બટાટા વડા અને ભરેલા મરચાના પર્ફેક્ટ ભજીયા આ રીતે બનાવો…

ચોમાસાની સીઝન અને ભજીયાની સીઝન જાણે એક જ છે. ચોમાસું આવે એટલે જાત જાતના ભજીયા ખાવાનું મન થાય. તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ પર્ફેક્ટ બટાટા વડા અને ભરેલા મરચાના ભજીયાની રેસીપી.

બટાટા વડા અને ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે સામગ્રી

700 ગ્રામ બટાટા

સ્વાદ અનુસાર મીઠુ

2 વાટકી ચણાનો લોટ

5-6 નંગ મોટા મોળા મરચા

એક ચમચી ધાણાજીરુ પાવડર

1 ચમચી આદુમરચાની પેસ્ટ

ચપટી હીંગ

અરધી ચમચી હળદર

એક લીંબુનો રસ

અરદી ચમચી ગરમમસાલો

1 મોટી ચમચી જીણી સમારેલી કોથમીર

પા ચમચીથી ઓછો ખાવાનો સોડા (ઓપ્શનલ)

તળવા માટે તેલ

બટાટા વડા અને ભરેલા મરચાના ભજીયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ 1 કી.ગ્રામ બટાટા ને બાફી લેવા. બટાટા બફાઈ જાય. એટલે તેને ઠંડા પડવા દેવા.

તે દરમિયાન ચોમાસામાં મળતા મોટા મોળા મરચા 5-6 નંગ લેવા. તેને ધોઈ નાખવા.

હવે તેને વચ્ચે ચીરો પાડીને તેની અંદરથી બીયા કાઢી લેવા.

હવે ખીરું તૈયાર કરી લેવું. ખીરા માટે એક બોલમાં 2 વાટકી ચણાનો લોટ લેવો.

ચણાના લોટમાં ચપટી હીંગ, મીઠુ, થોડી હળદર અને લીંબુનો રસ એડ કરવો.

હવે તેમાં થોડું થોડું પાણી એડ કરી એકરસ ખીરુ તૈયાર કરી લેવું. તેને એકધારું હલાવતા રહેવું. તેને લગભગ 5-7 મિનિટ એકધારું એક જ દિશામાં સ્પીડીલી હલાવવું. જેથી કરીને તેમાં સોડા નાખવાની જરૂર નહીં પડે.

હવે એક બોલ લેવો તેમાં એક ચમચી આદુ-મરચાની પેસ્ટ એડ કરવી.

હવે બટાટા ફોલીને તે આ આદુમરચાની પેસ્ટ સાથે ઉમેરવા.

હવે તેમા સ્વાદઅનુસાર મીઠુ, થોડી હળદર, ધાણાજીરુ, થોડો ગરમમસાલો, થોડી કોથમીર અને એક લીંબુનો રસ તેમજ સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરવી.

હવે તેને બરાબર હલાવી નાખવું. બરાબર મીક્સ કરી દેવું. તૈયાર છે બટાટાવડાનું પુરણ.

હવે આ તૈયાર થયેલા પુરણાંથી નાના-નાના વડા બનાવી લેવા અને પા ભાગનું પુરણ મરચાના પુરણ માટે બાકી રાખવું.

હવે બાકી પુરણમાંથી ચીરા પાડેલા મરચામાં બટાટાનું પુરણ ભરી લેવું. બધા જ મરચા તેવી રીતે તૈયાર કરી લેવા.

હવે તૈયાર રાખેલા ખીરામાં ભરેલા મરચાને ડીપ કરી બરાબર કવર કરી લેવા.

ખીરામાં મરચાને ડીપ કરીને તેલમાં તળાવા માટે મુકી દેવા. ખીરાને થોડું જાડું જ રાખવું જેથી કરીને તેનું ચણાના લોટવાળુ પડ જાડુ જ રહે. અને તે વધારે પડતું તેલ ન શોષે.

તેવી જ રીતે બટાટાના પુરણમાંથી બનાવેલા ગોળ વડાને પણ ખીરામાં ડીપ કરવા.

હવે આ ડીપ કરેલા બટાટા વડાને તેલમાં તળી લેવા.

હવે તેલમાં સમાય તેટલા બટાટાવડા અને મરચાના ભજીયા તેલમાં તળાવા માટે ઉમેરવા. ગેસ મિડિયમ જ રાખવો.

ભજીયા બરાબર તળાઈ જાય, લાઇટ બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી કાઢી લેવા.

આ ઉપરાંત જો તમારી પાસે સમય ન હોય અને તમારે અચાનક જ ભજીયા બનાવવાનું મન થયું હોય તો તમે ચણાના લોટના ખીરામાં પા ચમચીથી પણ ઓછો સોડા એડ કરી શકો છો. જો કે અહીં ખીરાને તૈયાર કરીને અરધો કલાક માટે રાખી મુક્યું હતું જેથી તેમાં સોડા નાખવાની જરૂર નહોતી પડી. પણ તમે સોડા એડ કરી શકો છો.

તો તૈયાર છે બટાટા વડા અને ભરેલા મરચાના ભજીયા. તેને તમે ખજુર આંબલીની ચટની, તળેલા લીલા મરચા સાથે સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ નીધિ પટેલ

બટાટા વડા અને ભરેલા મરચાના ભજીયા બનાવવા માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *