ચોકલેટ મેંગો ડીલાઈટ – ઘરે જ બનાવો અને બાળકોને ખુશ કરી દો, ચોકલેટ કપ ખાઈને બાળકો ખુશ થઇ જશે…

ચોકલેટ મેંગો ડીલાઈટ

આ આઇસ્ક્રીમ એક ઝડપી બનતું વર્ઝન છે. બહાર મળતા આઈસ્ક્રીમ બહુ કેલરી અને ભેળસેળ વાળા હોય છે. તો ચાલો આ સિઝન માં બાળકો ને આપો ઘર નો તાજો અને ખૂબ જ સ્વાદિષ્ટ મેંગો આઈસ્ક્રીમ.

આ આઈસ્ક્રીમ મેં ચોકલેટ ના કપ માં પીરસ્યા છે. એટલે બાળકો આ મસ્ત આઈસ્ક્રીમ ખાઈ ને કપ પણ ખાય શકે. બાળકો ને ડબલ મઝા..

તો ચાલો આજે જોઈએ ખૂબ જ સરળ રીતે બનતો મેંગો આઈસ્ક્રીમ અને ચોકલેટ કપ .

સામગ્રી ::

• 4 પાકી કેરી

• 3/4 વાડકો લો ફેટ ક્રીમ

• 4 મોટી ચમચી મિલ્ક પાવડર

• 3 ચમચી ખાંડ

રીત :

સૌ પ્રથમ જે વાસણ માં આઈસ્ક્રીમ મુકવો છે , એને ઓછા માં ઓછી 40 મિનિટ માટે ફ્રીઝર માં મુકો.. એ વાસણ એકદમ ચિલ્ડ થઈ જવું જોઈએ. આમ કરવા થી આઈસ્ક્રીમ પ્રોસેસ થોડી ઝડપી થશે.


કેરી ને ધોઈ , એની છાલ ઉતારી, નાના કટકા કરો. મિક્સર માં નાના કટકા , ખાંડ , ક્રીમ ભેગું કરી સરસ બ્લેન્ડ કરો.


બ્લેન્ડ કરવાથી એકદમ સ્મૂધ થઈ જશે. હવે આ સ્મૂધ મિશ્રણ ને ફ્રીઝર માં મુકેલા વાસણ માં 3 થી 4 કલાક માટે ફ્રીઝર માં મૂકી દો.


ત્યારબાદ બધો જામેલો આઈસ્ક્રીમ મિક્સર માં કાઢો અને મિલ્કપાવડર સાથે બ્લેન્ડ કરો. ખૂબ સ્મૂધ બ્લેન્ડ કરો. હવે તમે જોઈ શકશો કે મિશ્રણ ખૂબ જ સ્મૂધ અને fuffy થઈ જશે.


હવે આ મિશ્રણ મા કોઈ પણ જાત ના આઈસ કટકા જોવા નહી મળે. સારા આઈસ્ક્રીમ માટે આઈસ ની કણી ના જ બનવી જોઈએ. હવે ફરી આઈસ્ક્રીમ વાળા વાસણ માં કાઢી આખી રાત ફ્રીઝર માં જામવા દો. બીજા દિવસે તૈયાર છે આપણો ઓછી કેલરી વાળો મેંગો આઈસ્ક્રીમ…


હવે બનાવીએ ચોકલેટ કપ. આ કપ બનાવવા માં ખૂબ જ સરળ છે. જેટલા સરળ એટલા જ સ્વાદિષ્ટ.. અરે, ચોકલેટ કોને ના ભાવે !!

સામગ્રી ::

• 3/4 વાડકો ડાર્ક ચોકલેટ ચિપ્સ / બાર

રીત ::


જો ચોકલેટ બાર વાપરતા હોઈએ તો છરી થી છીણી લેવી. ગેસ પર એક વાસણ માં થોડું પાણી લો. એને ઉકાળવા દો. બીજા બાઉલ માં , છીણેલી ચોકલેટ લો અને આ બાઉલ પાણી વાળા બાઉલ ની ઉપર મૂકી દો. પાણી આ ઉપર વાળા બાઉલ ને નીચે અડવું ના જોઈએ.


એકદમ ધીમી આંચ પર રાખવું . હલાવતા રહેવું. ચોકલેટ ઓગળે એટલે ગેસ બંધ કરી દો. એક ચમચી આ ગરમ ઓગળેલી ચોકલેટ , જે શેપ નો કપ કરવો હોય એ શેપ ના કપ માં ચોકલેટ સાઈડ થી રેડો. ઉપર થી નીચે ની તરફ ચોકલેટ રેડો …


રેડતી વખતે ધ્યાન રાખવું કે કોઈ ગેપ ના રહી જાય. કપ નો દરેક ખૂણો સરસ કવર થઈ જાય. ત્યારબાદ ઓછા માં ઓછી 20 મિનિટ માટે ફ્રીઝર માં મુકો . પીરસતી વખતે આ ચોકલેટ વાળા કપ ને ઊંધો કરો અને પ્લેટફોર્મ કે પાટલા પર 2 કે 3 વાર ઠપકારો. ચોકલેટ ના કપ સરળતા થી બહાર આવી જશે.


બસ , હવે પીરસિયે.. આ તૈયાર ચોકલેટ કપ માં 1 સ્કુપ આઈસ્ક્રીમ ભરો.. સાઈડ પર કેરી ના નાનાં કટકા ગોઠવો અમે વચ્ચે ચોકકેટ ચિપ્સ. તરત પીરસો..

આશા છે આપને પણ પસંદ આવશે..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *