ચણાદાળ પુલાવ – સાદો વઘારેલો ભાત કે બટેકા ભાત તો બનાવતા અને ખાતા જ હશો હવે બનાવો આ ખાસ પુલાવ..

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું એક નવીન પુલાવ બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. હા, પુલાવ એક એવી વાનગી છે જે લગભગ દરેક ઘરમાં બનતો હોય છે સાઈડ વાનગી કોઈપણ હોય છોલે પુરી, પાઉંભાજી, પંજાબી અરે આમારા ઘરમાં તો સાઉથ ઇન્ડિયન જમવાનું બનાવીએ તો પણ પુલાવ કે ખીચડી તો જોઈએ જ.

આ પુલાવ બનાવવો બહુ સરળ છે તેમાં બહુ બધા મસાલા પણ નથી પડતા એટલે આ પુલાવ ફટાફટ તૈયાર થઇ જશે. પુલાવ માટે બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે ચોખા બાસમતી જ લઈએ એના એ લાંબા દાણા પુલાવમાં બહુ સરસ લાગતા હોય છે. હવે એક ખાસ ટીપ જયારે તમે કૂકરમાં પુલાવ બનાવવા માટે પાણી ઉમેરો ત્યારે પાણી તમે વિચાર્યું હોય એનાથી થોડું ઓછું જ ઉમેરવું એટલે પુલાવ એકદમ પરફેક્ટ બનશે અને જો હજી ખ્યાલ ના આવે તો કૂકરમાં પાણી ઉમેરવાનું આવે ત્યારે તમારી આંગળીનો એક વેઢ ડૂબે એટલું પાણી ઉમેરવું. (ચોખા પર આંગળી ઉભી રાખવી અને અને એક વેઢ સુધી પાણી આવે એટલું પાણી ઉમેરવું.)

સામગ્રી

  • ચણાદાળ – અડધો કપ
  • બાસમતી ચોખા – એક કપ
  • લીલા મરચા – 3 નંગ
  • ડુંગળી – બે નંગ
  • બટાકા – બે નંગ
  • તેલ – વઘાર કરવા માટે
  • જીરું – એક ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • હિંગ – એક ચપટી
  • ગરમ મસાલો – અડધી ચમચી
  • તજ પાવડર – અડધાની અડધી ચમચી
  • લવિંગ – બે નંગ
  • તમાલપત્ર – એક પાન
  • મીઠો લીમડો – ત્રણ ચાર પાન
  • જાવંત્રી – એક ફૂલ
  • દગડ ફૂલ – એક નંગ

સામગ્રી માટે નોંધ : તેજાના બધા ઓપશનલ છે નહિ ઉમેરો તો પણ ચાલશે.

દાળ પુલાવ બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા આપણે દાળને પલાળી રાખવી પડશે એટલે દાળને પહેલા બે ત્રણ વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવી અને પછી તેને અડધો કલાક સુધી પલાળી રાખો.

2. દાળ હવે બરાબર પલળી ગઈ હશે હવે આપણે આ પુલાવ વધારવા માટેની તૈયારી કરીશું.

3. એક કૂકરમાં પુલાવ વધારવા માટે તેલ ગરમ મુકીશું

4. હવે તેલમાં જીરું ઉમેરો. જીરું ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, લવિંગ અને બાકીના તેજાના મસાલા ઉમેરો.

5. બધા મસાલા થોડા ગરમ થાય એટલે તેમાં લીલા મરચા ઉમેરો, આ પુલાવમાં લાલ મરચું ઉમેરવાનું નથી એટલે જો તમારે પુલાવ તીખો ખાવો હોય તો લીલા મરચા વધારે લઈ શકો.

6. હવે આમાં સમારેલા ડુંગળી અને બટાકા ઉમેરીશું. બધું બરાબર હલાવી લઈશું.

7. હવે તેમાં પલાળેલી દાળ ઉમેરો અને બરાબર હલાવી લો

8. દાળ ઉમેરીને કૂકરમાં બાસમતી ચોખાને પણ બે થી ત્રણ વાર ધોઈને ઉમેરી લો. હવે સાથે સાથે ગરમ મસાલો અને મીઠું પણ ઉમેરી લઈશું

9. હવે કૂકરમાં પાણી ઉમેરો. અને બધું બરાબર હલાવીને મિક્સ કરી લો. (પાણી બહુ સાચવીને ઉમેરજો જો વધારે પાણી પડી જશે તો પુલાવ જોઈએ એવો છૂટો નહિ થાય.)

10. હવે બે સીટી વાગશે એટલે પુલાવ તૈયાર થઇ જશે કુકર ખોલતાની સાથે જ તેમાંથી મસ્ત સુગંધ આવશે.

બસ તો તૈયાર છે આ સ્પેશિયલ ચણાની દાળનો પુલાવ. આ પુલાવ સાથે રાયતું અથવા મીઠું ઉમેરેલું દહીં પણ ખુબ ટેસ્ટી લાગી છે. તો હવે જયારે પણ પુલાવ બનાવવાનું વિચારો તો આ પુલાવ એકવાર જરૂર બનાવજો મને ખાતરી છે કે ઘરમાં બધાને પસંદ આવશે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *