ભીંડાની કઢી – બાજરીના રોટલા સાથે સાદી કઢી તો ખાતા જ હશો હવે બનાવો આ ભીંડાની કઢી…

કેમ છો મિત્રો? આજે હું અમારા ઘરની રવિવાર સ્પેશિયલ રેસિપી તમારી માટે લાવી છું. મહિનામાં એકવાર તો અમારે આ ભીંડાની કઢી તો બનાવવી જ પડે છે. ડુંગળીની સારી સીઝન હોય ત્યારે તેની કઢી પણ બનાવતા જ હોઈએ છીએ અને ઘણીવાર બટેકાની કઢી પણ બનવતા જ હોઈએ છીએ આ બધી ટેસ્ટી અને લિઝતદાર કઢી તમને ટૂંક સમયમાં જ શીખવાડીશ. બસ તમે જોડાયેલા રહો અમારી સાથે અને મારી અવનવી રેસિપી તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરતા રહેજો.

ભીંડા એ એક એવી વસ્તુ છે જે લગભગ બારે મહિના તાજા અને સારા મળતા જ હોય છે એટલે જયારે પણ ઈચ્છા થાય ત્યારે આ કઢી અચૂક બનાવજો. ભીંડાની કઢીમાં ચીકાશ જરાક પણ રહેતી નથી એટલે ચિંતા કર્યા વગર એકવાર જરૂર બનવજો મારી ગેરંટી છે કે ઘરમાં બધાને પસંદ આવશે.

સામગ્રી

 • ગોળ સમારેલા ભીંડા – 250 ગ્રામ
 • જીણા સમારેલા મરચા – 3 નંગ
 • લસણ – 6 થી 7 કળી
 • આદુ – એક નાનો ટુકડો
 • દહીં – એક વાટકી
 • ચણાનો લોટ – અડધી વાટકી
 • તેલ – ભીંડા વધારવા બે ચમચી
 • ઘી – કઢી વધારવા માટે 1 ચમચી
 • ગોળ – એક મોટો ટુકડો આશરે 50 ગ્રામ
 • જીરું – અડધી ચમચી
 • મીઠો લીમડો
 • તજ અને લવિંગ
 • મીઠું – સ્વાદ મુજબ
 • હળદર – અડધી ચમચી
 • હિંગ – એક ચપટી
 • ગરમ મસાલો – એક ચમચી

ભીંડાની કઢી બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા ભીંડા વધારવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકીશું

2. તેલ ગરમ થાય એટલે તેમાં લસણ, આદુ અને જીણા સમારેલા મરચા ઉમેરો.

3. હવે તેમાં ગોળ સમારેલા ભીંડા ઉમેરીશું

4. હવે આ ભીંડામાં થોડું મીઠું ઉમેરીશું અને બધું બરાબર હલાવી લઈશું

5. હવે ભીંડા ચઢે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરીશું, એક બાઉલ કે તપેલીમાં દહીં લો અને તેમાં ચણાનો લોટ ઉમેરો.

6. દહીં અને લોટ બરાબર મિક્સ કરી લો અને બહુ ઘટ્ટ લાગતું હોય તો તેમાં થોડું પાણી પણ ઉમેરી શકો.

7. હવે ભીંડા ચઢી ગયા હશે તો તેમાં દહીં અને ચણાના લોટનું જે મિશ્રણ તૈયાર કર્યું છે એ ઉમેરી દો.

8. હવે આમાં થોડું પાણી ઉમેરો.

9. હવે આમાં મસાલો કરીશું તેમાં ગરમ મસાલો, મીઠો લીમડો અને ગોળ ઉમેરો.

10. હવે એક તરફ આ કઢીને ઉકાળવા માટે મુકવાની છે.

11. હવે એક વાઘરીયામાં ઘી ગરમ કરવા મુકીશું ઘી ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરીને જીરું તતડે એટલે તેમાં હિંગ ઉમેરીશું.

12. હવે આ તૈયાર થયેલ વઘારને ઉકળી રહેલ કઢીમાં ઉમેરી લેવી.

13. હવે ઉકળી જાય એટલે ગેસ બંધ કરીને કઢી પર થાળી કે ઢાંકણું ઢાંકી દો.

14. હવે આ કઢી ખાવા માટે બરાબર તૈયાર છે. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે જમવાના થોડા સમય પહેલા જ કઢી બનાવીએ કેમ કે વારંવાર ગરમ કરીને કઢી ખાવાથી તેનો ટેસ્ટ બદલાઈ જતો હોય છે.

બસ તો આ કઢી તૈયાર છે તેને તમે બાજરીના ગરમાગરમ રોટલા સાથે ખાવ, અમારા ઘરમાં તો બધાને બાજરીનો રોટલો ચોળીને અને તેમાં કઢી અને લસણની ચટણી ઉમેરીને ખાય છે અને સાથે ડુંગળી, તળેલા મરચા અને તમને જે ફાવે તે લઈ શકો છો.

તો કેવી લાગી તમને આ રેસિપી એ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહિ. બાળકો ખાવા માટે આનાકાની કરશે પણ એકવાર ચાખી લેશે તો ખાશે જરૂર. હા બસ તમારે તેમને રોટલો ચોળીને આપવો પડશે.

આવજો ફરી મળીશું એક નવી અને પરફેક્ટ રેસિપી લઈને.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *