ચણાના લોટની સ્વાદિષ્ટ દાળ ઢોકળી ખાશો તો તમે તમારી રેગ્યુલર દાળ ઢોકળી ભુલી જશો..

દાળ ઢોકળી તો લગભગ મોટા ભાગના ગુજરાતીઓના ઘરે અઠવાડિયે પંદર દિવસે બનતી જ હોય છે પણ જો તમે ઢોકળી ઘઉંના લોટની નહીંને ચણાના લોટની બનાવશો તો તમને દાળ ઢોકળીની એક નવી જ પણ સ્વાદિષ્ટ વેરાયટી માણવા મળશે. તો સ્વાદિષ્ટ ચણાના લોટની દાળ ઢોકળી બનાવવા માટે રેસીપી નોંધી લો.

ચણાના લોટની દાળ-ઢોકળી બનાવવા માટેની સામગ્રી

½ કપ તૂવેરની દાળ (બાફી લેવી)

1 ½ કપ ચણાનો લોટ

એક નાનુ ટામેટું જીણું સમારી લેવું.

2 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ

કોથમીર

મીઠા લીંમડાના પાન

1 ½ ચમચી લાલ મરચુપાઉડર

1 ચમચી ધાણા જીરુ પાઉડર

½ ચમચી હળદર

½ ચમચી ગરમ મસાલો

વઘાર માટે રાઈ, જીરુ, હીંગ,

સ્વાદ પ્રમાણે મીઠુ

તેલ જરૂરિયાત પ્રમાણે.

ચાણાના લોટની દાળ-ઢોકળી બનાવા માટેની રીત

સૌ પ્રથમ તો દાળને તમે રેગ્યુલર બાફતા હોવ તેમ બાફી લેવી. અહીં દાળમાં થોડી હળદર થોડું તેલ નાખીને બાફીને તેને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લીધી છે.

હવે સૌ પ્રથમ ઢોકળી બનાવવા માટે ઢોકળીનો લોટ તૈયાર કરવો. તેના માટે ડોઢ કપ ચણાનો લોટ ઉમેરી દેવો, હવે તેમા અરધી ચમચી ધાણાજીરુ, અરધી ચમચી લાલમરચુ પાઉડર, અરધી ચમચીથી ઓછી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી બધી જ સામગ્રીને હાથેથી મીક્સ કરી લેવી.

હવે બધું જ હાથેથી મિક્સ કરી લીધા બાદ તેમાં 2-3 ચમચી તેલ ઉમેરી દેવું અને તેને ફરી હાથેથી મસળીને મિક્સ કરી લેવું. અહીં તમે તલ તેમજ જીરુ પણ ઉમેરી શકો છો.

હવે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરીને લોટ બાંધી લેવો. ચણાનો લોટ હોવાથી વારંવાર હાથે ચોંટી જશે. આ લોટ તમારે મીડીયમ સોફ્ટ બાંધવાનો છે.

હવે લોટ બંધાઈ જાય એટલે ચોંટેલો લોટ ઉખાડવા માટે અરધી ચમચી તેલ ઉમેરીને તેને મસળી લેવો.

તો આ રીતે લોટને મીડીયમ સોફ્ટ બાંધી લેવો. લોટને કાઠો ન બાંધવો નહીંતર ઢોકળીને ચડતા વાર લાગે છે.

હવે દાળ વઘારવા માટે એક મોટી તપેલી લેવી તેને ગેસ પર ગરમ કરવા મુકી દેવી. તેમાં એક ચમચો તેલ ઉમરવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરી દેવી રાઈ બરાબર ફુટી જાય એટલ તેમાં હીંગ, જીરુ અને મીઠા લીંમડાના પાન ઉમેરી દેવા.

હવે તેમાં આદુ-લસણ અને મરચાની પેસ્ટ ઉમેરી દેવી તેને બરાબર હલાવી લેવી અને થોડીવાર સાંતળી લેવી. ગેસ મિડિયમ રાખવો.

હવે લસણ સંતળાઈ ગયા બાદ તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરી દેવા. ટામેટા એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને સાંતળી લેવા.

હવે ટામેટા સોફ્ટ થઈ ગયા બાદ તેમાં મસાલા કરી લેવા. જેના માટે તેમાં લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરુ અને ગરમ મસાલો ઉમેરીને બધું જ બરાબર હલાવી લેવું અને ધીમા તાપે સાંતળી લેવું.

પાણી બધું ઉડી જતું હોય અને મસાલા ન બળી જાય એટલે તેમાં થોડું પાણી ઉમેરી તેને બરાબર સંતળાવા દેવું.

હવે બધું જ બરાબર સંતળાઈ જાય અને તેલ છુટ્ટુ પડવા લાગે એટલે તેમાં બાફેલી દાળ ઉમેરી દેવી. અને તેને બરાબર હલાવીને મિક્સ કરી લેવું.

હવે તેમાં એક ગ્લાસ જેટલું બીજુ પાણી ઉમેરી દેવું હવે તેની સાથે સાથે જ સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરી દેવું અને દાળને બરાબર ઉકળવા દેવી.

હવે ઢોકળી બનાવવા માટે એક મોટો લુઓ લેવો તેને થોડું અટામણ લઈ ડસ્ટ કરી લેવો. અને હળવા હાથે તેની રોટલી વણી લેવી. ચણાનો લોટ હોવાથી લોટ ચોંટશે. પણ અટામણ લેવાથી તકલીફ નહીં પડે. અને સ્વાદે ઘઉંના લોટની ઢોકળી કરતાં ચણાના લોટની ઢોકળી વધારે સારી લાગે છે.

હવે રોટલી વણાઈ ગયા બાદ તમને જે સાઇઝની ઢોકળીઓ જોઈએ તેવી ઢોકળી છરીથી કાપી લેવી.

આ દરમિયાન દાળ પણ બરાબર ઉકળી ગઈ હશે હવે ઉકળતી દાળમાં જ એક-એક કરીને ઢોકળી ઉમેરતા જવી.

ચણાના લોટની ઢોકળી ચડતા વાર લાગે છે. હવે ફરી ઢોકળી બરાબર ચડે તે માટે અરધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી લેવું. હવે તેને મિડિયમ ગેસ પર દસથી પંદર મીનીટ ઉકળવા દેવું.

તો તમે તસ્વીરમાં જોઈ શકો છો કે ઢોકળી ચડી ગઈ છે.

હવે તેમાં જીણી સમારેલી એક-બે ચમચી કોથમીર ઉમેરી દેવી અને દાળને હલાવી લેવી.

તો તૈયાર છે ચણાના લોટની સ્વાદિષ્ટ ઢોકળી. તો હવેની વાર જો તમે દાળ ઢોકળી બનાવવાના હોવ તો ચણાના લોટની ઢોકળી બનાવી જરા ટેસ્ટ કરી જોજો ખુબ જ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણીઃ ક્રીતીકા બેન

ચણાના લોટની સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવવા માટેનો વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *