બજારમાંથી કેરી ગાયબ થઈ જાય તે પહેલાં જ બનાવી લો ક્રીમી મેંગો ડીલાઈટ…

કેરીની સીઝનમાં આપણે કાચી કેરી તેમજ પાક્કી કેરીની અસંખ્ય રેસીપીઓ અજમાવતા હોઈએ છીએ. કાચી કેરીમાંથી અથાણા, કચુંબર, કેરીનુ શાક બનાવીએ છીએ તો પાક્કી કેરીમાંથી કેરીનો રસ, કેરીનો શ્રીખંડ, કેરીની લસ્સી બનાવીએ છીએ તો આજે નોંધી લો ખુબ જ સરળ રીતે બની જતાં મેંગો ડીલાઈટની રેસીપી.

મેંગો ડીલાઈટ બનાવવા માટેની સામગ્રી

6-7 પાક્કી કેરી

300-350 ગ્રામ આઇસ્ક્રીમ અથવા વ્હીપ્ડ ક્રીમ

તમને ગમતો સુકો મેવો

જરૂર લાગે તો ખાંડ

મેંગો ડીલાઈટ બનાવવા માટેની રીત

સૌ પ્રથમ ત્રણ પાક્કી કેરી લેવી. તેની છાલ ઉતારી લેવી અને તેના નાના ટુકડા કરી લેવા. એ વાતનું ધ્યાન રાખવું કે કેરી જરા પણ કાચી ન હોવી જોઈએ પાક્કી જ કેરી લેવી. જો થોડો ભાગ કાચો હોય તો તેને કાઢી લેવો. કારણ કે મેંગો ડીલાઈટમાં ખટાશ સારી નથી લાગતી.

હવે આ છાલ ઉતારેલી કેરીના નાના ટુકડાને એકબોલમાં લઈ લો.

હવે મેંગો ડીલાઈટ બનાવતા પહેલાં તમારે બે પાક્કી કેરી લઈ તેની છાલ ઉતારીને તેનો રસ બનાવી તેને ફ્રીઝરમાં મુકી દેવો અને તેને એક ડોઢ કલાક ફ્રીઝરમાં જ રાખી મુકવો. હવે એક બોલમાં જેમાં કાપેલી કેરીના જીણા સમારેલા ટુકડા છે તેમાં જ આ ફ્રીઝ કરેલી કેરીનો રસ એડ કરવો. આમ કરવાથી તેનું ટેક્સ્ચર ક્રીમી થશે અને તે ઠંડું પણ રહે.

હવે તેને વધારે ઠંડુ બનાવવા માટે તેમાં 5-6 બરફના ટુકડા એડ કરવા. મેંગો ડીલાઈટ હંમેશા ઠંડો જ ભાવે છે.

હવે બરફ એડ કર્યા બાદ તેમાં હેન્ડ બ્લેન્ડર ફેરવી લેવું. અને બધું જ એકરસ કરી લેવું. તમે આ પ્રોસેસ મીક્સરમાં પણ કરી શકો છો.

ક્રશ કરવામાં તમારે પાણીની જરૂર પડે તો તમે તેમાં પાણી અથવા દૂધ ઉમેરી શકો છો. પણ કેટલાક ઘરોમાં કેરી સાથે દૂધ લેવામાં નથી આવતું તો તેઓ પાણી ઉમેરી શકે છે. પાણી ઉમેરો કે દૂધ, ઠંડુ જ ઉમેરવું.

આની કન્સીસ્ટન્સી કેરીના રસ કરતાં થોડી પાતળી રાખવી. પણ વધારે પાતળી રાખવી નહીં ઘરમાં જે કઢી બનાવવામાં આવે છે તેના કરતાં જાડી રાખવી.

હવે બધું બરાબર બ્લેન્ડ થઈ જાય એટલે તેમાં વેનીલા આઇસ્ક્રીમ એડ કરી દેવો. અહીં 300થી 350 ગ્રામ આઇસક્રીમ લેવામાં આવ્યો છે. હવે તેને ચમચીથી મીક્સ કરી દેવો. અહીં તમે વ્હીપીંગ ક્રીમ પણ લઈ શકો છો અને ઘરની તાજી ક્રીમને ફેંટીને પણ લઈ શકો છો. પણ બજારમા તે ઇઝીલી અવેલેબલ નથી હોતી માટે અહીં વેનિલા આઇસ્ક્રીમનો ઉપોયગ કરવામાં આવ્યો છે.

આઇસ્ક્રીમમાં તમને ગમે તે આઇસ્ક્રીમ ઉમેરી શકો છો, ડ્રાય ફ્રુટ, મેંગો ફ્લેવર્ડ આઇસ્ક્રીમ, કાજુદ્રાક્ષ આઇસ્ક્રીમ વિગેરે.

આઇસ્ક્રીમને હમેશા પિરસતા પહેલાં જ એડ કરવો. અને આઇસ્ક્રીમમાં પહેલેથી જ ખાંડ આવતી હોવાથી ખાંડ એડ ન કરવી અથવા થોડી ક જ એડ કરવી. તમારા ટેસ્ટ પ્રમાણે.

હવે આ આઇસ્ક્રીમને ચમચીથી બરાબર મીક્સ કરી લીધા બાદ તેમાં બીજી એક-બે પાક્કી કેરીના જીણા ટુકડા ઉમેરી દેવા. અને તેને બરાબર મીક્સ કરી દેવું.

હવે તેને સર્વ કરવા માટે એક સર્વીંગ બોલ લેવો તેમાં 2 મોટા ચમચા મેંગો ડીલાઈટ ઉમેરવું.

હવે તેના પર 10-15 નાના ટુકડા પાક્કી કેરીના ઉમેરવા.

ત્યાર બાદ તેના પર કાજુ-દ્રાક્ષ કે જે સુક્કો મેવો તમને ગમતો હોય તે ઉમેરી ગાર્નીશ કરવું.

હવે છેલ્લે તેના પર પીગાળેલો વેનિલા આઇસ્ક્રીમ એક ચમચી સ્પ્રેડ કરી દેવો. અહીં તમે ઘરની ક્રીમને ફેંટીને પણ ઉમેરી શકો છો.

તો તૈયાર છે ક્રીમી મેંગો ડીલાઈટ બજારમાંથી કેરી ગાયબ થઈ જાય તે પહેલાં જ બનાવીને ઘરના સભ્યોને ખવડાવી દો. જેથી આવતી સીઝનની રાહ ન જોવી પડે.

અહીં જેટલા પ્રમાણમાં મેંગો ડીલાઈટ બનાવવામાં આવ્યો છે તેને તમે 7 વ્યક્તિને સર્વ કરી શકો છો.

રસોઈની રાણીઃ સીમાબેન

મેંગો ડીલાઈટ બનાવવા માટેની વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *