ચોખાના લોટની ફ્રાઇમ્સ – સ્કૂલો ચાલુ થશે ત્યારે બાળકોના ડબ્બામાં નાસ્તો ભરવા માટે બનાવો…

મિત્રો, ઉનાળાની સીઝનમાં વર્તાવરણ સૂકું અને સન-લાઈટ પણ સારી હોય છે માટે આ સમયે આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવા અથાણાં, મસાલા, પાપડ અને વેફર્સ બનાવી લેતા હોય છે જે આખા વર્ષ દરમિયાન ખાઈ શકીએ.

એમાંય જો આપણે ફ્રાઇમ્સની વાત કરીએ તો આજ-કાલ માર્કેટમાં જાત-જાતની ફ્રાઇમ્સ મળે છે. જે આકર્ષક પેકીંગમાં તેમજ કલર્સ અને શેઇપમાં હોય છે જેથી બાળકો ખુબ જ આકર્ષાય છે અને આવી બહારની ફ્રાઇમ્સ માટે ઘેલા બની જાય છે. પણ બહાર મળતી ફ્રાઇમ્સ કાંઈ ઘરે બનાવેલ ફ્રાઇમ્સ જેવી હેલ્ધી અને હાઈજેનીક થોડી હોય શકે? તો શા માટે આવી અવનવી ફ્રાઇમ્સ ઘરે ના બનાવીયે, તો ચાલો બતાવી દઉં ફ્રાઇમ્સ બનાવવાની આસાન શેરીપી.

સામગ્રી :


* 2 કિલો ચોખાનો ઝીણો લોટ

* 1/3 કપ પાપડ ખારો

* 2 ટેબલ સ્પૂન મીઠું

* 2 ટેબલ સ્પૂન તેલ

* ચપટી જીરું

રીત :


સૌ પ્રથમ આપણે ફ્રાઇમ્સ માટેની ખીચી તૈયાર કરીશું જે આપણે ટ્રેડીશનલ રીતથી બનાવીશું જે રીતથી આપણા નાની, દાદી બનાવતા હતા.

1) એક મોટા વાસણ કે તપેલામાં 4 લિટર પાણી ગરમ કરવા મુકો. 4 લિટર એટલે 8 લોટા પાણી થાય. પાણી ગરમ થાય એટલે તેમાં ખારો અને મીઠું નાંખી ઉકાળવા દો. પહેલાના સમયમાં એક લોટા પાણીમાં ચપટી ( નાની ચમચી ) મીઠું અને બે ચપટી ખારો નાખવામાં આવતો, મેં પરફેક્ટ માપ આપ્યું છે ફ્રાઇમ્સ થોડી સોલ્ટી હોય તો સારી લાગે. પાણીને સણસણાટ અવાજ આવે ત્યાં સુધી ઉકાળવા દો.


2) પાણી બરાબર ઉકળી જાય પછી તેમાં થોડો થોડો ચોખાનો લોટ ઉમેરીને વેલણથી હલાવતા જાઓ અને મિક્સ કરતા જાઓ, બધો જ લોટ એકસાથે ઉમેરવાનો નથી. લોટ સાથે આખું જીરું પણ ઉમેરી દેવું અને સ્ટવની ફ્લેમ ઑફ કરી દેવી.


3) બધો જ લોટ ઉમેરી દીધા બાદ ખુબ જ હલાવીને સ્મૂથ કરી લો જો સ્ટવ પર હલાવતા ન ફાવે તો નીચે ઉતારીને પણ હલાવી શકાય. લોટના ગઠ્ઠા ન રહે ત્યાં સુધી હલાવવીને સ્મૂથ ખીચી તૈયાર કરવાની છે.


4) આ ખીચીને ઝારીમાં ભરીને જે રીતે ઢોકળા બનાવીએ તે રીતે 15 થી 20 મિનિટ ઢાંકીને સ્ટીમથી બાફો.


5) ખીચી બફાય ગયા બાદ થોડી થોડી ખીચી બહાર કાઢો, બાકીની ખીચી ગરમ રહે તે માટે ઢાંકીને જ રાખો. બહાર કાઢેલી ખીચીને થોડું તેલ લઈ મસળીને સ્મૂથ બનાવી સેવ બનાવવાના સંચામાં ભરો. ખીચી ભરતા પહેલા સંચા તથા ચકરીને તેલથી ગ્રીઝિંગ કરી લો. સંચામાં અલગ અલગ ચકરી જેવી કે, ફાફડાની, સેવની અને સ્ટાર લગાવી શકાય પણ ફાફડાની ચકરી ચડાવવાથી બેસ્ટ ફ્રાઇમ્સ બને છે.


6) સાફ કોટનના કપડાં પર સીધા તડકે જ ફ્રાઇમ્સ પાડી સુકાવા દો. ઉનાળામાં બે દિવસમાં તો ફ્રાઇમ્સ સરસ સુકાઈ જાય છે. ફ્રાઇમ્સ ક્રિસ્પી થાય ત્યાંસુધી સૂકવવાની છે.


7) હવે આ ફ્રાઇમ્સ આખું વર્ષ સ્ટોર કરવા માટે તૈયાર છે તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય.


8) આ ફ્રાઇમ્સને કોઈપણ સમયે તળીને ખાઈ શકાય. ફ્રાઇમ્સને તળવા માટે એક મોટી કડાઈમાં તેલ ગરમ મુકો. તેલ મીડીયમ ગરમ કરવું જો વધારે ગરમ થઈ જાય તો ફ્રાઇમ્સ લાલ થઈ જાય અને તેલ ઓછું ગરમ હોય તો ફ્રાઇમ્સ કડક થઈ જાય માટે તેલ મીડીયમ જ ગરમ થવા દેવું. આવી રીતે ફ્રાઇમ્સ તળીને પણ એકાદ મહિના સુધી એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય. માત્ર ફ્રાઇમ્સ તરીકે નહિ પણ પાપડના ઓપ્શનમાં પણ ફ્રાઇમ્સ સર્વ કરી શકાય. દાળ-ભાત સાથે તો આ ફ્રાઇમ્સ ખાવાની ખુબ જ મજા પડે છે.


આવી સરસ ફ્રાઇમ્સ આટલી સરળ રીતે અને ખુબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી હોય તો, હવે શું વાર અત્યારે સમર સીઝન છે તો આ વિકમાં જ બનાવી લો અવનવી ફ્રાઇમ્સ.

નોંધ :

* આ ખીચીમાંથી પૂરી પાપડ પણ બનાવી શકાય. જેના માટે ખીચી ના નાનકડા લૂઆ તૈયાર કરી, બે પ્લાસ્ટિક પેપર વચ્ચે મૂકીને પૂરી પ્રેસિંગ મશીનથી પાપડ ઝડપથી અને એકધારા બને છે.

* જો ફ્રાઇમ્સ થોડી સ્પાઈસી બનાવવી હોય તો આદુ-મરચીની સ્મૂથ પેસ્ટ બનાવી ખીચી માટે ઉકળતા પાણીમાં નાખીને ફ્રાઇમ્સ સ્પાઈસી બનાવી શકાય.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસીપીનો વિડીયો જોવા અહીં ક્લીક કરો :

Join the discussion

Your email address will not be published. Required fields are marked *