દરેક બેસ્વાદ વાનગીને સ્વાદીષ્ટ બનાવતી લસણની ચટણી આ રીતે બનાવો…

જો ઘરમાં શાક ન હોય, અથાણું ન હોય પણ લસણની ચટણી પડી હોય તો તમે એક ટાઈમ તો ગમે તેમ કરી ખેંચી જ શકો છો. લસણની ચટણી એવી હેન્ડી એટલે કે ઘરમાં ગમે ત્યારે ઉપલબ્ધ રહે તેવી વાનગી છે કે ઘરમાં ખાલી રોટલી પડી હોય અથવા બાજરીનો રોટલો પડ્યો હોય કે પછી ભાખરી પડી હોય તો તરત જ તેની સાથે સ્વાદિષ્ટ લસણની ચટણીને ખાવાથી તમારા બધાજ ટેસ્ટ બડ સંતોષાઈ જાય છે. અરે આ લસણની ચટણીથી માત્ર દહીં પણ વઘારીને ભાખરી કે બાજરીના રોટલા સાથે ખાઈ લઈએ તોપણ સંતોષકારક ઓડકાર આવી જાય છે. તો આજે બનાવો અઠવાડિયા સુધી સાંચવી શકાય તેવી સ્વાદિષ્ટ લસણની ચટણી.

લસણની ચટણી બનાવવા માટેની સામગ્રી

20-25 લસણની ફોલેલી કળીઓ

2 ચમચી તેલ

½ ચમચી કાસ્મીરી લાલ મરચુ

સ્વાદ પ્રમાણે મીઠુ

થોડું જીરુ

થોડી હીંગ

લસણની ચટણી બનાવવા માટેની રીત

સૌ પ્રથણ લસણની કળીને ખાંડણીમાં ઉમેરી તેને થોડી વાટી લેવી. તમે ખાંડવા કરતાં મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો પણ ખાંડીને લસોટીને જે ચટણી બનાવવામાં આવે છે તેનો તો સ્વાદ કંઈક અનેરો જ હોય છે. માટે થોડો પરિશ્રમ કરીને ખરલમાં લસણની કળિયો વાટી લેવી. વધારે સમય નહીં બગડે.

હવે લસણની કળિયો થોડી વટાઈ એટલે તેમાં થોડું મીઠુ થોડુ જીરુ ઉમેરવું.

જીરુ ઉમેર્યા બાદ તેમા 1 ચમચી સારી કંપનીનું કાશ્મીરી લાલ મરચુ ઉમેરવું અને ચટનીને બરાબર વાટી લેવી અને ત્યાર બાદ લસોટી લેવી.

અહીં તમે જોશો કે સરસ મજાની એકદમ જીણી પેસ્ટ વાટી લેવામાં આવી છે. હવે આ ચટનીને થોડીવાર બાજુ પર મુકી દેવી.

હવે વઘારિયામાં બે ચમચી તેલ લેવું. તમે અહીં ચટનીને જેવી પાતળી રાખવી હોય તે પ્રમાણે તેલ ઉમેરી શકો છો.

હવે વઘારિયાને બર્નર પર ગરમ થવા મુકી દેવું.

હવે તેલ મધ્યમ ગરમ થયા બાદ તેમાં હીંગ ઉમેરી દેવી. અને ગેસને તરત બંધ કરી લેવો. નહીંતર હીંગ બળી જશે. હીંગ સારી ક્વોલિટીની સોડમદાર જ વાપરવી તેનાથી લસણની ચટણીના સ્વાદ અને સોડમમાં ઘણો ફરક પડે છે. હવે હીંગ નાખ્યા બાદ તેમાં અરધી ચમચી લાલ કાશ્મીરી મરચુ પાઉડર ઉમેરી દેવું.

હવે આ વઘારને તમારે ખાંડણીમાં જે ચટણી વાટી છે તેમાં ઉમેરી દેવો. અને વઘારને ચટણીમાં બરાબર મિક્સ કરી દેવો.

આ ચટનીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે અને અહીં કાશ્મીરી લાલ મરચુ નાખવામાં આવ્યું છે તેના કારણે તેની સોડમ અને રંગ પણ સરસ આવે છે.
આ ચટનીને તમે અઠવાડિયા સુધી ફ્રીઝમાં એરટાઇટ ડબ્બામાં બંધ કરીને રાખી શકો છો અથવા તો બહાર રાખવી હોય તો પણ આરામથી 4-5 દીવસ સુધી ચટણી સારી રહે છે.

આવી રીતે થોડી વધારે પ્રમાણમાં ચટણી બનાવી તમે તેનો ઉપયોગ ગમે ત્યારે કરી શકો છો. ક્યારેક દહીંની તીખારી બનાવવી હોય અથવા તો દાલબાટી બનાવવી હોય અથવા તો પાઉં ભાજી સાથે ખાવી હોય ત્યારે તમારે ચટણી સ્પેશિયલ બનાવવી નહીં પડેપણ આ જ ચટનીને તમે તરત જ વાપરી શકશો.

અહીં ચટણીને થોડી જાડી રાખવામાં આવી છે અને જો તમારે હજુ પણ પાતળી જોઈતી હોય તો તેમાં થોડું વધારે તેલ ઉમેરી દેવું. તેલ ઉમેરવાથી ચટણીની આવરદા પણ વધે છે.

તો તૈયાર છે લસણની વઘારેલી ચટણી. એક વાર બનાવો અને આખુ અઠવાડિયુ વાપરો.

રસોઈની રાણીઃ નીધી પટેલ

લસણની ચટણી બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *