છોલે ભટુરે – પંજાબી હોટલ અને ઢાબા પર મળે છે એવા જ છોલે હવે તમે પણ બનાવી શકશો.

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું છોલે બનાવવા માટેની સરળ અને મસાલેદાર રેસિપી. આમ તો આપણે છોલે બનાવતા જ હોઈએ છીએ જેમાં ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરીને વઘારતા હોઈએ છીએ પણ આજે જે રેસિપી હું તમને જણાવવાની છું એ છે બહાર હોટલ અને ઢાબા પર મળતા છોલેની. આ ચણા થોડા શ્યામ રંગના બનતા હોય છે અને તેની સાથે ભટુરે એટલે કે મેંદાની પુરી ખવાતી હોય છે તો આજે હું તમને પહેલા છોલે બનાવતા શીખવીશ. તો ચાલો ફટાફટ શીખી લઈએ આ છોલે બનાવવા માટેની રેસિપી.

સામગ્રી

  • કાબુલી ચણા – 250 ગ્રામ
  • હૂંફાળું ગરમ પાણી – જરૂર મુજબ ચણા પલાળવા
  • લવિંગ – ત્રણ થી ચાર નંગ
  • દગડફૂલ – એક ફૂલ
  • જાવંત્રી – એક નંગ
  • તજ – બે નાના ટુકડા
  • ચાની ભૂકી – એક ચમચી
  • મીઠું – સ્વાદ મુજબ
  • જીણી સમારેલી ડુંગળી – બે નંગ મીડીયમ સાઈઝ
  • ટામેટાની પ્યુરી – બે નંગ મીડીયમ સાઈઝના ટામેટા લેવા
  • લસણની પેસ્ટ – એક ચમચી
  • આદુ – એક નાનો ટુકડો
  • હળદર – અડધાની અડધી ચમચી
  • લાલ મરચું – અડધી ચમચી
  • ધાણાજીરું – અડધી ચમચી
  • છોલે મસાલો – દોઢ ચમચી
  • કસૂરી મેથી – એક ચમચી

1. સૌથી પહેલા ચણાને આપણે પલાળવા પડશે તો તેના માટે પણ એક પરફેક્ટ રીત છે. પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મુકો.

2. હવે એક વાસણમાં ચણા કાઢી લો. તેમાં કોઈ ચણા બગડેલા કે સડેલા નથી તેની ખાસ તકેદારી રાખજો મતલબ કે પલાળતાં પહેલા એકવાર નજર કરી લેવી કે કોઈ ચણો કાણા વાળો તો નથી ને.

3. હવે એ પાણીને હૂંફાળું જ ગરમ કરવાનું છે. અને તેને ગરમ થાય એટલે ચણા કાઢેલ વાસણમાં ઉમેરી દો. હવે એ ચણાના વાસણને ઢાંકીને 4 થી 5 કલાક માટે મૂકી દો.

4. 4 થી 5 કલાક પછી ચણા પરફેક્ટ પલળી ગયા હશે. હૂંફાળા ગરમ પાણીમાં પલાળવાને લીધે એકપણ ચણો કાચો રહેશે નહિ.

5. હવે એ ચણાને બાફવા માટેની પ્રોસેસ કરીશું આમ તો તમે તેને ડાયરેક્ટ પણ બાફવા મૂકી શાકોપં આજે આપણે સાદા છોલે નથી બનાવવાના આજે આપણે બહાર હોટલ અને ઢાબામાં મળે છે એવા છોલે ભટુરે વાળા છોલે બનાવવાના છે. એટલે તેના માટે ચણાને બાફીએ ત્યારે તેની સાથે એક પોટલી મુકીશું જેમાં અમુક મસાલા હશે જેના લીધે ચણાનો રંગ બદલાઈ જશે અને સુગંધ પણ પરફેક્ટ આવશે.

6. એક સફેદ કોટનના કપડાનો નાનો અને લંબચોરસ ટુકડો લો. તમે કોઈ જૂનો ઘસાઈ ગયેલ રૂમાલ પણ લઈ શકો. હવે તેને પાથરો અને તેમાં ફોટોમાં બતાવ્યા પ્રમાણેના મસાલા મુકો. આ કપડાં પર મેં અહીંયા લવિંગ, દગડફૂલ, જાવંત્રી, ચા અને તજનો પાવડર લીધો છે તમે તજ પણ ઉમેરી શકો.

7. હવે એક કૂકરમાં પલાળેલા ચણા લો અને તેમાં સાથે એક તમાલપત્ર અને મીઠું ઉમેરો.

8. હવે આ સાથે કૂકરમાં આપણે તૈયાર કરેલ પોટલી પણ મુકીશું. હવવે આ કૂકરમાં પ્રમાણસર પાણી લઈને તેને બાફવા માટે મુકો. ત્રણ થી ચાર સિટીમાં પરફેક્ટ ચણા બફાઈ જશે.

9. હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મુકીશું. અને તેમાં અજમો ઉમેરીશું.

10. હવે એ તેલમાં આપણે જીણી સમારેલી ડુંગળી ઉમેરીશું.

11. હવે તેમાં ક્રશ કરેલ લસણ અને આદુ છીણી લઈશું.

12. હવે આ મિશ્રણમાં મસાલો કરીશું તેના માટે તેમાં હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો.

13. હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરીશું.

14. બધું બરાબર હલાવી લેવાનું છે અને હવે તેમાં છોલેચણાનો તૈયાર મસાલો અને આ તૈયાર થયેલ ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરીશું.

15. બધું બરાબર મિક્સ કરી લો અને પછી જયારે તેમાંથી તેલ છૂટવાની શરૂઆત થાય એટલે તેમાં આપણે કસૂરી મેથી ઉમેરીશું. કસૂરી મેથીને હાથમાં થોડી મસળીને ઉમેરવાની છે.

16. બધું બરાબર હલાવી લો અને તમે અનુભવજો થોડી જ વારમાં ગ્રેવીની મસ્ત સુગંધ તમારા ઘરમાં ફેલાઈ જશે.

17. હવે આમાં આપણે બફાઈ ગયેલ ચણા ઉમેરીશું. ચણા ઉમેરો એ પહેલા બફાઈ ગયેલ ચણાના કુકરમાંથી પેલી પોટલી કાઢી લેવી.

18. ચણા ઉમેરો તેની સાથે ચણા બાફતા જે પાણી વધ્યું હોય એ પણ તેમાં ઉમેરી દેવું. અને જો પાણી ના વધ્યું હોય તો સાદું પાણી ઉમેરવું.

19. બસ હવે આ ચણાને ખદખદવા દેવાના છે થોડો રસો જાડો થાય એટલે સમજો કે તમારા છોલે ચણા તૈયાર છે.

ભટુરે બનાવવા માટેની પરફેક્ટ રેસિપી શીખવા અહીંયા ક્લિક કરો.

હવે તમે આ ચણાને ભટુરે અને જીરા રાઈસ સાથે ખાઈ શકો છો. તો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *