બીટ-રૂટના લાડુ – બીટ ખાવાથી હિમોગ્લોબિન વધે છે પણ સલાડમાં બીટ નથી પસંદ તો આવી રીતે લાડુ બનાવીને ખાવ…

બીટ એ હિમોગ્લોબિનનો સારામાં સારો નેચરલ સોર્સ છે, જે લોકો રેગ્યુલર બીટ ખાય છે તેમને હિમોગ્લોબિનનો પ્રોબ્લેમ રહેતો નથી તેથી જ ડોક્ટર્સ પણ બીટ-રુટ ખાવાનું સજેસ્ટ કરે છે. આ સિવાય બીટમાંથી ફાઇબર્સ, વિટામિન્સ, અને આયરન પણ મળે છે.

બીટરૂટ સલાડ તરીકે તેમજ જ્યુસ બનાવીને પણ પીવાય છે. પરંતુ બીટરૂટનો સ્વાદ ખુબ ઓછા લોકોને પસંદ હોય છે, પણ તેમાંથી સ્વાદિષ્ટ તેમજ ટેમ્પટિંગ ડીશ બનાવીને સર્વ કરીએ તો ઘરના બધા સભ્યો હોંશે હોંશે ખાઈ લે. માટે આજે હું બીટના સ્વાદિષ્ટ લાડુ બનાવવાની રેસિપી શેર કરું છું જે બીટ નહિ ખાતા હોય તે પણ વારંવાર ખાવાનું પસંદ કરશે.


સામગ્રી :

* 3 મીડીયમ સાઈઝના બીટરૂટ

* 1 કપ ઝીણું સૂકા નાળિયેરનું ખમણ

* 3 થી 4 ટેબલ સ્પૂન ઘી

* 1/2 કપ દૂધ

* 1/2 કપ દૂધ મલાઈ

* 1/2 કપ ખાંડ

* થોડા ડ્રાયફ્રૂટ્સ ગાર્નિશિંગ માટે

તૈયારી :

* બીટરૂટને છાલ ઉતારી ખમણી લેવું.

* ડ્રાયફ્રૂટ્સની કાતરી કરી લેવી.

રીત :


1) સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી અથવા નોન-સ્ટીક કડાઈમાં 2 ટેબલ સ્પૂન ઘી લો. તેમાં ખમણેલું બીટ નાખી મિડિયમ થોડી વધારે આંચ રાખી શેકો.


2) સતત હલાવતા રહીને 6 થી 7 મિનિટ્સ શેકવાનું છે. 2 મિનિટ્સ શેકાય પછી બાકીનું ઘી ઉમેરી લેવું.


3) 7 મિનિટ્સ પછી તેમાં ખાંડ, દૂધ મલાઈ અને દૂધ ઉમેરો. દૂધ અને ખાંડ સાથે ઉમેરવાથી ખાંડનું પણ પાણી થશે. પાણી બળતા વાર લાગે છે માટે સ્ટવની ફ્લેમ હાઈ કરીને સતત હલાવતા રહેવું. અને જેમ જેમ લીકવીડ બળતું જાય તેમ સ્ટવની ફ્લેમ ઓછી કરતી જવી, કડાઈમાં તળિયે બિલકુલ પકડાવું જોઈએ નહિ.


4) દૂધ તેમજ ખાંડનું પાણી બળી જાય તેમજ મલાઇના દાણા પડી જાય અને ઘી છૂટું પડેલ દેખાય ત્યાં સુધી સતત હલાવતા રહો. મલાઈ ઘી સાથે શેકાઈને માવા જેવો સ્વાદ આપે છે.


5) ઘી છૂટું પડી ગયા બાદ તેમાં પોણો કપ જેટલું નાળિયેરનું ખમણ ઉમેરો, બાકીનું ગાર્નિશિંગ માટે યુઝ કરવાનું છે.


6) બરાબર મિક્સ કરી લો. પછી સ્ટવની ફ્લેમ ઑફ કરી મિશ્રણને ઠંડુ થવા દો.


7) હાથથી અડી શકાય એટલું ઠંડુ પડે એટલે તેના નાના-નાના લાડુ વાળો. સરસ ગોળ લાડુ વાળવા માટે હાથમાં થોડું મિશ્રણ લઇ મુઠીયા બનાવીયે તેમ પ્રેસ કરીને લાડુ વાળો, જેથી લાડુ છૂટો ના પડી જાય. આ લાડુને સૂકા ટોપરાના ખમણમાં રોલ કરી લો. તેના પર ડ્રાયફ્રૂટ્સની કાતરી મૂકી ગાર્નિશ કરી લો.


8) તો તૈયાર છે ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બીટના લાડુ. બીટ સાથે ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે લીધેલ મલાઈ અને કોપરું રિચ ટેસ્ટ આપે છે જે સૌને પસંદ પડશે.


ખુબજ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડે છે, વળી બનાવવું પણ ઇઝી છે તો શા માટે ન બનાવીયે આવી હેલ્ધી સ્વીટ ? આજે જ બનાવો, જે લોકોએ ક્યારેય બીટ ચાખ્યું પણ ના હોય એ પણ હોંશે હોંશે ખાઈ લેશે આ ” બીટના લાડુ ” , તો ચોક્કસ ટ્રાય કરજો મારી આ યુનિક રેસિપી.

નોંધ : એલચીનો ટેસ્ટ પસંદ હોય તો ચપટી એલચી પાવડર પણ ઉમેરી શકાય. ઘી ખાવાનું ઓછું પ્રિફર કરતા હોય તો માત્ર 2 ટેબલ સ્પૂન ઘી માં પણ બનાવી શકાય. દૂધ મલાઈ નાખ્યા વગર પણ બીટના લાડુ બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *