બાળકોને ભાવતા પીઝાની એક દેશી-હેલ્ધી ટ્વિસ્ટેડ રેસિપી- પીઝા પરાઠા

બાળકોને પિઝા ખુબ ભાવતા હોય છે પણ પિઝાની મોટી સમસ્યા એ હોય છે કે તેના જે તૈયાર બન આવે છે તે મેંદાના હોય છે અને તે હોજરી માટે પચાવવો અઘરો પડે છે. જો કે ઘરે પણ પીઝાનો રોટલો બનાવવામાં આવે તો તે પણ મોટા ભાગે મેંદાનો જ બનાવવામાં આવે છે અને તેની પ્રોસેસ પણ લાંબી થઈ જાય છે. પણ આજની ક્રીતીકા બેનની પિઝા પરાઠાની રેસીપી તમારી બન્ને સમસ્યા દૂર કરી દેશે. કારણ કે અહીં રેગ્યુલર ઘઉં લોટમાંથી જ પિઝા પરાઠા બનાવવામાં આવી રહ્યા છે. તો પીઝા પરાઠા બનાવવા માટેની રેસીપી નોંધી લો.

પીઝા પરાઠા બનાવવા માટેની સામગ્રી

1 નંગ નાની ડુંગળી જીણી સમારેલી

½ લીલુ કેપ્સીકમ જીણું સમારેલુ

½ લાલ કેપ્સીકમ જીણું સમારેલુ

½ પીળુ કેપ્સીકમ જીણુ સમારેલું

1 નાની ચમચી ચીલી ફ્લેક્સ

1 નાની ચમચી મિક્સ પિઝા હર્બ્સ

1 વાટકી છીણેલું મોઝરેલા ચીઝ

1 વાટકી છીણેલુ પનીર

તેલ પરોઠા શેકવા માટે

પિઝા સોસ, પરોઠામાં સ્પ્રેડ કરવા માટે જરૂરિયાત પ્રમાણે

4-5 સ્ટફ્ડ પરાઠા થાય તેટલો બાંધેલો લોટ એટલે કે ઘઉંની કણક

પિઝા પરાઠા બનાવવા માટેની રીત

સૌપ્રથમ એક મોટો બોલ લેવો તેમાં જીણી સમારેલી ડુંગળી, લીલું જીણું સમારેલુ કેપ્સીકમ, લાલ જીણું સમારેલુ કેપ્સીકમ અને પીળુ જીણું સમારેલુ કેપ્સીકમ ઉમેરી દેવું.

હવે તેમાં છીણેલુ પનીર ઉમેરી દેવું, સાથે સાથે છીણેલુ મોઝરેલા ચીઝ છે તે પણ ઉમેરી દેવું. અને તેની સાથે જ ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરી દેવા.

હવે આ બધી જ સામગ્રીને વ્યવસ્થિત મિક્સ કરી લેવી. તો તૈયાર છે પિઝા પરાઠાનું સ્ટફિંગ.

હવે ઉપર સામગ્રીમાં બતાવ્યા પ્રમાણે તમે જે પરોઠા તેમજ આલુ પરોઠા માટે લોટ બાંધતા હોવ તેમ મોણ અને મીઠુ નાખીને લોટ બાંધી લેવો.

હવે પરોઠા વણો તે પહેલાં ગેસ પર ધીમા તાપે તવો ગરમ થવા મુકી દેવો. કોઈ પણ તવાનો ઉપયોગ કરી શકો છો.

હવે તમારે જોઈએ તે સાઈઝનો લોટનો લુઓ લેવો તેના પર થોડું અટામણ લગાવી લેવું. અને તેની એક રોટલી વણી લેવી. આલુ પરોઠા માટે જેમ રોટલી વણો તેમ.

હવે આ વણેલી રોટલી પર બહાર સ્ટોરમાં મળતો તૈયાર પિઝા સોસ સ્પ્રેડ કરી દેવો. તે તમે તમારા સ્વાદ પ્રમાણે લગાવી શકો છો.

હવે આ પાથરેલા પિઝા સોસ પર તૈયાર કરેલું પિઝા સ્ટફીંગ ઉમેરો. સ્ટફિંગ બને તો વધારે ઉમેરવું તેમ કરવાથી તમને પિઝાનો સ્વાદ વધારે આવશે અને લોટનો સ્વાદ ઓછો આવશે.

હવે સ્ટફીંગને રોટલીમાં કવર કરી લેવું એટલે કે તેની પોટલી બનાવી લેવી. હવે આ પોટલીને વ્યવસ્થિત હાથમાં હળવા હાથે થેપી લેવી.

હવે તેના તેના પર થોડું અટામણ ભભરાવી હળવા હાથે તેનો પરાઠો વણી લેવો. ધ્યાન રહે તેમાંથી સ્ટફીંગ બહાર ન આવે એટલે જ્યારે જ્યારે જરૂર પડે અટામણનો ઉપોયોગ કરો.

હવે પરોઠો બરાબર વણાઈ જાય એટલે તેને ગરમ તવા પર મુકી દો. યાદ રહે ગેસ ધીમો રાખવો.

એક બાજુ શેકાઈ જાય એટલે બીજી બાજુ પલટાવી લેવું. હવે તેના પર થોડું તેલ લગાવીને પરોઠો બરાબર શેકી લેવો.

આવી જ રીતે બન્ને બાજુ બરાબર તેલ લગાવીને પરોઠો વ્યવસ્થીત શેકી લેવો.

પરોઠો શેકાઈ જાય એટલે તેને સર્વિંગ ટીશમાં લઈ લેવો. આવી જ રીતે બાકીના પરાઠા પણ શેકી લેવા.

તો તૈયાર છે બાળકોને ભાવે તેવા પિઝા પરાઠા. પરાઠા તૈયાર થઈ જાય એટલે તેની ઉપર પણ ચિઝ ભભરાવી દેવું. ગરમ પરાઠામા આમ કરવાથી ચીઝ મેલ્ટ થઈ જશે અને સ્વાદ ખુબ સરસ આવશે.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

પીઝા પરાઠાને બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *