બટેટાની ચિપ્સના સેન્ડવિચ ભજીયા – તમે સાદી બટેટાની પૂરી ભજીયા તો ખાધા હશે હવે ટ્રાય કરો આ નવીન ભજીયા…

મિત્રો, ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, વર્તાવરણમાં સર્વત્ર ઠંડક પ્રસરેલી હોય એવા સમયે ગુજરાતીઓને જો કંઈક ખાવાની ઈચ્છા થાય તો તે છે, ચટપટ્ટી ચટણી સાથે ગરમાગરમ ભજીયા. ભજીયા અવનવી રીતે બનાવવામાં આવે છે જેમ કે મેથીના ગોટા, બટેટા વડા, મરચા તથા ચિપ્સના ભજીયા વગેરે વગેરે…

આજે હું બટેટાની ચિપ્સના ભજીયા બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું. બટેટાની ચિપ્સના સાદા તથા સ્ટફિંગ ભરીને સેન્ડવિચ ચિપ્સ ભજીયા બનાવવાની રીત બતાવવા જઈ રહી છું તો ચાલો બનાવીએ બટેટાની ચિપ્સના ભજીયા.

સામગ્રી :


200 ગ્રામ ચણાનો લોટ

300 ગ્રામ બટેટા

50 ગ્રામ સીંગદાણા

15 કળી લસણ

1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર

1/2 ટેબલ સ્પૂન મીઠું

1/2 ટેબલ સ્પૂન ધાણાજીરું

1 ટેબલ સ્પૂન લીંબુનો રસ

ચપટી અજમા

ચપટી હિંગ

ચપટી કૂકિંગ સોડા

તળવામાટે તેલ

રીત :


1) સૌ પ્રથમ નાના મિક્સર જારમાં લસણની કળીઓ અને લાલ મરચું પાવડર નાખી, ગ્રાઈન્ડ કરી ચટણી બનાવી લો.


2) હવે તેજ જારમાં સીંગદાણા, મીઠું અને લીંબુનો રસ નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લો. ચટણીને સ્મૂથ બનાવવા માટે લીંબુનો રસ વધારે ઉમેરી શકાય.


3) હવે બટેટાની પાતળી અને લાંબી ચિપ્સ બનાવી લો, ચિપ્સ બનાવીને તુરંત પાણીમાં નાખવી જેથી ચિપ્સ ઓક્સીડાઈઝ થઈને કાળી ના પડી જાય.


4) ત્યારપછી એક ચિપ્સ પર પેસ્ટ લગાવો, પેસ્ટ ચિપ્સ પર બરાબર સ્પ્રેડ કરીને તેના પર સેઈમ સાઈઝની બીજી ચિપ્સ મૂકી હળવા હાથે દબાવી સેન્ડવિચની જેમ સેટ કરી લો. આ રીતે બધી ચિપ્સ બનાવી લો, થોડી ચિપ્સ પ્લેઈન રાખવી.


5) હવે ભજીયા માટેનું બેટર તૈયાર કરી લો. બેટર બનાવવા માટે એક મોટા વાસણમાં ચણાનો લોટ લો, બેસન અથવા ઘરે દળેલ લોટ પણ લઈ શકાય.લોટ હંમેશા ચાળીને જ યુઝ કરવાનો આગ્રહ રાખવો. બેસનમાં ચપટી અજમાં, મીઠું, હિંગ, ધાણાજીરું અને લાલ મરચું નાખો. બધું બરાબર મિક્સ કરી લો.


6) ત્યારબાદ તેમાં થોડું થોડું કરીને 250 મિલી પાણી નાખી ઘટ્ટ બેટર તૈયાર કરી લો. લમ્પસ બિલકુલ ના રહેવા દેવા.


7) ત્યારપછી તેમાં ચપટી કુકીંગ સોડા અને તેના પર સહેજ લીંબુનો રસ નાખી ફરીથી મિક્સ કરી લો.


8) હવે એક કડાઈમાં તળવા માટે તેલ મુકો, મીડીયમ ફ્લેમ પર તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં પેસ્ટ લગાવેલી ચિપ્સને બેટરમાં ડુબાડીને તળી લો.


9) બંને સાઈડ ફેરવીને તળી લો. તળતી વખતે ધ્યાન રાખવું કે તેલ વધારે ગરમ ના થવું જોઈએ, જો તેલ વધારે ગરમ થાય ચિપ્સ અંદરથી કાચી રહે. ચિપ્સનો કલર સહેજ ડાર્ક થાય એટલે કાઢી લો અને તેજ રીતે બાકીની ચિપ્સ પણ તળી લો. આ જ રીતે સાદી પ્લેઇન ચિપ્સને પણ બેટરમાં બોળીને તળી લો.


10) તો તૈયાર છે સાદી તથા સ્ટફિંગવાળી બટેટાની ચિપ્સ, તેને ગ્રીન તથા મીઠી ચટણી સાથે સર્વ કરો.


ફ્રેન્ડ્સ, સીંગદાણા, લસણ તેમજ લીંબુ અને મીઠું નાખીને આપણે જે પેસ્ટ બનાવી છે તે ભજીયાને એક યુનિક ટેસ્ટ આપે છે માટે સાદા ચિપ્સવાળા ભજીયા તો અવારનવાર બનાવતા જ હોઈએ છીએ પણ આ વખતે આ અલગ રીત ટ્રાય કરજો, ખરેખર ખુબ જ મજા પડશે.

તો નોટ કરી લો મારી આ રેસિપી અને આ વરસાદની સીઝનમાં આપના ટેસ્ટમાં નવીનતા લાવો અને ઘરના સભ્યોને ટેસ્ટ કરાવો આ યુનિક સેન્ડવિચ ભજીયા.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *