બહુ ખાધી ઘઉંના લોટની સુખડી આજે બનાવો બાજરીના લોટની સુખડી..

સામાન્ય રીતે આપણે જ્યારે પણ સુખડી બનાવતા હોઈએ છીએ ત્યારે ઘઉંના લોટની જ બનાવતા હોઈએ છીએ. સુખડીની બનાવવાની રીત પ્રાંતે પ્રાંતે બદલાતી રહે છે. સુખડી આમ તો ગરમા ગરમ વધારે ભાવે છે પણ જો તે સોફ્ટ બિસ્કિટ જેવી બની હોય તો ઠંડી થયા પછી પણ ભાવતી હોય છે. તો આજે નીધીબેન તમારા માટે લાવ્યા છે બાજરીના લોટની સોફ્ટ બિસ્કિટ જેવી સુખડી.

બાજરીના લોટની સુખડી બનાવવા માટેની સામગ્રી

બે વાટકી બાજરીનો લોટ

બે વાટકી દેશી ગોળ (જો તમે સફેદ ગોળ વાપરતા હોવ તો બે-ત્રણ ચમચી વધારે ગોળ લેવો)

બે વાટકી ઘી (જો ગરમ કરેલું હોય તો બે વાટકી અને ઠંડુ હોય તો ડોઢ વાટકી)

બાજરીના લોટની સુખડી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ પેન કે કડાઈ લઈને તેને ગેસ પર ધીમા તાપે ગરમ થવા મુકી દેવી. હવે તેમાં બે વાટકી ઘી ઉમેરી દેવું.

હવે ઘી પીગળે એટલે તેમાં બે વાટકી જીણો સમારેલો ગોળ ઉમેરી દેવો. ગોળ બને તેટલો જીણો રાખવો જેથી કરીને તે જલદી પીઘળી જાય. અને ઘીને માત્ર પીઘળવા જ દેવું તેને ગરમ ન થવા દેવું.

ગોળને વધારે પડતો ગરમ ન થવા દેવો. અહીં ગોળનો પાયો નથી થવા દેવાનો ગોળને માત્ર પીઘળવા જ દેવાનો છે. તેને થોડી થોડી વારે હલાવતા રહેવું.

હવે માત્ર એક ડોઢ મિનિટમાં જ ગોળ પીઘળી જાય એટલે તેને એકાદ મિનિટ સુધી હલાવી લેવો. આ દરમિયાન ગેસ ધીમો જ રાખવો. કારણ કે ગોળ વધારે ગરમ થશે તો તેનો પાયો બની જશે અને પાયો બની જશે તો સુખડી લાકડા જેવી કડક બનશે.

હવે ગોળ પીઘળી જાય એટલે તેમાં બે વાટકી બાજરીનો લોટ ઉમેરી દેવો. અને તેને હલાવતા રહેવું. ગેસ ધીમો જ રાખવો. લોટને ગોળ સાથે બરાબર મિક્સ કરી લેવો.

માત્ર બે જ મિનિટમાં બાજરીનો લોટ એકબીમાં મિક્સ થઈ જશે અને ગરમ ઘી તેમજ ગરમ ગોળ સાથે બાજરીનો લોટ શેકાઈ પણ જશે. આ સુખડીમાં તમે સૂંઠ પણ ઉમેરી શકો છો. અને ચોમાસાની સિઝનમાં શરદી ઉધરસમાં પણ આ સુખડી સારી રહે છે.

હવે ગેસ બંધ કરી દેવો અને સુખડીને થાળીમાં કાઢવા માટે પહેલા થાળીમાં ઘી ચોપડી દેવું ત્યાર બાદ તેમાં સુખડી કાઢી લેવી.હવે વાટકી કે પછી સ્મુધ તળિયાવાળી સ્ટીલની વાટકી કે લોટી વિગેરેથી સુખડીને સ્પ્રેડ કરી શકો છો તેનાથી સુખડી સરસ રીતે ફેલાશે.

તો આ રીતે સુખડીને આખી થાળીમાં સમતલ રીતે ફેલાવી લેવી અને તેના તમને જોઈએ તે માપના ચોસલા પાડી દેવા.

તો તૈયાર છે બાજરીના લોટની સુખડી. ઘઉં કરતા બાજરીના લોટની સુખડી તમારા સ્વાસ્થ્ય માટે વધારે ઉત્તમ છે. તેના ગરમ સ્વભાવના કારણે તેને તમે ઠંડા વાતાવરણમાં ખાઈ શકો છો અને શરીરને ગરમી પણ પહોંચાડી શકો છો. આ સુખડીને તમે ઘઉંન લોટની સુખડીની જેમ જ અઠવાડિયા સુધી સાંચવી રાખી શકો છો માટે તમે તેને પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

બાજરીના લોટની સુખડી બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *