બરફી ચુરમુ – અત્યારના સમયમાં લુપ્ત થઇ રહેલી આ સ્પેશિયલ રેસિપી એકવાર જરૂર બનાવજો…

મિત્રો, ગુજરાતી ઘરોમાં લાડુ અને તેમાંય વળી સ્પેશિયલ ચુરમાના લાડુ તો દરેક ઘરોમાં બનતા જ હોય છે. પહેલાના સમયમાં એટલે કે આપણા દાદી-નાની વખતમાં ચુરમાના લાડુ ખુબ બનતા, મહેમાન આવે એટલે ચુરમાના લાડુ તો બને જ. લાડુ ઉપરાંત એ વખતે બરફી ચુરમુ પણ બનાવવામાં આવતું જે કદાચ આજની પેઢીને ખબર પણ નહિ હોય. જે ચુરમાના લાડુ કરતા પણ ટેસ્ટી લાગતું.

મિત્રો, મેં મારા દાદીના હાથનું બરફી ચુરમુ ઘણીવખત ખાધું છે ખુબ જ ટેસ્ટી બને છે અને મારા ઘરમાં પણ બધાને ખુબ ભાવે છે. તો આજે હું અત્યારના સમયમાં લુપ્ત થઇ રહેલી આ સ્પેશિયલ રેસિપી શેર કરું છું તો તમે પણ એકવાર જરૂર બનાવજો, બધાને ખુબ જ પસંદ આવશે. તો ચાલો બતાવી દઉં હું કઈરીતે બનવું છું બરફી ચુરમુ

સામગ્રી :

v 1/2 કપ ઘઉંનો કરકરો લોટ

v 1/2 કપ રવો (ઝીણી સુજી)

v 1/4 કપ બેસન

v 1 & 1/2 ટેબલ સ્પૂન દૂધ

v 1/2 કોપરાનું ઝીણું ખમણ

v 1 ટેબલ સ્પૂન ખાવાનો ગુંદ

v 1/2 કપ ખાંડ

v 5 ટેબલ સ્પૂન ઘી

v ચપટી એલચી પાવડર

v થોડા ડ્રાયફ્રૂટ્સ

v તેલ

રીત :

1) એક મોટા બાઉલમાં ઘંઉનો લોટ, રવો તેમજ બેસન મિક્સ કરી લો. અહીં આપણે રવો સાવ ઝીણો લેવાનો છે જો ઝીણો ના હોય તો સૂજીને ક્રશ કરીને લેવી.

2) મિક્સ કરી લીધા બાદ દોઢ ટેબલ સ્પૂન તેલ તેમજ દોઢ ટેબલ સ્પૂન હુંફાળા દૂધથી ધાબો આપો.

3) લોટને ધાબો આપ્યા બાદ થોડું થોડું હુંફાળું પાણી ઉમેરી મુઠીયા તૈયાર કરો. બધાજ લોટમાં એકીસાથે પાણી ના ઉમેરતા સાઈડમાં થોડા થોડા લોટમાં પાણી ઉમેરી મુઠીયા તૈયાર કરવા. જો ના સમજાય તો નીચે આપેલ વીડિયોમાં જોઈ લેવું.

4) મુઠીયા પાતળા અને નાના વાળવા જેથી અંદરથી પણ સારી રીતે ચડી જાય.

5) બધાજ મુઠીયા વાળી મીડીયમ તેલ ગરમ કરી તળી લેવાના છે. સ્ટવની આંચ પણ મીડીયમ રાખવી.

6) મૂઠિયાંમાં લાઈટ બ્રાઉનિશ કલર આવે ત્યાંસુધી તળી લેવા. તળી લીધા બાદ મુઠીયાને તોડીને સહેજ ઠંડા થવા દેવા.

7) મુઠીયા તળી લીધા બાદ ગુંદ પણ તળી લેવો, જો કાચો ગુંદ ભાવતો હોય તો તળવાની જરૂર નથી. સ્ટવની આંચ સ્લો રાખવી.

8) મુઠીયા થોડા ઠંડા પડે એટલે મિક્સરમાં ક્રશ કરી ચુરમુ તૈયાર કરી લેવું.

9) ત્યારબાદ ચુરમાને લોટ ચાળવાના આંકની મદદથી ચાળી લેવું જેથી કણી ના રહે. ચાળતા જે કણી નીકળે તેને ફરી ક્રશ કરી લેવું.

10) ચુરમુ તૈયાર કર્યા પછી તેમાં કોપરાનું ખમણ, ગુંદ, બારીક કાપેલા ડ્રાયફ્રૂટ્સ તેમજ ચપટી એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લો. ચપટી જાયફળ પાવડર પણ ઉમેરી શકાય.

11) હવે આપણે ચાસણી બનાવવાની છે તો ખાંડ સાથે તેનાથી અડધી માત્રામાં પાણી લઈ બે તારની ચાસણી લેવાની છે. શરૂઆતમાં સ્ટવની આંચ ફાસ્ટ રાખવી ત્યારબાદ જેમજેમ ખાંડ પીગળતી જાય તેમ તેમ આંચ પણ ધીમી કરતી જવી.

12) ખાંડ મેલ્ટ થાય અને ચાસણીમાં બબલ્સ થવા લાગે એટલે ચાસણી ચેક કરી લેવી. બે તારની ચાસણી આવે સુધી ચાસણી પાકવા દેવી.

13) બે તારની ચાસણી આવે એટલે ચાસણીને ચુરમા સાથે મિક્સ કરી લેવી. સાથે ઘી પણ ઉમેરી દેવું.

14) બધું બરાબર મિક્સ કરી પ્લેટમાં ઢાળી લેવું. ત્યારબાદ ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી થોડીવાર ઠંડુ પડવા દેવું.

15) થોડું ઠંડુ પડે એટલે કાપા મૂકી કયુબ્સમાં કટ કરી લેવું.

તો મિત્રો તૈયાર છે આ આપણું પરંપરાગત બરફી ચુરમુ તો આ વખતે લાડુને બદલે તમે પણ આ બરફી ચુરમુ ટ્રાય કરજો તેમજ બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂરથી જોઈ લેજો જેથી બરફી ચુરમુ પરફેક્ટ બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો લિંક :

Join the discussion

Your email address will not be published. Required fields are marked *