બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય, તો બનાવો સ્વાદિષ્ટ વેજીટેબલ રવા ઢોકળા

જો બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે રવાના આ મિક્સ વેજ ઢોકળા બનાવીને તેમને વેજિટેબલ્સ પણ ખવડાવી શકો છો અને તેમના ટેસ્ટબડ્સને પણ સંતોષી શકો છો. આ વાનગીને તમે તેમના લંચબોક્ષમાં પણ આપી શકો છો.

 

રવા વેજીટેબલ ઢોકળા બનાવવા માટે સામગ્રી

2 વાટકી રવો

ડોઢ વાટકી પાણી

ડોઢ વાટકી દહીં (ખાટું લેવું)

100 ગ્રામ ફણસી

1 મોટું કેપ્સિકમ

1 નાનુ ગાજર

1 મોળુ મરચુ (બજારમાં જે મોટા મોળા મરચા મળે છે તે)

5-7 ચમચી તેલ

એક ચમચી રાઈ

એક ચમચી તલ

2 ચમચી જીણી સમારેલી કોથમીર

અરધી ચમચીથી થોડો ઓછો ખાવાનો સોડા

રવા વેજીટેબલ ઢોકળા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક મોટો બોલ લઈ લેવો તેમાં બે વાટકી રવો ઉમેરવો તેની સાથે જ ડોઢ વાટકી દહીં ઉમેરવું અને ડોઢ વાટકી પાણી ઉમેરી ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લેવી.

પાણી વધારે ન નાખવું તેનાથી બેટર પાતળુ બની જશે અને ઢોકળા પર્ફેક્ટ નહીં બને તેમ છતાં વધારે પાણી પડી જાય તો તેમાં તે પ્રમાણે રવો ઉમેરી દેવો. બેટર પલળી ગયા બાદ રવો ન ઉમેરવો.

હવે ત્રણે વસ્તુઓ મિક્સ કરી લીધા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. અને ફરી બધું બરાબર હલાવી લેવું. હવે તે બેટરને એક બાજુ પર ઢાંકીને મુકી દેવી.

હવે 4-5 કળી લસણ, અરધો ઇંચ આદુ, 2-3 નંગ મરચા લઈ ખરલમાં વાટી લેવા. રવાના ઢોકળામાં આ ત્રણે વસ્તુ થોડી ચડિયાતી નાખવી કારણ કે રવો સ્વાદે સાવ ફિક્કો હોય છે તેનો કોઈ સ્વાદ હોતો નથી.

હવે તૈયાર કરેલી લસણ, આદુ મરચાની પેસ્ટ ખીરામાં ઉમેરી દેવી. અને તેને બરાબર મિક્સ કરી દેવી.

હવે શાકભાજીમાં 100 ગ્રામ જેટલી ફણસી, એક મોટું કેપ્સીકમ, એક નાનુ ગાજર, અને એક મોટુ મરચુ લઈ જીણા સમારી લેવા. ગાજરને સમારવા કરતાં જીણું છીણી લેવું. અને 2 ચમચી જીણી સમારેલી કોથમીર લઈ લેવી.

હવે આ બધા જ વેજિટેબલ બેટરમાં એડ કરીને તેને બરાબર હલાવી લેવું.

હવે એક તપેલીમાં ચોથા ભાગની વાટકી પાણી એક તપેલીમાં ગરમ કરવા મુકી દેવી તેની સાથે જ 2-3 ચમચી તેલ પણ ઉમેરી દેવું અને તેને ગરમ થવા દેવું.

પાણી અને તેલ ગરમ થાય એટલે તેમાં અરધી ચમચીથી થોડો ઓછો કુકીંગ સોડા લઈ તેને ખીરામાં ઉમેરી દેવું. અને તેને બરાબર હલાવી લેવું.

તમે અહીં જોયું કે અહીં આપણે બીજી લગભગ અરધી વાટકી પાણી ઉમેરવાનું થાય છે એટલે અગાઉથી જ વધારે પાણી ન ઉમેરવું ઉપર જે માપ જણાવ્યું છે તે પ્રમાણે પાણી ઉમેરવું.

હવે તેને એક જ દિશામાં 4-5 મીનીટ સુધી એકધારુ હલાવવું જેથી કરીને તે થોડું ફ્લફી થઈ જાય અને ઢોકળા સરસ ફુલે.

હવે ઢોકળીયુ ગરમ કરવા મુકી દેવું. ઢોકળીયાની થાળીમાં તેલ ચોપડી દેવું. તેમાં બેટર એડ કરવું અને પ્લેટને થોડી ઠપકારીને તેને સમતળ કરી લેવું.

હવે તેના પર થોડું લાલ મરચુ ભભરાવી દેવું.

અને હવે તેને ઢાંકીને 20-25 મીનીટ સ્ટીમ થવા દેવું. સ્ટીમ કરતી વખતે ગેસ મિડિયમ રાખવો.

20 મીનીટ બાદ છરી નાખીને ચેક કરી લેવું કે ઢોકળા બફાઈ ગયા છે કે નહીં. ઢોકળા બફાઈ ગયા હોય તો ગેસની ફ્લેમ બંધ કરી લેવી. નહીંતર પાંચ મીનીટ વધારે બફાવા દેવું.

હવે ઢોકળાની ડીશને ઉંધી પાડીને તેમાંથી વરાળના કારણે જે પાણી જમા થઈ ગયું હોય તે નીતારી લેવું. સાથે સાથે ઢોકળાને ઠંડા પણ થવા દેવા જેથી કરીને તેને વ્યવસ્થિત કાપી શકાય.

હવે થાળી ઠંડી થઈ જાય એટલે ઢોકળામાં કાપા પાડી દેવા. પણ તેને થાળીમાંથી છુટ્ટા ન કરવા.

હવે વઘાર ગરમ કરવા માટે એક વઘારીયામાં 4 ચમચી તેલ લેવું તેને ગરમ થવા દેવું. તે પહેલાં ઢોકળા પર લીંબડાના લીલા ચાર-પાંચ લીલા પાન પણ ઉમેરી દેવા. આમ તો ગરમાગરમ વેજીટેબલ ઢોકળા પણ ખુબ ભાવશે.

હવે ગરમ થયેલા તેલમાં એક ચમચી રાઈ, એક ચમચી તલ ઉમેરીને તેને ઢોકળા પર પાથરી દેવું. અહીં એક સાથે બે ઢોકળાની થાળી તૈયાર કરવામાં આવી છે એટલે આ તેલનું પ્રમાણ બે થાળીના માપનું છે.

હવે આ વઘારને તાવેથાથી વ્યવસ્થિત બધા જ ઢોકળામાં ફેલાવી દેવો. હવે તમે થાળીમાંથી ઢોકળાને છુટ્ટા કરી શકો છો. તો તૈયાર છે સ્વાદિષ્ટ મિક્સ વેજીટેબલ રવા ઢોકળા.

આ ઢોકળાને દહીં સાથે તેમજ છુંદા તેમજ લીલી ચટની સાથે ખાવામાં મજા આવે છે.

રસોઈની રાણીઃ નીધી પટેલ

વેજીટેબલ રવા ઢોકળા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *