ટિમરમાં સ્ટિમ થવા માટે મુકી દેવા. હવે પાત્રાને સ્ટિમરમાં 12-15 મિનિટ માટે સ્ટિમ કરી લેવા. સ્ટીમ કરતી વખતે એ ધ્યાન રાખવું કે શરૂઆતની પાંચ મિનિટ તેને હાઈ ફ્લેમ પર સ્ટિમ કરવું અને ત્યાર બાદ 7-8 મીનીટ તેને સ્લો ફ્લેમ પર સ્ટીમ કરવું.

12-15 મિનિટ બાદ તમારે છરી નાખીને પાત્રા ચેક કરી લેવા કે તે બફાઈ ગયા છે કે નહીં. મોટે ભાગે આટલા સમયમાં બફાઈ જવા જોઈ પણ તેમ છતાં ન બફાયા હોય તો બીજી 3-4 મિનિટ બફાવા દેવા.

હવે પાત્રા બફાઈ ગયા બાદ તેના પર થોડું તેલ લગાવી લેવું જેથી કરીને તે સુકાઈ ન જાય.

હવે બધા જ પાત્રાને એક ડીશમાં લઈ લેવા. અને તેને થોડીવાર માટે ઠંડા થવા મુકી દેવા જેથી કરીને તેને કાપવા સરળ રહે.

પાત્રા ઠંડા થયા બાદ તેના મિડિયમ ટુકડા કરી લેવા. બહુ મોટા નહીં અને બહુ નાના નહીં.

હવે પાત્રા વઘારવા માટે એક પેન લેવું તેમાં 2 ટેબલસ્પૂન તેલ લેવું ત્યાર બાદ તેમા રાઈ, 8-10 મીઠા લીંમડાના પાન, થોડી હીંગ અને એક મોટી ચમચી તલ ઉમેરી દેવા.

હવે વઘાર બરાબર તતડી જાય એટલે તેમાં કાપીને તૈયાર રાખેલા પાત્રા ઉમેરી દેવા. હવે દરેક પાત્રા સુધી વઘાર પહોંચે તે રીતે તેને મિક્સ કરી લેવા.

તો તૈયાર છે પાલકના આયર્ન તેમજ પોષણથી ભરપૂર એવા પાત્રા. બાળકો તેમજ સ્ત્રીઓમાં આયર્નની કમી રહેતી હોય છે જે આ પાલકમાંથી પૂરી થઈ શકે છે માટે આ પાત્રા તમે અવારનવાર તમારા ટેસ્ટ બડ્સને સંતોષ આપવા તેમજ તમારા શરીરને પોષણ પુરુ પાડવા માટે બનાવી શકો છો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

પાલક પાત્રા બનાવવા માટે વિગતવાર વિડિયો.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *