આમળાની ચટપટ્ટી ચટણી – કુદરતના અમૃત એવા આમળાની ચટણી સરળ અને ટેસ્ટી રીતે…

મિત્રો, આજે હું આમળાની એક સરસ મજાની રેસિપી શેર કરું છું તે પહેલા આપણે કુદરતના અમૃત એવા આમળા વિશે થોડું જાણી લઈએ. આમળાં એક નાનાં કદનું તથા લીલા રંગ ધરાવતું ફળ છે. આ ફળનો સ્વાદ ખાટો અને તૂરો હોય છે. આયુર્વેદમાં આમળાને અત્યંત સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવેલું છે. આમળાં વિટામિન ‘સી’ મેળવવા માટેનો સર્વોત્તમ અને પ્રાકૃતિક સ્રોત છે.

આમળા ભારે, રુક્ષ, શીતળ, અમ્લ રસ પ્રધાન, લવણ રસ સિવાયના શેષ પાંચેય રસ ધરાવતું, વિપાક માટે મધુર, રક્તપિત્ત અને પ્રમેહના રોગને હરનારું, અત્યંત ધાતુવર્દ્ધક છે. આ ફળ ‘વિટામિન સી’નો સર્વોત્તમ ભંડાર ગણાય છે. આમળાં દાહ, પાંડુરોગ, રક્તપિત્ત, અરુચિ, ત્રિદોષ, દમ, ખાંસી, શ્વાસ રોગ, કબજિયાત, ક્ષય, છાતીના રોગ, હૃદય રોગ, મૂત્ર વિકાર આદિ અનેક રોગોને નષ્ટ કરવાની શક્તિ ધરાવે છે. વીર્યને પુષ્ટ કરીને પૌરુષત્વમાં વધારો કરે છે, તથા શરીરની ચરબી ઘટાડીને મોટાપો દૂર કરે છે. માથા પર આવેલા વાળને કાળા, લાંબા અને જાડા રાખે છે. વિટામિન સી એવું નાજુક તત્વ હોય છે જે ગરમીના પ્રભાવને કારણે નષ્ટ થઇ જાય છે, પરંતુ આમળાંમાં રહેલું વિટામિન ‘સી’ નષ્ટ થતું નથી.

આમળાનો સ્વાદ તૂરાશ પડતો હોવાથી ઘણા લોકોને પસંદ નથી હોતા પરંતુ તેની અલગ અલગ વાનગી બનાવીને સર્વ કરવામાં આવે તો આમળા ન ખાતા લોકો પણ હોંશે હોંશે ખાઈ લે તો આજે હું આમળાની ચટપટ્ટી ચટણી બનાવવાની રેસિપી બતાવીશ જે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બધા આંગળા ચાટી ચાટીને ખાશે તેની 100% ગેરેન્ટી. તો જોઈ લઈએ ચટણી બનાવવાની રીત

સામગ્રી :

  • Ø 250 ગ્રામ આમળા
  • Ø 1 જૂડી તાજા કોથમીર
  • Ø 1&1/2 ઇંચ જેટલો આદુ નો ટુકડો
  • Ø 3 – 4 લીલા મરચાં
  • Ø 4 – 5 લીલું લસણ
  • Ø ચપટી આખું જીરું
  • Ø 1/2 ટેબલ સ્પૂન આખા ધાણા
  • Ø 8 – 10 મરી દાણા
  • Ø 1/4 ટેબલ સ્પૂન સંચળ
  • Ø 1/2 ટેબલ સ્પૂન મીઠું

રીત :

1) સૌપ્રથમ આમળાને સાફ પાણીથી ધોઈને કોરા કરી લો. આમળા થોડા મોટા અને પાકેલા લેવા. મોટા અને પાકેલા આમળામાં તૂરાશ થોડી ઓછી હોય. ત્યારબાદ તેને ચીરીઓમાં કે પછી નાના ટુકડામાં કાપી લો.

2) આમળાને કટ કરી લીધા બાદ આખું જીરું, આખા ધાણા તેમજ મરી દાણાને ધીમા તાપે હળવા શેકી લેવાના જેથી તેમાં રહેલી ભીનાશ દૂર થઈ જાય અને આ રીતે શેકીને યુઝ કરવાથી ટેસ્ટ પણ સરસ આવે છે. ફક્ત હળવા એવા જ શેકવાના છે દાઝી કે બળી ન જાય તેનું ધ્યાન રાખવું. શેકાય ગયા બાદ પ્લેટમાં કાઢી ઠંડા પડવા દો.

3) હવે આમળાને શેલો ફ્રાય કરવાના છે, તો પેનમાં અડધી ટેબલ સ્પૂન તેલ લઈ આમળાને શેલો ફ્રાય કરી લો. આમળાને આ રીતે તેલમાં શેલો ફ્રાય કરવાથી તેની તૂરાશ ઓલમોસ્ટ દૂર થઈ જાય છે. સ્ટવની આંચ સાવ સ્લો રાખવાની જેથી આમળા અંદરથી કાચા ન રહે અને ઉપરથી દાઝે પણ નહિ. આમળાનો કલર સહેજ ડાર્ક થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવા, લગભગ પાંચેક મિનિટ જેવો ટાઈમ લાગશે.

4) હળવા ડાર્ક થતા જ સ્ટવની આંચ ઑફ કરી દો અને આમળાને ઠંડા પડવા દો.

5) આમળા ઠંડા પડી ગયા બાદ તેમાં બધી જ સામગ્રી(લીલા મરચા, લીલું લસણ, શેકેલા ધાણા જીરું તેમજ મરી, સંચળ, મીઠું) એડ કરી દેવું.

6) સાથે તાજા કોથમીર તેમજ આદુને ખમણીને એડ કરવું. લીલા કોથમીર આપણે વધારે એડ કરીએ છીએ જેથી ટેસ્ટ તો સરસ આવે સાથે ચટણીનો કલર પણ એકદમ ગ્રીન આવે. મીક્ષરમાં થોડું થોડું લઇ ફાઈન પેસ્ટ બનાવી લો. સ્મૂથ ફાઈન પીસવા થોડું પાણી એડ કરવું.

7) તો મિત્રો તૈયાર છે આ ચટપટ્ટી અને ટેસ્ટી આમળાની ચટણી.

આ ચટણીને રેફ્રિજરેટરમાં સ્ટોર કરી એકાદ અઠવાડિયા માટે ખાઈ શકાય. મિત્રો મેં બનાવેલી આ ચટણી બધાને ખુબ જ પસંદ પડી તો તમે પણ બનાવજો અને સારી લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો અને બનાવતા પહેલા રેસિપીનો વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી તમારી ચટણી પણ મારી જેમ પરફેક્ટ બને.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *