ચોખાના લોટના પાપડ બનાવવાની પર્ફેક્ટ રીત, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો અને વિડીઓ સાથે…

ચોખાના લોટના પાપડ બનાવવાની પર્ફેક્ટ રીત

દાયકા પહેલાં સીઝન આવે ત્યારે ઘરે ઘરે ચોખાના પાપડ ખુબ જ ઉત્સાહથી બનાવવામાં આવતા હતા. અને તે પણ ઓછી કોન્ટીટીમાં નહીં પણ આખું વર્ષ ચાલે તે બાબતને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા હતા. અને તેના માટે આડોશ પાડોશની ગૃહિણીઓ એકબીજાને મદદ કરતી. પણ હવે લાઇફ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. લોકો પાસે સમય નથી રહ્યો. લોકોની પ્રાયોરીટી બદલાઈ ગઈ છે. બધું જ માર્કેટમાં તૈયાર મળવા મળવા લાગ્યું છે. તેમજ કુટુંબ પણ ન્યુક્લીયર થવા લાગ્યા છે એટલે કે પહેલા સંયુક્ત કુટુંબ હોવાથી આવા કામ ખુબ જ સરળતાથી પતી જતા હતા પણ હવે, લોકોના રોજગારે તેમને પોતાના કુટુંબથી દૂર કર્યા છે, તેમજ લાઈફ સ્ટાઇલમાં પરિવર્તન આવવાથી તેમજ લોકોની વિચારશરણીમાં પરિવર્તન આવવાથી કુટુંબ નાનું થઈ ગયું છે અને એકલી સ્ત્રી બધે નથી પહોંચી વળતી.

તો જો તમને ખીચાના પાપડ ભાવતા હોય અને બજારના પાપડ પણ તમે ટ્રાઈ કરી લીધા હોય પણ સંતોષ ન મળતો હોય તો આજની આ પોસ્ટ અમે તમારા માટે જ લાવ્યા છીએ. આજે અમે તમને ઓછી કોન્ટીટીમાં એકલા હાથે, સરળ રીતે કેવી રીતે ચોખાના પાપડ બનાવવા તેની રેસીપી જણાવીશું. તો ચાલો ખુબ જ સરળ રીતે ચોખાના પાપડ બનાવવાની રેસીપી જાણીએ.

સામગ્રી

1 કી.ગ્રા ચોખા અથવા એક મિડિયમ સાઈઝની તપેલી ભરીને ચોખાનો લોટ

ચોખાના લોટ માટે જે તપેલીનું માપ લીધું હોય તેજ સવા તપેલી જેટલું પાણી

અરધી વાટકી જીરુ

2 ચમચી અજમો

3-4 ચમચી મીઠું

1/2થી ઓછી ચમચી કૂકીંગ સોડા

4-5 લીલા મરચાની પેસ્ટ

ચોખાના પાપડ બનાવવાની રીત


ચોખાના લોટના પાપડ બનાવવા માટે 1 કી. ચોખાનો લોટ. અથવા તમે વજન કરવા ન માગતા હોવ તો. તમે જે તપેલી કે મોટા કટોરામાં લોટ લો તેની સામે તેજ તપેલી ઉપરાંત બીજી પા તપેલી પાણી લેવાનું છે. તમારા ચોખા જૂના હશે તો પાણીની થોડી વધઘટ થઈ શકે છે.


એટલે એક તપેલી લોટ સામે સવા તપેલી પાણી લેવું. અને તેમ છતાં જરૂર પડે તો છેલ્લે પાણી ગરમ કરી ઉમેરવું.


સૌ પ્રથમ તમે જે તપેલીમાં લોટ લીધો હતો તેને એક કથરોટમાં કાઢી લો અને તે જ તપેલીને માપ માટે તેટલું ઉપરાંત બીજી પા તપેલી પાણી બીજા પાત્રમાં લઈ લો. અને તેને ગેસ પર ગરમ કરવા મુકી દો. ગેસ ફુલ રાખવો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં અરધી વાટકી જેટલું જીરુ એડ કરવું. ત્યાર બાદ પાણીને બરાબર ઉકળવા દેવું.


દરમિયાન હવે ચોખાના લોટમાં બે ચમચી જેટલો અજમો એડ કરવો. તેને જીરુની જેમ પાણીમાં નથી નાખવાનું કારણ કે તેમ કરવાથી પાણી કાળુ પડી જાય છે અને પછી ચોખાના પાપડનો કલર પણ બદલાઈ શકે છે. માટે હાથથી મસળીને અજમા ચોખાના લોટમાં ઉમેરી દેવા. ત્યાર બાદ 5-6 તીખા મરચા લેવા તેને ખાંડણીમાં વાટી લેવા. મરચા તમને ગમતી તીખાશ પ્રમાણે વધ-ઘટ કરવા.


વાટેલા મરચા તમે જીરુવાળા ઉકળતા પાણીમાં પણ એડ કરી શકો છો. પણ અહીં સીધા જ મરચા લોટમાં નાખી દેવાથી જ્યારે પાપડ સુકાઈને તૈયાર થાય ત્યારે તે હળવા લીલા રંગના થાય છે જે સરસ લાગે છે. જાણે તાજા લીલા મરચા નાખ્યા હોય તેવો દેખાવ આવે છે. માટે તમારે પણ વાટેલા મરચા પાણીમાં નહીં નાખીને ચોખાના લોટમાં એડ કરવા.


હવે ગરમ થતાં પાણીમાં ચાર ચમચી જેટલું મીઠું એડ કરવું. પાણી બરાબર ઉકળી ગયું હશે અને તેમાંનું જીરુ પણ નરમ થઈ ગયું હશે. હવે જ્યારે પાણી એકદમ ઉકળી જાય ત્યારે તેમાં અરધી ચમચીથી થોડો ઓછો કુકીંગ સોડા એડ કરવો. કુકીંગ સોડા એડ કર્યા બાદ તરત જ ગેસ બંધ કરી દેવો. એ યાદ રહે કે પાણી બરાબર ઉકળી ગયા બાદ તેમજ જીરુ સોફ્ટ થઈ ગયા બાદ જ સોડા એડ કરવો.


હવે આ પાણીને ચોખાના લોટમાં કે જેમાં અજમો અને લીલા મરચાની પેસ્ટ એડ કરી છે તેમાં ધીમે ધીમે એડ કરવું. હવે તેને ધીમે ધીમે વેલણથી મીક્સ કરવું. પાણી જેમ જેમ જરૂર પડે તેમ તેમ ઉમેરતા રહેવું. અને ધીમે ધીમે લોટમાં પાણીને મીક્સ કરતા રહેવું. હવે તમને જો પાણી ખૂટતું હોય તેમ લાગે તો તેમાં બીજું થોડું પાણી ગરમ કરીને એડ કરવું. જ્યારે જ્યારે પાણી ઓછું લાગે ત્યારે ગરમ પાણી જ એડ કરવું ઠંડુ પાણી એડ ન કરવું.


હવે જો કદાચ ચોખાના લોટમાં પાણી વધારે પડી ગયું હોય તો તમે તેમાં 2-3 ચમચી વધારાનો લોટ એડ કરી શકો છો અને જો ચોખાનો લોટ બધો જ વપરાઈ ગયો હોય તો તમે રોટલીનો જીણો લોટ પણ 2-3 ચમચી તેમાં એડ કરી શકો છો. જેથી કરીને રેસીપી બગડે નહીં.


લોટને વેલણથી બરાબર મીક્ષ કરી લેવો. તેમાં ચોખાના લંગ્સ ના રહેવા જોઈએ. લોટ મીક્ષ કરવામાં લગભગ 15-20 મીનીટનો સમય જશે.


હવે આપણે મુઠીયા-ઇડલી જે રીતે વરાળથી બાફીએ છીએ તે જ રીતે આપણે ચોખાના લોટના લોયા કરીને તેને બાફવાના છે માટે ઢોકળા કરવાનું કુકર લઈ અથવા તો પહોળું વાસણ લઈ તેમાં બાફવા માટે પાણી એડ કરો તેના પર કાંઠો મુકો અને તેના પર સ્ટીલની ચારણી મુકી દો. ચારણી પર તેલ લગાવવાની જરૂર નથી.


હવે મીક્ષ કરેલા લોટને હાથમાં તેલ લગાવી મસળીને લોયા કરવાના છે અને તેમાં મેન્દુ વડાની જેમ કાણું પાડવાનું છે. આ લોયા ઢોકળાના કુકરમાંની ચારણી પર બાફાવા માટે મુકી દેવા. હવે તેનું ઢાંકણું બંધ કરી દેવું. અને ગેસની ફ્લેમ ફૂલ કરી દેવી. લોટ બફાતા 10-12 મીનીટનો સમય લાગશે. 10-12 મીનીટ પછી તમે જોશો તો લોટનો રંગ બદલાઈ ગયો હશે અને તે સરસ રીતે બફાઈ ગયા હશે. ખાતરી કરવા માટે તમે તેને છરીથી ચકાસી પણ શકો છો.


ત્યાર બાદ ગેસ બંધ કરીને લોટને બરાબર સીજવા દેવો.


હવે જાડુ પ્લાસ્ટીક લેવું, એટલે કે ખાંડ, લોટ કે પછી દાળ-ચોખાની જે જાડી પોલીથીન આવે છે તેને બરાબર સાફ કરી ને તૈયાર રાખવી. હવે જો તમારી પાસે તૂવેર દાળની જે પાંચ કીલોની થેલી આવે છે તે તમારી પાસે પડી હોય તો તમારે તેને લોટને મસળવા માટે એક બાજુ પર રાખવી. અને પાપડ વણવાનું જે સ્પેશિયલ લાકડાનું મશીન આવે છે તેમાં ટ્રાન્સપરન્ટ અથવા આશિર્વાદ-પિલ્સબરી વિગેરેની જે લોટની થેલી આવે છે તેને તમારે જેટલી સાઇઝના પાપડ બનાવવા હોય તેનાથી થોડી મોટી ગોળ આકારમાં કાપી લેવી અને બાજુ પર મુકી દેવી. આવી 10-12 ગોળ પોલિથીન તમે તૈયાર કરી શકો છો.


હવે ઘઉંનો કોથળો કે દાળની પ્લાસ્ટીકની થેલી ઉંધી કરી લેવી અને તેના પર થોડું તેલ લગાવી. જે પાપડ માટેની ગોળ પોલીથીન તૈયાર કરી છે તેની એક બાજુ તેલ લગાવી લેવું. બધી જ ગોળાકાર પોલીથીનમાં આમ કરવું. તેના પર વારંવાર તેલ ન લગાવવું. અને તેલ વધારે ન લાગે તેની પણ કાળજી રાખવી.


કુકરમાંથી બફાઈ ગયેલા લોટના બે-ત્રણ લુઆ લઈ તેને જે દાળની થેલી છે તેમાં મસળી લેવો. તેને હાથેથી ન મસળતા તે જ કોથળીથી જ મસળવું. તેમ કરવાથી લોટ ક્યાંય ચોટશે પણ નહીં અને એક દમ નરમ લોટ મસળાઈ જશે.


જો તમે વધારે પ્રમાણમાં પાપડ બનાવવા માગતા હોવ તો તમે આ તુવેર દાળની પોલીથીનની જગ્યાએ ઘઉંનો કોથળો પણ લઈ શકો છો.

લોટ એકદમ સોફ્ટ મસળાઈ ગયા બાદ લોટ ગરમ હોય ત્યારે જ હાથમાં થોડું તેલ લઈ તેમાંથી નાના-નાના લુઆ કરી લેવા. બાકીનો લોટ ઢાંકી દેવો જેથી તે ગરમ અને સોફ્ટ રહે.


હવે પાપડ દબાવવાના મશીનમાં પેલી જે ગોળઆકારમાં પોલીથીન કાપી હતી તે ગોઠવવી. તેલવાળી બાજુ પર લૂઓ મુકવો તેના પર બીજી પોલીથીન મુકવી અને તેલવાળી બાજુ અંદર તરફ રાખવી. અને પછી મશીન દબાવી દેવું. પાપડ સરસ વણાઈ જશે. પાપડ તમે હાથે પણ વણી શકો છો પણ તેમાં ખુબ સમય લાગે છે.


જેમ જેમ પાપડ વણાતા જાય તેમ તેને પોલીથીન સાથે બાજુ પર મુકી દેવા. અને બીજો પાપડ પણ આજ રીતે વણવો ફરી તેને પોલીથીન સાથે આગળના પાપડ પર મુકી દેવો. પાપડ વચ્ચે પોલીથીન હશે એટલે ચોંટી જવાનો ભય નહીં રહે અને સુકાઈ જવાનો પણ ભય નહીં રહે. આમ 10-12 પાપડ એક સાથે વણીને ભેગા કરવા અને પછી ઘરમાં જ જમીન પર અથવા જો તમારું ડાઈનીંગ ટેબલ ફ્રી રહેતું હોય તો તેના પર દુપટ્ટો પાથરીને તમે પાપડ સુકવવા માટે પાથરી શકો છો.


બાકીના લોટસાથે પણ આ જ પ્રોસેસ કરવાની છે અને ફરી પાછા પાપડ વણીને સુકવી લેવા.


એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જો તમે એક જ જણ પાપડ કરવા વાળા હોવ તો તમારે એક સાથે બધો જ લોટ મસળવો નહીં. પણ થોડો થોડો લઈ મસળવો અને તેના પાપડ બનાવવા.


ઘરમાં પાપડ 24 કલાકની અંદર સુકાઈ જશે. ધાબા પર પાપડ સુકવવાથી ધૂળ ઉડીને ચોંટી જવાની ચિંતા રહે છે. માટે ઘરમાં જ પાપડ સુકવવા સારા રહેશે. પાપડ સુકવવા માટે તમારે પંખો ચલાવવાની પણ જરૂર નહીં રહે. સામાન્ય રીતે દસ કલાકમાં પાપડ લગભગ સુકાઈ જશે, માત્ર વચ્ચેથી થોડા ભીના લાગશે તો તેને વધારે સુકાવા દેવા. 24 કલાક બાદ પાપડ તદ્દન સુકાઈ ગયા હશે. હવે તેને તમે એક કથરોટ કે મોટા પહોળા વાસણમાં લઈ 3-4 કલાક તડકો આપી શકો છો. જેથી કરીને પાપડ તદ્દન સુકાઈ જાય. અને તેને આપણે લાંબો સમય સાંચવી શકીએ.


તો તૈયાર છે ચોખાના પાપડ. જેને તમે મન થાય ત્યારે ચા-કોફી સાથે અથવા તો રેગ્યુલર ભોજન સાથે તળીને ખાઈ શકો છો.

સૌજન્ય : ફૂડ ગણેશા, નિધિ પટેલ (યુટ્યુબ ચેનલ)

પાપડ બનાવવાની સંપૂર્ણ વિગતવાર રેસીપી શીખો આ વિડીઓ પરથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *