આવી ગઈ જાંબુની સીઝન, તો નોંધી લો આ રેસીપી અને બનાવો જાંબુનો આઇસ્ક્રીમ !

માર્કેટમાં જાંબુ આવી ગયા છે, તો રાહ જોયા વગર એકવાર તો જાંબુનો આઇસ્ક્રીમ બનાવી જ નાખો.

અત્યારે ઘણા બધા ફ્રૂટ માર્કેટમાં જાંબુ દેખાવા લાગ્યા છે. અને ગરમી પણ ઘણી પડી રહી છે. જો તમે આઇસક્રીમ ખાતા જ હોવ તો શા માટે સાદી આઇસક્રીમ ખાવી. આજે જ ઘરે બનાવો જાંબુ આઇસક્રીમ.

એક જાંબુ મોઢામાં મુકતા જ જાણે એવું લાગે છે કે આકાશમાં વાદળા ઘેરાઈ આવ્યા છે અને જાણે વરસાદ વરસવાનો જ છે. જો તમે પણ ગરમીમાં ચોમાસાને ફિલ કરવા માગતા હોવ તો અમે તમારા માટે લાવ્યા છે જાંબુ આઇસક્રીમની રેસીપી.

આ રેસીપી ખુબ જ સરળ છે તમે તેને ખુબ જ થોડા સમયમાં એટલે કે માત્ર અરધાથી પોણા કલાકમાં જ ઘરે જ જાતે બનાવી શકો છો. તો ચાલો બનાવીએ જાંબુ આઇસક્રીમ.

સામગ્રી.

વ્હીપ્ડ ક્રીમ 1 અને ½ કપ એટલે કે ડોઢ કપ

દૂધનો પાવડર ¼ કપ એટલે કે પા કપ

દળેલી ખાંડ ¼ કપ એટલે કે પા કપ

કન્ડેન્સ્ડ મિલ્ક ¼ કપ એટલે કે પા કપ

ઠંડુ એટલે કે એકદમ ચીલ્ડ મિલ્ક ½ એટલે કે અરધો કપ

વેનિલા એસેન્સ – 2 ટી સ્પૂન

પર્પલ કલર (ફૂડ કલર) 1 ટી સ્પૂન

જાંબુ પલ્પ ¾ કપ એટલે કે પોણો કપ અહીં તમે પલ્પની જગ્યાએ ક્રશનો પણ ઉપયોગ કરી શકો છો.

જાંબુ આઇસક્રીમ બનાવવાની રીત-

એક બોલ લો અને તેમાં અત્યંત ઠંડી કરેલી પણ બરફ ના થઈ ગઈ હોય તેવી વ્હીપ્ડ ક્રીમ લો અને તે જ્યાં સુધી સ્મૂધ અને ફ્લફી ના થાય ત્યાં સુધી તેને ફેંટો

હવે તેમાં પા કપ મિલ્ક પાઉડર એડ અને દળેલી ખાંડ એડ કરો.

હવે આ બધી જ સામગ્રીને બરાબર ફેંટી લો.

હવે બાકીની સામગ્રીઓ એટલે કે કન્ડેન્સ્ડ મિલ્ક, અરધો કપ ઠંડુ દૂધ, 2 ટેબલ સ્પૂન વેનિલા એસેન્સ, પર્પલ ફૂડ કલર અને જાંબુનો પલ્પ અથવા ક્રશ પણ તેમાં એડ કરો.

હવે આ બધી જ સામગ્રીને બરાબર ફેંટી લેવી. ક્રીમનું ટેક્સચર બિલકુલ સ્મૂધ થઈ જવું જોઈએ અને તે ફ્લફી થઈ જવું જોઈએ.

હવે ફેંટેલા આ તૈયાર મિશ્રણને તમારે એક એર ટાઇટ ડબ્બામાં કાઢી લેવું. તેના માટે કોઈ પણ પ્લાસ્ટીકનો એર ટાઇટ ડબ્બો યોગ્ય રહેશે. આમ તો એલ્યુમિનિયમના ડબ્બામાં પણ તમે આઇસક્રીમ જમાવી શકો છો કારણ કે તેમાં આઇસ્ક્રીમ ખુબ જ જલદી જામે છે.

તો આ મિશ્રણ ભરેલા ડબ્બાને થોડો ઠપકારી લેવો જેથી કરીને તેમાંથી એર બબલ નીકળી જાય. હવે તેને બરાબર ટાઇટ બંધ કરી દેવું જેથી કરીને તેમાં એર ન જઈ શકે.

હવે તેને 7-8 કલાક ફ્રીઝરમાં મુકી દેવું. 8 કલાક બાદ જ્યારે તમે આઇસક્રીમ બહાર કાઢશો ત્યારે તમે જોશો કે આઇસક્રીમ તૈયાર થઈ ગયો હશે.

આ આસક્રીમને તમે જાંબુ શેઇક સાથે પણ સર્વ કરી શકો છો, તેમજ આઇસક્રીમ પર જાંબુ સીરપ રેડીને પણ સુંદર મજાના આઇસક્રીમ બોલમાં સર્વ કરીને તમારા ગેસ્ટ તેમજ તેમના બાળકોને ઇમ્પ્રેસ કરી શકો છો.

રસોઈની રાણીઃ ચેતના પટેલ

જાંબુની આઈસ્ક્રીમનો વિગતવાર વિડિયો અહીં જુઓ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *