છોલે મેથી – આ શાક આપ રોટલી , પરાઠા કે જીરા રાઈસ સાથે પીરસી શકો છો.

મેથી બજાર માં મળતી હોય ત્યાં સુધી દરેક ના ઘર માં આ ભાજી તો વપરાશ એક નહિ તો બીજા સ્વરૂપે થવાનો જ. .મારા ઘર માં પણ આ ભાજી ખૂબ જ પ્રિય છે . સિઝન માં રીંગણ મેથી , આલુ મેથી , મુઠીયા વિગેરે વિગેરે ઘણું બનાવ્યું આજે બનાવીશું ફટાફટ બનતું , ખૂબ જ સ્વાદિષ્ટ છોલે મેથી..

આ શાક આપ રોટલી , પરાઠા કે જીરા રાઈસ સાથે પીરસી શકો છો.

સામગ્રી :

• 1 વાડકો કાબુલી ચણા

• 3 વાડકા તાજી લીલી મેથી

• 1 તજ પત્તુ

• 2 ઈલાયચી

• 2 લવિંગ

• 1 લાલ સૂકું મરચું

• 1 ચમચી જીરું

• 1/4 ચમચી રાઈ

• 2 ડુંગળી

• 2 ટામેટા

• 5 થી 6 લસણ ની કળી

• 2 ચમચી સુધારેલું આદુ

• મીઠું

• 2 ચમચી લાલ મરચું

• 1 ચમચી હળદર

• 2 ચમચી ધાણાજીરુ

• 1/2 ચમચી ગરમ મસાલો (optional)

• 4 ચમચી તેલ

• સ્વાદ મુજબ લીંબુ નો રસ

રીત :

સૌ પ્રથમ કાબુલી ચણા ને ધોઈ , પૂરતા પાણી માં 6 થી 7 કલાક કે આખી રાત પલાળી રાખો..ચણા પલળી જાય બાદ માં ફરી 1 વાર ચોખ્ખા પાણી માં ધોઈ લો. લીલી તાજી મેથી ને પણ વીણી ને ધોઈ લેવી. થોડી કોરી પડે એટલે roughly સુધારી લો. બારીક સુધારવાની જરૂર નથી.

ક્રશર માં ડુંગળી , લસણ અને આદુ એકદમ બારીક ક્રશ કરી લો. ક્રશર ના હોય તો એકદમ બારીક સમારી લેવું..

પોહળા કુકર માં તેલ ગરમ કરો. એમા તજ પત્તુ , લવિંગ , ઈલાયચી અને સૂકું મરચું ઉમેરો… ત્યારબાદ રાઈ અને જીરુ ઉમેરી એમાં બારીક સમારેલા ડુંગળી , લસણ અને આદુ ઉમેરો.

ડુંગળી , લસણ સરસ શેકાય જાય એટલે બારીક સમારેલા ટામેટા ઉમેરો. બધું સરસ રીતે મધ્યમ આંચ પર સાંતળો.. હવે એમા મીઠું અને બધા મસાલા ઉમેરી એકાદ મિનિટ માટે સાંતળો.

ત્યારબાદ એમાં પલાળેલા કાબુલી ચણા અને મેથી ઉમેરો.

મધ્યમ આંચ પર સરસ મિક્સ કરતા જાઓ. આપ જોશો કે મેથી સોફ્ટ થશે અને થોડું પાણી છોડશે. જ્યારે બધા મસાલા ચણા અને મેથી સાથે મિક્સ થઈ જાય 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરો.

ઉકાળવા માંડે એટલે કુકર બંધ કરી મધ્યમ આંચ પર 4 થી 5 સીટી વગાડો. ગેસ બંધ કરી એની જાતે ઠરવા દો. કુકર ઠરે એટલે ખોલી સરસ મિક્સ કરી સ્વાદ મુજબ લીંબુ નો રસ ઉમેરવો અને જરૂર પ્રમાણે મસાલા adjust કરવા.

ગરમ ગરમ પીરસો. આશા છે પસંદ આવશે.

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *