બહાર જેવા જ છોલે ભટૂરે ઘરે જ બનાવી રેસ્ટોરન્ટ જેવી મજા ઘરે જ કરો…

ઘણા લોકો બહાર સ્પેશિયલી ભટુરે માટે જ છોલે ખાવા જતાં હોય છે. પણ ક્રીતીકાબેનની આ રેસીપીથી તમે ઘરે જ ખુબ જ સરળ રીતે છોલે ભટુરે તે પણ ખુબ જ ઓછા સમયમાં બનાવી શકશો. તો નોંધી લો છોલે ભટૂરેની રેસીપી.

છોલે ભટૂરે બનાવવા માટેની સામગ્રી

1 કપ કાબુલી ચણા (ગરમ પાણીમાં છ કલાક પલાળ્યા બાદ તેમાં મીઠુ ઉમેરીને બાફી લેવા.)

3 નંગ મોટી ડુંગળીની પ્યુરી.

2 નંગ મોટા ટામેલાની પ્યુરી

2 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ

તજ પત્તુ

તજનો ટુકડો

3 નંગ લવિંગ

એક ચમચી કસુરી મેથી

1 ચમચી લાલ મરચુ પાઉડર

1 ચમચી ગરમ મસાલો

1 ચમચી છોલે મસાલો

1 ચમચી ધાણાજીરુ પાઉડર

½ ચમચી હળદર

ભટુરા બનાવવા માટેની સામગ્રી

500 ગ્રામ મેંદો

¼ કપ દહીં

મીઠુ સ્વાદ પ્રમાણે

2 મોટી ચમચી તેલ

ખાવાનો સોડા.

રેસ્ટોરન્ટ જેવા છોલે ભટુરે બનાવવા માટેની રીત

સૌ પ્રથમ ભટુરા માટેનો લોટ બાંધવા માટે એક મોટા તાંસમાં મેંદાનો લોટ ઉમેરવો. તેમાંથી અરધો કપ મેંદો ભટુરે વણવા માટે અટામણ માટે અલગ કાઢી લેવો.

હવે તેમાં વચ્ચે ખાડો કરી લેવો તેમાં પા કપ દહીં ઉમેરી દેવું. તેમાં જ ખાવાનો સોડા ઉમેરવો અને સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠુ પણ ઉમેરી દેવું. તેમાં એક ચમચી જેટલી દળેલી ખાંડને પણ ઉમેરી દેવી. હવે તેના પર જ બે ચમચી જેટલું તેલ ઉમેરી દેવું.

આ બધી જ વસ્તુઓને લોટ માં પાડેલા તે જ ખાડામાં ચમચી વડે મીક્સ કરી દેવું.

હવે હાથેથી આ બધી જ સામગ્રીને લોટમાં મિક્સ કરી લેવી.

હવે લોટ બાંધવા માટે નવશેકુ પાણી લેવું. તેને લોટમાં થોડું થોડું ઉમેરીને લોટ બાંધી લેવો. લોટ સોફ્ટ અને ઢીલો બાંધવાનો હોવાથી તે પ્રમાણે પાણી ઉમેરવું.

લોટ બંધાઈ જાય એટલે તેના પર થોડું તેલ છાંટીને તેને તેલમાં લપેટી લેવો. આ લોટને કપડાથી ઢાંકી દેવો અને તેના પર એક બીજું ઢાકણું પણ ઢાંકી દેવું. અને તેને બે કલાક માટે બાજુ પર મુકી દેવો.

માટે જ્યારે તમારે જમવું હોય તેના પહેલાં કમસે કમ અઢી કલાક પહેલાં તમારે ભટુરેનો લોટ બાંધી લેવો જોઈએ. જેથી કીરને તે બરાબર ફર્મેન્ટ થઈ જાય.

બે કલાક બાદ તમે જોશો તો લોટની સાઇઝ બમણી થઈ ગઈ હશે.

હવે છોલે બનાવવા માટે એક કડાઈને ગેસ પર ગરમ થવા મુકી દેવી તેમાં બે ચમચી તેલ ઉમેરવું.

તેલ ગરમ થઈ ગયા બાદ ગેસ ધીમો કરી દેવો. હવે તેમાં તજ પત્તા, તજ અને લવિંગ ઉમેરી દેવા.

ત્યાર બાદ તેમાં ક્રશ કરેલી ડુંગળી ઉમેરી તેને બરાબર હલાવી લેવું.

ડુંગળીને થોડી વાર માટે સંતળાવા દેવી.

હવે આદુ-મરચા લસણની જે પેસ્ટ તૈયાર કરવામાં આવી છે તેને તેમાં ઉમેરી દેવી. અને તેને બરાબર ડુંગળીમાં મિક્સ કરીને સાંતળી લેવી.

લસણ મરચા સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી દેવી અને તેને બરાબર મીક્સ કરી દેવી.

હવે તેમાં લાલ મરચુ પાઉડર, હળદર, છોલે મસાલો, ધાણાજીરુ પાઉડર અને કસુરી મેથી ઉમેરી દેવા.

હવે આ બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી. અને મસાલાને થોડા પકવી લેવા. હવે તેમાં થોડું પાણી ઉમેરવું અને સાથે સાથે તમારા ટેસ્ટ મુજબ તેમાં મીઠું પણ ઉમેરી લેવું. હવે તેને બરાબર હલાવી લેવું. અને તેને સંતળાવા દેવું.

થોડીવાર બાદ તમે જોશો કે તેલ છુટ્ટુ પડી ગયું હશે અને મસાલા સંતળાઈ ગયા છે.

હવે બાફેલા કાબુલી ચણા ઉમેરવા. તેની સાથે જ અરધો ગ્લાસ પાણી ઉમેરી દેવું. અને તેને બરાબર મીક્સ કરી લેવું. અને તેને થોડું ચડવા દેવું.

ફરી તેમાં બીજો અરધો ગ્લાસ પાણી ઉમેરવું અને તેને ઉકળવા દેવું. આ સ્ટેજ પર તમારે મીઠું ટેસ્ટ કરી લેવું. હવે તેને બે-ત્રણ મીનીટ માટે ચડવા દેવું.

ત્યાર બાદ ગેસ બંધ કરી દેવો. અને તેમાં તાજી જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી અને તેને બરાબર હલાવી લેવું.

હવે ભટુરે બનાવવા માટે હાથમાં થોડું તેલ ચોપડી લેવું. હવે તમારે જે સાઇઝના ભટુરા બનાવવા હોય તેટલો લૂઓ લેવો. અને લુઆને હાથ પર ગોળ ગોળ ફેરવીને બરાબર ગોળ કરી લેવો.

ભટુરા વણવાનું શરૂ કરો તે પહેલાં કડાઈમાં તેલ ગરમ કરવા મુકી દેવું.

હવે તેલ ગરમ થાય તે દરમિયાન ભટુરે વણી લેવા. તમે તેને લંબગોળ અથવા તો ગોળ આકારમાં વણી શકો છો. અટામણ લઈને તમારે ભટુરાને વણી લેવા તેની જાડાઈ પુરી જેટલી રાખવી અથવા તેનાથી થોડી વધારે જાડાઈ રાખવી.

હવે વણેલા ભટુરાને તેલમાં સાવચેતીથી નાખવો જેથી કરીને તે વળી ન જાય.

ઉપરથી ભટુરાને જારાથી દબાવીને તળી લેવો જેથી કરીને તે ફુલીને મોટા દડા જેવો થઈ જાય.

હવે બીજી બાજુ પલટીને તે બાજુ પણ બરાબર તળી લેવો.

ભટુરા તળાઈ ગયા છે. ભટુરા ગરમાગરમ જ ભાવે છે માટે જેમ જેમ જરૂર પડે તેમ તેમ જમતી વખતે જ તેને તળવા અને પીરસતા જવા.

તો તૈયાર છે સ્વાદિષ્ટ છોલે ભટુરે. હવે તમારે બહાર જઈને સ્પેશિયલ ભટુરે માટે છોલે ખાવા જવાની કોઈ જરૂર નથી ખુબ જ સરળ રીતે તમે ભટુરે બનાવી શકો છો. તેને તમે તળેલા મરચા અને ડુંગળી સાથે સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

છોલે ભટૂરે બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *