છોલે પુલાવ – હવે જયારે પણ ઘરે કોઈ નાનકડો પ્રસંગ હોય તો આ વાનગી જરૂર બનાવજો, ટેસ્ટી અને મસાલેદાર…

હેલો ફ્રેન્ડઝ, તમે વેજ પુલાવ, તવાપુલાવ, પીસ પુલાવ કૉનપુલાવ વગેરે ખાધા જ હશે આજ હું તમને એક એકદમ અલગ અને એકદમ સ્વાદિષ્ટ છોલે પુલાવ બનાવતા શીખવાડીશ. આ પુલાવ બનાવવા માટે એકદમ સામાન્ય સામગ્રી જોશે જે બધા ના રસોડે સરળતા થી મળી રહેશે. છોલે એ એક એવી વાનગી છે જે નાના મોટા દરેકને ભાવતા હોય છે, આજ આ છોલે માથી એક “વન મીલ”બનાવીશુ જેના માટે તમારે ન તો ગ્રેવી બનાવવા ની જરૂરત છે કે ન તો પુરી પરાઠા વણવા ની જરુર. તો ચાલો નોંધી લો સામગ્રી,

@સામગ્રી –

* 11/2 કપ બાફેલા છોલે

* 2 કપ બાસમતી ચોખા (જુના)

*1 મિડિયમ સાઈઝ નુ બટાકુ

*2 મિડિયમ સાઈઝ ના કાંદા

*1 ટે. સ્પુન લાલ મરચાંનો પાઉડર

*1/2 ટે. સ્પુન છોલે મસાલો

*1/2 ટે. સ્પુન ગરમ મસાલો

*1/2 ટે. સ્પુન ધાણાજીરું

*1/4 ટે. સ્પુન હળદર

*1 ટે.સ્પુન જીરુ

*2-3 નંગ તમાલ પત્ર

*2-ટે.સ્પુન ઘી

*2-ટે.સ્પુન તેલ

*1- ટે, સ્પુન લીંબુનો રસ

*સ્વાદ અનુસાર મીઠું

*કસુરી મેથી

*કોથમીર

@ રીત —સૌ પ્રથમ બટાકા ને છાલ કાઢી ને નાના નાના ટુકડાઓ કરી લો અને કાંદા ના પણ નાના નાના ટુકડાઓ કરી લો.

1-ત્યાર બાદ એક પેનમાં થોડું તેલ અને ઘી ગરમ કરવા મૂકો ગરમ થાય એટલે તેમાં જીરૂ અને તમાલ પત્ર નાખો ત્યાર બાદ તેમાં કાંદા નાખી ને તેને 2 મિનિટ સુધી સાંતળો.


2- કાંદા ને 2 મિનીટ સાંતળી ને તેમા સમારેલા બટાકા ના ટુકડા નાખો અને તેને પણ 2-3 મિનિટ સુધી સાંતળી લો.


3- કાંદા બટાકા સંતળાઈ જાય એટલે તેમાં બાફેલા છોલે ઉમેરો, અને સાથે સાથે લાલ મરચુ, હળદર, ધાણા જીરૂ, છોલે મસાલો અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો થોડી વાર મસાલા ને સાંતળો.


4–ત્યાર બાદ તેમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરો અને તેને હળવા હાથે મિક્સ કરી લો.


5-ત્યાર બાદ તેમાં 2 1/2 કપ જેટલુ પાણી ઉમેરીને તેને બરાબર મિક્સ કરી ને તેને ઉપર ઢાંકણ ઢાંકી ને સીઝવા દો, ગેસ ની ફ્લેમ ધીમી જ રાખવી, 10 મિનીટ સુધી ચઢવા દો. વચ્ચે વચ્ચે ચેક કરી લો અને જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.


6– ચોખા ચઢી જાય એટલે તેમાં કસુરી મેથી અને કોથમીર થી ગારનીશ કરી ને ગરમા ગરમ પીરસો સાથે કાંદા ટમેટા નુ સલાડ અને દહીં સાથે આનંદ માણો.

@ ટીપ —


*બાસમતી ચોખા જુના જ લેવા, નવા ચોખા રાંધતી વખતે છુટા નહી થાય.

* જૈન લોકો અથવા જે લોકો કાંદા બટાકા નથી ખાતા તે લોકો કાંદા બટાકા ની બદલે કેપ્સીકમ નાખી ને બનાવી શકે છે.

* મસાલા પણ તમે તમારા સ્વાદ અનુસાર ઓછા વધતા કરી શકો છો.

*1/2 કપ છોલે ચણા (કાબુલી ચણા) પલાળશો તો તે 11/2 કપ જેટલા પલળી ને થઇ જશે. અથવા જ્યારે કોઇવખત છોલે બનાવતા છોલે એકસ્ટ્રા હોય તો આ પુલાવ બનાવી શકો છો.

@ધ્યાનમાં રાખવા ની બાબત —

* ચોખા મા જરૂર પુરતુ પાણી ઉમેરો, બધુ પાણી એક સાથે જ ના ઉમેરવુ, કેમકે દરેક પ્રકારના ચોખા એક જ માપ થી પાણી નથી જોઈતું, ચોખા જેટલા જુના હશે તેમ પાણી નુ પ્રમાણ વધારે જોઈએ છીએ. તો ચાલો તમે બનાવો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી પુલાવ અને હુ કરુ બીજી રેસીપી ની તૈયારી ત્યાં સુધી બાય અને હા તમારો ફીડબેક આપવાનુ ભુલતા નહી.

રસોઈની રાણી : અલ્કા જોષી (મુંબઈ)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *