ભટુરે – પંજાબી ઢાબાના છોલે સાથે ખવાતા ભટુરે બનાવવા માટેની પરફેક્ટ રેસિપી..

કેમ છો મિત્રો? આજે માટે લાવી છું પંજાબી હોટલ અને ઢાબા પર ખવાતા છોલે ભટુરેની સરળ રેસિપી. આ સાથે છોલે બનાવવાની રેસિપીની લિંક અંતમાં આપેલી છે. મારી આ રેસિપી માં મેં મેંદાના લોટ સાથે ઘઉંનો લોટ અને બે ચમચી સોજીનો ઉપયોગ કર્યો છે. આમ કરવાથી તમારા ભટુરે એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી બનશે તો ચાલો ફટાફટ શીખી લઈએ ભટુરે બનાવવા માટેની પરફેક્ટ રેસિપી.

સામગ્રી

  • ઘઉંનો જીણો લોટ – 250 ગ્રામ
  • મેંદાનો લોટ – 250 ગ્રામ
  • બેકિંગ પાવડર – અડધી ચમચી
  • સોડા – અડધાની અડધી ચમચી
  • ખાંડ – એક ચમચી
  • દહીં – બે ચમચી
  • તેલ – ત્રણ ચમચી મોણ માટે અને ભટુરે તળવા માટે
  • સોજી – બે ચમચી
  • મીઠું – જરૂર મુજબ

ભટુરે બનાવવા માટેની સરળ રેસિપી.

1. લોટ બાંધવાના વાસણમાં આપણે પહેલા ઘઉંનો લોટ, મેંદાનો લોટ, એક ચમચી ખાંડ અને બે ચમચી સોજી લઈશું.

2. બધું બરાબર મિક્સ કરો અને પછી એમાં થોડો ખાડો કરો.

3. હવે એ ખાડામાં આપણે દહીં ઉમેરીશું.

4. હવે તેમાં બેકિંગ પાવડર ઉમેરો.

5. હવે તેમાં અડધાની અડધી ચમચી સોડા ઉમેરો.

6. હવે એ ખાડામાં મોણ માટે તેલ ઉમેરો.

7. હવે જરૂર મુજબનું પાણી ઉમેરીને થોડો નરમ લોટ બાંધી લઈશું. લોટ રોટલી થી પણ થોડો ઢીલો બાંધવાનો છે.

8. હવે આ લોટને બે થી ત્રણ કલાક ઢાંકીને રહેવા દેવાનો છે.

9. હવે લોટ પર તેલ ઉમેરો.

10. તેલ ઉમેરીને લોટને મસળી લો અને લોટને ચારે તરફ તેલ લાગી જવું જોઈએ.

11. હવે લોટમાંથી એક નાનું લુંવું લો અને તેને તેલવાળું કરી લેવું.

12. હવે તેમાંથી બહુ જાડી નહિ અને બહુ પાતળી નહિ એવી પુરી વણી લો.

13. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મુકો. તેલમાં જયારે પુરી નાખીએ ત્યારે તેલ થોડું ગરમ હોવું જોઈએ. આમ કરવાથી ભટુરેનું પડ થોડું ક્રિસ્પી થશે અને ભટુરે અંદરથી સોફ્ટ પણ થશે.

14. હવે વણેલ ભટૂરેને ગરમ તેલમાં ઉમેરો પ્રયત્ન કરો કે ભટુરે વણો ત્યારે જે નીચેની બાજુનો ભાગ હોય એ તેલમાં નીચેની તરફ જ રહે.

15. હવે તેલમાં નાખેલ ભટુરેની ઝારાની કે ચમચાની મદદથી હલકા હાથે દબાવો આમ કરવાથી ભટુરે બરાબર ફુલશે અને પરફેક્ટ બનશે.

16. હવે તેને પલટાવીને બંને તરફ બરાબર તળી લો. તમને જો સફેદ અને એકદમ સોફ્ટ ભટુરે પસંદ હોય તો ભટુરેને બહુ જલ્દી પલટાવી લેવા અને જો તમને થોડા ક્રન્ચી અને સોનેરી રંગના ભટુરે પસંદ છે તો તેને તેલમાં બરાબર તળો.

બસ તો તૈયાર છે આ સોફ્ટ અને પરફેક્ટ ભટુરે જે તમે છોલે સાથે ખાઈ શકો છો. મને તો આ રીતના ભટુરે પાઉંભાજીની ભાજી સાથે પણ પસંદ છે. તો હવે જયારે પણ ઘરમાં બહાર ઢાબા જેવા જ છોલે અને ભટુરે બનાવો તો મારી આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો. તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

ઢાબા સ્ટાઇલ છોલે બનાવવા માટેની પરફેક્ટ રેસિપી શીખવા અહીંયા ક્લિક કરો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *