બાળકો માટે બનાવો અનોખી પણ સ્વાદિષ્ટ એવી ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ

બાળકોને સામાન્ય રીતે સેન્ડવીચ ખુબ ભાવતી હોય છે. પણ આ સેન્ડવીચ છે વેજીસ તેમજ ચીઝથી ભરપુર માટે જો સામાન્ય રીતે બાળકો એક સેન્ડવીચ ખાતા હશે તો આ સ્વાદિષ્ટ સેન્ડવીચ તો તેઓ બે-બે ખાઈ જશે. આ સેન્ડવીચ ખાવાથી બાળકોનું પેટ પણ ભરાઈ જશે અને તેઓ ખાતી વખતે મોઢું પણ નહીં બગાડે. તો ચાલો નોંધીલો ચીઝ-કોર્ન-કેપ્સિકમ સેન્ડવીચ બનાવવાની રેસીપી.

ચીઝ-કોર્ન-કેપ્સિકમ સેન્ડવીચ બનાવવા માટેની સામગ્રી

2 મકાઈના ડોડા

1 જીણું સમારેલું કેપ્સીકમ

5-6 ફણસીની સીંગ જીણી સમારેલી

1-2 લીલા મરચા જીણા સમારેલા

4-5 મીઠા લીંમડાના ફ્રેશ પાંદડા

1 નાની વાટકી રોટલીનો લોટ

9 નાની વાટકી દૂધ

2 ચમચી જીણી સમારેલી કોથમીર

3 ટેબલ સ્પૂન માખણ (વઘાર તેમજ બ્રેડ પર ચોપડવા માટે)

1 નાની ચમચી મરી પાઉડર, સ્વાદ પ્રમાણે મીઠુ, બે ચપટી ઓરેગાનો, 1 ચપટી ચીલી ફ્લેક્સ

5 ક્યૂબ ચીઝ

સેન્ડવીચ બ્રેડનું એક પેકેટ

ચીઝ-કોર્ન-કેપ્સિકમ સેન્ડવીચ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ તો બધું જ શાક જીણું સમારી લેવું. એટલે કે કેપ્સીકમ, ફણસી, કોથમીર, મીઠો લીંમડો આ બધી જ વસ્તુઓ જીણી સમારી લેવી. તેવી જ રીતે મકાઈના દાણા પણ ધારવાળી છરીથી કાઢી લેવા.

હવે છુટ્ટા કરેલા મકાઈના દાણાને મિક્સરના નાના જારમા અધકચરા વાટી લેવા. તેની સાવ જ પેસ્ટ ન કરવી. પણ મિક્સરના બટનને ઉલ્ટુ ક્ષણવાર માટે ઘુમાવીને બંધ કરી દેવું. તેમ વારંવાર કરીને મકાઈ અધકચરી વાટી લેવી.

આ રીતે મકાઈ વાટ્યા પછી અહીં દર્શાવવામાં આવી છે તે પ્રકારની કન્સીસ્ટન્સી તમને જોવા મળશે.

હવે એક પેન લેવું અને તેને ગેસ પર ગરમ થવા મુકી દેવું. તેમાં એક ટેબલ સ્પૂન માખણ ઉમેરી દેવું. માખણની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો.

હવે માખણ થોડું ગરમ થાય એટલે તેમાં 1 નાની વાટકી રોટલીનો જીણો લોટ ઉમેરી દેવો. અહીં તમે મેંદો પણ વાપરી શકો છો પણ ઘઉંનો લોટ વાપરવો સારો.

હવે લોટને બે મિનિટ શેકી લીધા બાદ તેમાં ધીમે ધીમે ત્રણ ભાગમાં પાણી ઉમેરવું અને ગરમ કરતાં જવું અ સાથે સાથે હલાવતા જવું. ચમચા કે તાવેથાથી લંગ્સ તોડતા જવા.

એક વાર દૂધ લોટમાં બરાબર મિક્સ થઈ જાય અને બધા લંગ્સ ટૂટી જાય એટલે તેમાં ફરી દૂધ ઉમેરી દેવું. આવી રીતે ધીમે ધીમે બધું જ દૂધ ઉમેરી દેવું. અહીં તમે પહેલાં જ દૂધમાં લોટ ભેળવીને પછી તેને વઘાર માખણમાં કરી શકો છો પણ તેમાં લોટ કાચો રહેવાની ચિંતા રહે છે.

10-12 મીનીટ બાદ તમે જોશો કે દૂધ એકદમ ઘાટુ થઈ ગયું હશે. એક સ્લરી ટાઈપની કન્સીસ્ટન્સી આવી ગઈ હશે. આ સ્લરી તૈયાર થાય તે દરમિયાન તમારે શાકભાજી જીણા સમારી લેવા. જો સ્લરી વધારે પડતી લીક્વીડ હોય તો તેમાં તમારે ઉપરથી 1-2 ચમચી મેંદાનો કે પછી ઘઉંનો જીણો લોટ ઉમેરી શકો છો.

હવે સ્લરીની કન્સીસ્ટન્સી બરાબર જાડી થઈ ગયા બાદ તેમાં અધકચરી વાટેલી મકાઈ ઉમેરી દેવી. તેને સ્લરીમાં બરાબર હલાવીને મિક્સ કરી લેવી.

હવે તેમાં જીણા સમારેલા કેપ્સીકમ, જીણી સમારેલી ફણસી, જીણી સમારેલી કોથમીર અને જીણા સમારેલા લીલા તીખા મરચા ઉમેરી દેવા. હવે આ બધી જ સામગ્રીને બરાબર હલાવી લેવી.

હવે વેજીટેબલ ઉમેરીને મિક્સ કર્યા બાદ તેમાં જીણી સમારેલી કોથમીર, તેમજ બાકીનો મસાલો પણ ઉમેરી દેવો. મસાલામાં એક ચમચી મીઠુ, અરધી નાની ચમચી મરી પાઉડર, બે ચપટી ઓરેગાનો પાઉડર, 1 ચપટી ચીલી ફ્લેક્સ ઉમેરી દેવા અને બધી જ સામગ્રી બરાબર મિક્સ કરી લેવી.

થોડીવાર બાદ તમે જોશો કે ગ્રેવી સરસ થીક બની ગઈ છે. હવે ગેસ બંધ કરી દેવો અને તેને થોડીવાર માટે ઠંડુ થવા દેવું. બહુ ઠંડુ ન કરવું પણ થોડુંક જ ઠંડુ થવા દેવું.

હવે તેમાં પાંચ ચીઝ ક્યુબ એટલે કે જે નાના-નાના અમૂલના ચીઝ ક્યૂબ આવે છે તે છીણીને ઉમેરી દેવા. અને ચીઝને ગ્રેવીમાં બરાબર મિક્સ કરી લેવું.
સેન્ડવીચ માટેનું સ્ટફીંગ તૈયાર છે. હવે કીનારી કાઢેલી તૈયાર સેન્ડવીચ બ્રેડ લેવી અને તેના પર બટર લગાવી લેવું.

હવે આ બટર લગાવેલી બ્રેડ પર અહીં બતાવવામાં આવ્યું છે તે પ્રમાણે તૈયાર કરેલી કોર્ન-વેજ ગ્રેવી ચોપડી દેવી. મિડિયમ પ્રમણમાં ગ્રેવી લેવી. નહીં વધારે નહીં ઓછી.

હવે બીજી બ્રેડ લેવી તેના પર પણ બટર સ્પ્રેડ કરી દેવી અને તે બ્રેડથી આ ગ્રેવી ચોપડેલી બ્રેડને કવર કરી લેવી.

હવે જો તમે સેન્ડવીચ મેકરમાં સેન્ડવીચ ટોસ્ટ કરવા માગતા હોવ તો સેન્ડવીચની બહારની બાજુ પણ થોડું થોડું બટર ચોપડી લેવું અને તેને સેન્ડવીચ મેકરમાં મુકી દેવી.

હવે સેન્ડવીચ મેકરને બંધ કરી દેવું અને એક ડોઢ મીનીટ માટે સેન્ડવીચને ગ્રીલ થવા દેવી.

આ સીવાય તમે તવા પર પણ સેન્ડવીચ ગ્રીલ કરી શકો છો તેના પર પણ સેન્ડવીચ સરસ રીતે ગ્રીલ થાય છે. તેના માટે તમારે તવાને ગેસ પર ગરમ થવા મુકવો અને તવા પર થોડું બટર સ્પ્રેડ કરી લેવું અને તેના પર સ્ટફ્ કરેલી સેન્ડવીચ શેકાવા માટે મુકી દેવી.

હવે એક બાજુ સેન્ડવીચ બરાબર શેકાઈ જાય એટલે તેને પલટી લેવી અને બીજી બાજુ શેકાવા દેવી. આ વખતે ગેસ ધીમો રાખવો. તેમ કરવાથી સેન્ડવીચ વધારે ક્રિસ્પી બનશે.

તો તૈયાર છે ચીઝ-કોર્ન-કેપ્સિકમ ગ્રીલ્ડ સેન્ડવીચ. બાળકોને તો આ ચોક્કસ ભાવશે જ પણ મોટાઓને પણ આ ખુબ જ ભાવશે. અહીં તમને જો મેંદો ન ખાવો હોય તો તમે ઘઉંના લોડની બ્રાઉન બ્રેડ આવે છે તેનો પણ ઉપોયગ કરી શકો છો. બાળકોને આ સેન્ડવીચ ટોમેટો કેચપ સાથે ખુબ જ ભાવશે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

ચીઝ-કોર્ન-કેપ્સિકમ સેન્ડવીચ બનાવવા માટેનો વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *