બહાર જેવા જ સ્વાદિષ્ટ દમઆલુ બનાવવાની સરળ રીત..

બટાટા એક એવું શાક છે જેની અગણિત વાનગિઓ સમગ્ર દુનિયામાં બનાવવામાં આવે છે ક્યારેક તમે આલુ પરોઠા બનાવો તો ક્યારેક તમે બટાટાનું રસાવાળુ શાક બનાવો તો વળી ક્યારેક તમે પોટેટો ચીપ્સ બનાવીને છોકરાઓને મજા કરાવો છો. તેવી જ રીતે પંજાબમાં દમઆલુની સમબ્જી બનાવવામાં આવે છે જે પંજાબ ઉપરાંત સમગ્ર ભારતમાં પણ પ્રિય છે અને આ શાક આપણા માટે કંઈ નવું પણ નથી. પણ આ શાક બનાવવા માટેની તદ્દન સરળરીત આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

દમ આલુ બનાવવા માટેની સામગ્રી

10-12 જીણી બટાટીઓ (કુકરમાં બે સીટી વગાડી બાફી લેવી)

4 મીડિયમ સાઇઝની ડુંગળી

6-7 નંગ કાજુ

1 ઇંચ આદુનો ટુકડો

6-7 કળી લસણ

3 મિડિયમ ટામેટા (લાલ ટામેટા લેવા)

6-7 ટેબલ સ્પુન તેલ

1 ચમચી જીરુ

1 તમાલ પત્ર,

5-6 મરી

3 લવિંગ

2 ચમચી લાલ મરચુ પાઉડર

1 ચમચી ધાણા જીરુ પાઉડર

1 ચમચી ગરમ મસાલો

1 મોટી ચમચી કોથમીર

થોડી કસુરી મેથી

સ્વાદ પ્રમાણે મીઠુ

½ ચમચી હળદર

દમઆલુ બનાવવાની રીત

દમઆલુ બનાવવાનું શરૂ કરો તે પહેલાં ડુંગળી-કાજુ-આદુ-લસણને મિક્સરમાં ક્રશ કરીને તેને ફાઈન ગ્રેવી બનાવી લેવી. તેવી જ રીતે ટામેટાને પણ મિક્સરમાં વાટીને પ્યુરી બનાવી લેવી.

સૌ પ્રથમ એક પેન લેવું તેમાં 4 ટેબલ સ્પુન તેલ લેવું. તેને બરાબર ગરમ થવા દેવું.

હવે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરુ એડ કરવું, ત્યાર બાદ એક તમાલપત્ર, 5-6 મરી, 3 લવિંગ ઉમેરી દેવા.

હવે તેમાં ડુંગળી-કાજુ-આદુ-લસણની જે વ્હાઇટ ગ્રેવી બનાવી હતી તે ઉમેરી દેવી.

હવે તેને 2-3 મીનીટ ચડવા દેવું. ફ્લેમ મિડિયમ રાખવી.

હવે તેમાં ટામેટાની પ્યુરી એડ કરી દેવી અને બધું બરાબર મિક્સ કરી દેવું. હવે ફ્લેમને સાવ જ સ્લો કરી દેવી.

અને તેવી જ રીતે તેને 5-7 મિનિટ ચડવા દેવું. ટામેટા જરા પણ કાચા ન રહેવા જોઈએ તેનાથી શાકનો સ્વાદ બગડી શકે છે.

હવે એક બીજુ પેન લેવુ તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. તેમાં ડોઢ ટેબલ સ્પૂન તેલ ઉમેરી દેવું અને તેલને ગરમ થવા દેવું.

તે દરમિયાન બાફેલી નાની નાની બટેટીઓની છાલ ઉતારીને તેમાં કાંટા ચમચી વડે કાણા પાડી દેવા. જેથી કરીને મસાલો છેક બટાટાની અંદર પહોંચી જાય અને જમતી વખતે બટાટા બેસ્વાદ ન લાગે. અહીં 10-12 નાની બટાટીને 2 સીટી વગાડીને બાફી લેવામાં આવી છે. બહુ ફુલ બાફવા નહીં અધકચરા જ બાફવા.

હવે ગરમ થયેલા તેલમાં આ કાણાપાડેલી અધકચરી બાફેલી બટાટીઓ એડ કરી દેવી. હવે તેમાં અરધી ચમચી ધાણા જીરુ પાઉડર અને, અરધી ચમચી લાલ મરચુ પાઉડર ઉમેરી દેવા અને તેને હલાવી દેવું.

અહીં ગેસની ફ્લેમ તમારે ધીમી કરતાં થોડી વધારે રાખવી. તેને સતત હલાવતા રહેવું જેથી કરીને બળી ન જાય. પણ મસાલો છેક અંદર સુધી પહોંચશે.

અહીં તમે બાફેલા બટાટા સીધા પણ યુઝ કરી શકો છો પણ આ પ્રોસેસ કરવાથી શાકનો સ્વાદ વધી જાય છે.

હવે બીજા ગેસ પર જે ગ્રેવી થાય છે તેના પર પણ નજર મારી લેવી. તેને ફરી હલાવી લેવી.

ટામેટા ડુંગળી બરાબર ચડી જાય એટલે તેમાં ડોઢ મોટી ચમચી કાશ્મીરી લાલ મરચુ, અરધી ચમચી હળદહર, અરધી ચમચી ધાણાજીરુ, થોડું સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરીને બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી. હવે તેને 3-4 મીનીટ ચડવા દેવી.

3-4 મીનીટ બાદ તમે જોશો તો તેલ છુટ્ટુ પડવા લાગ્યું હશે.

હવે બધું બરાબર ચડી જાય એટલે તેમાં એક ગ્લાસ જેટલુ પાણી ઉમેરવું. તમારે શાકનો રસો જેટલો ઘટ જોઈતો હોય તે પ્રમાણે પાણી ઉમેરવું.

હવે તેમાં ફ્રાય કરેલા બેબી પોટેટો ઉમેરી દેવા. અને બટાટાને ગ્રેવીમાં બરાબર મીક્સ કરી દેવું. હવે લો ટુ મીડીયમ ફ્લેમ પર ગેસ રાખવો અને પેનને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દેવું.

5 મીનીટ બાદ તમે જોશો તો તેલ છુટ્ટુ પડી ગયું હશે. હવે તેમાં ગરમ મસાલો એડ કરી લેવો અને સાથે સાથે કસુરી મેથીને હાથમાં મસળીને ઉમેરી દેવી. અને તેના પર લીલી જીણી સમારેલી કોથમીર ઉમેરીને શાક હલાવી લેવું.

તૈયાર છે સ્વાદિષ્ટ હોટેલ જેવા જ દમઆલુ તે પણ ખુબ જ સરળ રીતથી. દમ આલુ તમને નાન તેમજ પરાઠા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગશે. સાથે સાથે છાશ અને સલાડ હોય તો તો પુછવું જ શું.

રસેઈની રાણીઃ સીમાબેન

દમઆલુ બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *