ચુરમાના લાડુ – ગુજરાતી ઓથેંટીક સ્વીટ રેસિપિ બનાવીને ગણપતિ બાપ્પાધરાવો…

ચુરમાના લાડુ :

ગુજરાતી ચુરમાના લાડુ ઇંડીયામાં મોસ્ટ ફેમસ છે. રાજસ્થાનનું ચુરમું અને ગુજરતી ચુરમાના લાડુ બધે ખૂબજ પ્રખ્યાત છે. આ બન્ને ઓથેંટીક સ્વીટ રેસિપિ છે. લાડુ ગોળ, ઘી અને ઘઉંના કરકરા લોટમાંથી બનવવામાં આવતા હોવાથી હેલ્ધી અને સાથે સાથે એટલા જ સ્વાદિષ્ટ છે. નાના બાળકો માટે ખૂબજ એનર્જી દાયક છે. લાડુને જમણ સાથે સ્વીટ તરીકે પીરસવામાં આવતા હોય છે.

મુખ્યત્વે બટેટાનું શાક, રોટલી અડદની દાળ અને ભાત સાથે લાડુ પીરસવામાં આવતા હોય છે.

ચુરમાના લાડુ ગુજરાતની ટ્રેડિશનલ સ્વીટ છે. નાના મોટા પ્રસંગોએ વારંવાર બનાવવામાં આવતા લાડુ બધાને ખુબજ પ્રિય હોય છે. ગણેશ ચોથના દીવસે ગણેશજીને પ્રસાદ તરીકે ખાસ ચુરમાના લાડુ ધરાવવામાં આવતા હોય છે.

તો આજે હું અહીં ચુરમાના લાડુની રેસિપિ આપી રહી છું. તે ફોલો કરીને તમે પણ હેલ્ધી અને સ્વાદિષ્ટ લાડુ બનાવજો. બધાને ખૂબજ ભાવશે.

ચુરમાના લાડુ બનાવવા માટેની સામગ્રી:

  • 1 કપ જાડો કરકરો ઘઉં નો લોટ – ભાખરીના લોટ કરતા જાડો લોટ
  • ½ કપ સોજી
  • ½ કપ જીણો રોટલીનો લોટ
  • 3 ટેબલ સ્પુન ઓઇલ મોણ માટે
  • ગરમ પાણી લોટ બાંધવા માટે – જરુર મુજબ
  • ¾ કપ ઘી
  • ¾ કપ ગોળ
  • 3 ટેબલ સ્પુન સુગર પાવડર
  • 1 ટી સ્પુન એલચી પાવડર
  • ½ કપ જીણુ ખમણેલું કોપરાનું ખમણ
  • 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા
  • 2 ટેબલ સ્પુન કીસમીસ
  • ½ ટી સ્પુન ખસખસ
  • ઓઇલ ફ્રાય કરવા માટે

ચુરમાના લાડુ બનાવવાની રીત :

એક મિક્સિંગ બાઉલ લ્યો. તેમાં 1 કપ જાડો કરકરો ઘઉં નો લોટ – ભાખરીના લોટ કરતા જાડો લોટ હોય તેવો, ½ કપ સોજી અને ½ કપ જીણો રોટલીનો લોટ લઈ મિક્સ કરો.

હવે તેમાં 3 ટેબલ સ્પુન ઓઇલ ઉમેરી લોટના મિશ્રણમાં બરાબર મિક્ષ મુઠી પડતું મોણ આપો.

લાડુ બનાવવા માટે લોટમાં મુઠી પડતું મોણ આપવું ખૂબ જરુરી છે. તેનાથી લાડુ ખૂબજ સરસ બને છે.

હવે જરુર મુજબ પાણી ગરમ કરી, ગરમ પાણીથી લાડુનો લોટ થોડો ટાઇટ લોટ બાંધો.

1 ટી સ્પુન એલચીના દાણાને ખાંડીને પાવડર કરી લ્યો.

હવે બાંધેલા લાડુના લોટમાંથી 7 મોટા તેમજ બહુ જાડા નહી તેવા હાથથી મુઠિયા બનાવો.

હવે મુઠિયા ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો. ઘીમાં પણ મુઠિયા ફ્રાય કરી શકાય છે.

મુઠીયા તળવા માટે ઓઇલ કે ઘી બરાબર ગરમ કરી લ્યો. ત્યારબાદ ફ્લૈમ ધીમી કરીને મુઠીયા ફ્રાય કરો.

બન્ને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય અને અંદરથી પણ સરસ કૂક થઇ જાય ત્યાંસુધી મુઠિયા ફ્રાય કરો. એ પ્રમાણે બાકીના મુઠિયા પણ ફ્રાય કરી લ્યો.

તમે લીધેલું ફ્રાય પેન જેટલું નાનુ કે મોટું હોય તે પ્રમાણે એકસાથે 2 કે તેથી વધારે મુઠિયા એક સાથે ફ્રાય કરો.

ત્યારબાદ મુઠિયાને રુમ ટેમ્પરેચર પર આવવા દ્યો. ત્યારબાદ તેના નાના ટુકડા કરી લ્યો.

બરાબર ઠંડા પડી જાય એટલે મિક્ષર જારમાં ભરીને તેને ગ્રાઇંડ કરી લ્યો. સરસ કરકરો ભૂકો થાય ત્યાંસુધી ગ્રાઇંડ કરી લ્યો.

ગ્રાઇંડ કરવામાં અંદર જો ચંક્સ રહી જાય તો તેને ફરીથી ગ્રાઇંડ કરી કરકરો ભૂકો કરી લ્યો.

ગ્રાઇંડ કરેલા મુઠિયાનો ભૂકો એક મિક્ષિંગ બાઉલમાં લઇ લ્યો.

તે દરમ્યાનમાં ¾ કપ જેટલું ધીમી ફ્લૈમ પર ઘી ગરમ મૂકો.

હવે કરકરા ભૂકામાં 3 ટેબલ સ્પુન સુગર પાવડર, 1 ટી સ્પુન એલચી પાવડર, ½ કપ જીણુ ખમણેલું કોપરાનું ખમણ, 2 ટેબલ સ્પુન કાજુના ટુકડા અને 2 ટેબલ સ્પુન કીસમીસ ઉમેરી મિક્ષ કરી લ્યો.

(આ રેસિપિમાં વધારે ટેસ્ટ લાવવા માટે મેં અહીં ½ કપ જીણું ખમણેલું કોપરાનું ખમણ ઉમેરેલ છે).

થોડા ગરમ થયેલા ધીમાં ¾ કપ ગોળ ઉમેરી ગરમ કરી, તેમાં સ્પુન ફેરવતા જઇને બરાબર મેલ્ટ કરી લ્યો.

જેથી મિક્ષ કરવામાં સરળતા રહે.

ગોળને માત્ર ગરમ ઘીમાં ધીમી ફ્લૈમ પર ગરમ કરીને માત્ર મેલ્ટ જ કરવાનો છે. કૂક કરવાનો નથી.

હવે ગોળ‌‌‌ – ઘીના આ મિશ્રણને મુઠિયાના કરકરા કરેલ મિશ્રણમાં ઉમેરી દ્યો.

ગરમ હોવાથી સ્પુનથી બરાબર મિક્ષ કરી લ્યો. ત્યારબાદ બધું બરાબર એક્બાજુ દબાવી દ્યો.

તો હવે લાડુ બનાવવા માટેનું મિશ્રણ રેડી છે.

હવે તેમાંથી તમારી મનગમતી સાઇઝ અને શઇપનાં લાડુ બનાવી લ્યો.

લાડુના ઘીથી ગ્રીસ કરેલા મોલ્ડમાં આ મિશ્રણ ભરીને જરા પ્રેસ કરી ડી મોલ્ડ કરી લ્યો. સરસ લાડુ બનશે.

મેં અહીં 2 પ્રકારના મોલ્ડમાં લાડુ બનાવ્યા છે તેમજ 2 પ્રકારે હાથેથી લાડુ બનાવ્યા છે.

એક રાઉંડ લાડુ છે અને બીજો ઉપરથી રાઉંડ અને નીચેથી ફ્લેટ શઇપનો છે. લાડુ પર જરા ખસખસ લગાવી દ્યો.

પિસ્તાના અધકચરા ભૂકાથી ગાર્નીશ કરો.

આમાંથી તમને મનપસંદ શેઇપના લાડુ બનાવી ગણેશ ચતુર્થીમાં ગણેશજીને પ્રસાદમાં લાડુ ધરાવો.

અથવા પ્રસંગોપાત જમણમાં કે ઘરના ભોજનમાં પણ આ પ્રમાણે લાડુ બનાવી બધાને પીરસો.

નાના મોટા બધાને ઘીથી લચપચતા ગરમાગરમ લાડુ ખૂબજ સ્વાદિષ્ટ લાગશે.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *