ચેટ્ટીનાડ સ્ટાઇલ બટેટા નું શાક – સાદું બટેટાનું શાક તો તમે ખાતા જ હશો, એકવાર આ સ્ટાઈલથી બનાવજો, આંગળા ચાટતા રહી જશે બધા..

બટેટા નું શાક તો આપણે સૌ એ ખાધું જ છે અને ઘણી બધી રીતે આપણે બનાવતા જ હોઈએ. ચાલો આજે એ જ મનપસંદ શાક બનાવીએ કાંઈક જુદી રીતે…ચેટ્ટીનાડ , તામિલનાડુ નો એક પ્રદેશ છે જેની વાનગીઓ ખૂબ જ પ્રખ્યાત છે એના એક આગવા સ્વાદ માટે. આ વાનગીઓ ખૂબ જ ફ્લેવરફુલ, એકદમ તીખી અને ચટપટી હોય.

સામગ્રી :

• 4 નંગ બટેટા

• 1 મોટી ડુંગળી

• થોડા લીમડા ના પાન

• 4 થી 5 ચમચી તેલ

• 1 ચમચી ચણા ની દાળ

• 1 ચમચી અડદ ની દાળ

• 1 ચમચી રાઈ

• 1/2 ચમચી હિંગ

• 2 થી 3 લાલ સૂકા મરચા

• 1.5 ચમચી લાલ મરચું

• 2/3 ચમચી હળદર

• 1 ચમચી ધાણાજીરું

• મીઠું

• 1 ચમચી આંબલી નો પલ્પ

રીત :

સૌ પ્રથમ બટેટા ને ધોઈ , કુકર માં બાફી લો. બફાય ગયા પછી થોડા ઠરે એટલે મોટા ચોરસ ટુકડા કરી લો. ડુંગળી ની પણ લાંબી સ્લાઈસ કરી લેવી.

કડાય માં તેલ ગરમ કરો. હવે એમાં ચણા ની દાળ , અડદ ની દાળ અને લાલ સૂકા મરચા ઉમેરો. લાલ સૂકા મરચા ને તોડી ને કટકા કરી ને ઉમેરવા. આમ કરવા થી તીખાશ વધુ પકડશે . બંને દાળ બ્રાઉન કલર ની થાય ત્યાં સુધી શેકવી..

ત્યારબાદ એમાં રાઇ ઉમેરો. રાઇ તતળી જાય એટલે હિંગ ઉમેરી સ્લાઈસ કરેલી ડુંગળી અને લીમડો ઉમેરો. મધ્યમ આંચ પર સાંતળો. થોડું મીઠું ભભરાવો… ડુંગળી અધકચરી શેકાય જાય પછી ગેસ ફૂલ કરી ને શેકો જેથી ડુંગળી પોચી બનવા ને બદલે ક્રિસ્પી બનશે …

ડુંગળી ક્રિસ્પી થાય એટલે એમાં મરચું , હળદર , ધાણાજીરું અને બટેટા ના ભાગ નું મીઠું ઉમેરો. મધ્યમ આંચ પર 30 સેકેન્ડ માટે શેકો અને બાફેલા બટેટા ઉમેરો.

સરસ રીતે મિક્સ કરો.. બધો જ મસાલો બટેટા ને કવર થઈ જવો જોઈએ. ત્યારબાદ શાક માં આમલી નો પલ્પ ઉમેરી મિક્સ કરો. મિકસ કર્યા બાદ ગેસ બંધ કરી દો… આપ ચાહો તો થોડી બારીક સમારેલી કોથમીર થી સજાવટ કરી શકો.

આ શાક આપ રોટલી , પરાઠા સાથે પીરસી શકો. દક્ષિણ માં આ શાક રસમ ભાત જોડે પીરસાય છે. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *