ચણા મેથી લસણ અને કેરીનું અથાણું – આપણું ગુજરાતી ભાણું અથાણાં વગર અધૂરું, તો આજે શીખો આ ટેસ્ટી અથાણું બનાવતા…

મિત્રો, કહેવાય છે કે ‘ ગુજરાતી થાળી અથાણાં વિના અઘૂરી છે ‘. ગુજરાતી દરેક ઘરોમાં આખું વર્ષ અથાણાં ખાવામાં આવે છે. દરેક સીઝનમાં જાત જાતના અથાણાં બનાવવામાં આવે છે અને સ્ટોર કરી આખું વર્ષ પીરસવામાં આવે છે. સરસ મજાના અથાણાં હોય તો શાકની પણ જરૂર પડતી નથી. વળી પ્રવાસ કે પિકનિકમાં તો થેપલા કે રોટલી સાથે ખાવાની ખુબ મજા પડે છે.

અત્યારે કેરીની સીઝન છે અને તમે ઘણા બધા અથાણાં તો બનાવ્યા જ હશે. તો આજે હું અથાણાની એક નવી જ રેસિપી બતાવું છું જે છે ચણા મેથી લસણ અને કેરીનું અથાણું. જો તમે આ અથાણું ક્યારેય ના બનાવ્યું હોય તો આ વર્ષે ચોક્કસ બનાવજો. સાવ સરળ રીત છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો બતાવી દઉં કઈ રીતે બનાવશો આ મસ્ત મજેદાર ચણા મેથીનું અથાણું.

સામગ્રી :

500 ગ્રામ કાચી કેરી

75 ગ્રામ મેથી

75 ગ્રામ ચણા

40 ગ્રામ સૂકું લસણ

400 મિલી તેલ

40 ગ્રામ રાઈના કુરિયા

40 ગ્રામ મેથીના કુરિયા

2 મોટી ચમચી મરચું પાવડર

1 મોટી ચમચી હળદર

2 મોટી ચમચી મીઠું

1/2 ચમચી હિંગ

1 – 2 નંગ તજ

5 નંગ લવિંગ

1/2 ચમચી મરી પાવડર

નોંધ : ચણા, મેથી, લસણ તેમજ કેરીનું પ્રમાણ વધારે ઓછું લઇ શકાય તેમજ તિખાશ કે ખારાશ પ્રમાણે લાલ મરચું કે મીઠું પણ વધઘટ કરી શકાય.

રીત :


1) ચણા તેમજ મેથીને ચાર પાંચ પાણીથી ધોઈ લેવાના છે ત્યારપછી સાફ પાણીમાં 7 થી 8 કલાક પલાળી રાખવાના છે. બન્ને અલગ અલગ વાસણમાં પલાળવા તેમજ પાણી પણ પૂરતું લેવું. કેરીના ટુકડાને પણ સાફ પાણીથી ધોઈ, કોરા કરી પછી પોણી ચમચી મીઠું તેમજ અડધી ચમચી હળદર ઉમેરી બરાબર મિક્સ કરી લેવા. કેરીના દરેક ટુકડા પર હળદર તેમજ મીઠાનું લેયર ચડી જાય તે રીતે ઉપર નીચે કરીને મિક્સ કરવા. હળદર તેમજ મીઠું પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે જે અથાણાંને લાંબો સમય સુધી ખરાબ નહિ થવા દે. બરાબર મિક્સ કર્યા બાદ કેરીના ટુકડાને 10 કલાક માટે હળદર મીઠામાં રાખવાના છે. અને વચ્ચે વચ્ચે ટુકડાને હલાવીને ઉપર નીચે કરી લેવા જેથી કેરીના દરેક ટુકડા પણ હળદર મીઠું બરાબર ચડી જાય.


2) 10 કલાક પછી કેરીના ટુકડાને નિતારીને સાફ કોટનના કપડાં પર સુકવી દેવા. કપડાં પણ કેરીના ટુકડાને સ્પ્રેડ કરીને સુકાવવા. આ ટુકડાને રૂમમાં અથવા તડકામાં પાણી સાવ સુકાય જાય ત્યાં સુધી સુકવવાના છે. કેરીના ટુકડામાં જો પાણીનો ભાગ રહી જાય તો અથાણું લાંબો સમય સુધી સારું રહેતું નથી તેમજ જો ટુકડા વધારે સુકાય જાય તો કડક થઇ જાય માટે ટુકડાને પ્રેસ કરતા જો પાણી ના દેખાય ત્યાં સુધી જ સુકાવવા. કેરીના ટુકડા નીતરતા જે પાણી બચે તે સાચવીને કાચની બોટલમાં ભરી ફ્રીઝમાં મૂકી દેવું, આ પાણી આપણે આગળ યુઝ કરવાનું છે. કેરીના ટુકડાને સુકાતા લગભગ દસેક કલાક જેવો સમય લાગે છે.


3) ચણા તેમજ મેથી હવે સરસ પલળી ગયા હશે તો તેમાંથી પાણી નિતારી લેવા અને ત્યારપછી તેમાં કેરીના ટુકડા નીતરતા જે પાણી બચ્યું તે ઉમેરી દેવું. ચણા તેમજ મેથી ડૂબે તેટલું પાણી ઉમેરવું જરૂરી છે. અને ફરી 3 કલાક માટે ઢાંકીને રાખી દેવા.


4) ત્રણેક કલાક પછી ચણા તેમજ મેથીને પણ નિતારી કપડાં પર સ્પ્રેડ કરીને સુકવી દેવી. કેરીના ટુકડા સુકાય જાય પછી અથાણાંના મસાલાની તૈયારી કરવી.


5) હવે આપણે લસણને ગરમ પાણીમાં ડુબાડવાનું છે તો આ માટે તપેલીમાં થોડું પાણી લઈ ગરમ કરવાનું છે. પાણી ફૂલ ઉકળી જાય એટલે તેમાં લસણની કળીઓ નાખી તરત જ ગેસ બંધ કરી દેવો અને આ કળીઓને ગાળી અને પાણી નિતારી લેવું. ત્યારબાદ લસણની કળીઓને વાહરવા દેવી જેથી પાણી સુકાય જાય. લસણને ગરમ પાણીમાં બોળવાથી અથાણામાં લસણની સ્મેલ આવતી નથી અને અથાણું લાંબો સમય સુધી ખરાબ થતું નથી.


6) હવે તેલને ધુમાડા નીકળતું ગરમ કરવું અને પછી ઠંડુ પડવા દેવું.


7) તેલ ઠંડુ પડે ત્યાં સુધીમાં એક મોટા વાસણમાં રાઈ, મેથી, હિંગ તેમજ તજ અને લવિંગ લેવા. તેલ નવશેકું ગરમ હોય ત્યારે આ મસાલામાં ઉમેરવું. તેલ એકીસાથે ના ઉમેરતા થોડું થોડું ઉમેરવાનું છે તો મસાલો ડૂબે તેટલું ઉમેરવું. તેલ થોડું ગરમ હોય ત્યારે ઉમેરવાથી મસાલા સરસ ફ્રાય થઈ જાય છે.


8) મસાલાને ચમચાથી હલાવીને મિક્સ કરી લો. અને ત્યારપછી આ મસાલાને સાવ ઠંડો થવા દો.


9) આપણે લીધેલ મેથી પણ કાચી છે તો તેને એક બાઉલમાં લઈ તેના પર પણ થોડું નવશેકું તેલ રેડો જેથી મેથી પણ શેકાય જાય. આમ કરવાથી અથાણાની લાઈફ વધે છે.


10) મસાલો ઠંડો પડે એટલે તેમાં હળદર, મીઠું, મરી, કેરીના ટુકડા, લસણ, ચણા તેમજ મેથી ઉમેરી બરાબર મિક્સ કરી લો. મેથીને તેલ સાથે જ ઉમેરી દેવું અને જરૂર પ્રમાણે તેલ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. જરૂર જણાય તો મીઠું તેમજ લાલ મરચું વધારે ઉમેરી લેવું.


11) બધું બરાબર મિક્સ કરી લીધા બાદ આ અથાણાંને સાફ કાચને બોટલમાં ભરી ઉપરથી અથાણું ડૂબે તેટલું તેલ ઉમેરવું. અથાણામાં તેલ પૂરતું હોવું જરૂરી છે જેથી અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. આ અથાણું 8 થી 10 દિવસ પછી ખાઈ શકાય જેથી કડવું ના લાગે. અથાણું બનાવવામાં જો પૂરતી ચોકસાઈ રાખવામાં આવે તો અથાણું એક વર્ષ કરતા પણ વધુ સમય સારું રહે છે.


તો મિત્રો તૈયાર છે આ સ્વાદિષ્ટ ચણા,મેથી, લસણ તેમજ કેરીનું અથાણું. તો તમે પણ બનાવજો અને સાથે કેવું બન્યું તે મને અચૂક કમેન્ટ કરજો. અથાણું બનાવતા પહેલા નીચે આપેલ વિડીયો જોઈ લેજો જેથી અથાણું બનાવવામાં સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

વિડીયો જોવા આ લિંક પર ક્લિક કરો :

Join the discussion

Your email address will not be published. Required fields are marked *