ચુરમાના લાડુ પેંડા – બહારના રસોઈયા બનાવે છે એવા જ લાડુ હવે બનશે તમારા રસોડે…

કેમ છો મિત્રો? આશા છે આપની અને આપના પરિવારની તબિયત સારી હશે. આજે હું આપની માટે ચુરમાના લાડુ બનાવવા માટેની સરળ અને એક અલગ રેસિપી લાવી છું. આપણા ઘરમાં પ્રસંગ કોઈપણ હોય ખુશીનો હોય કે મૃત્યુનો હોય લાડવા તો બનતા જ હોય છે. નવરાત્રીના નૈવેદ્ય હોય કે ગણપતિ ચોથનો દિવસ હોય બાપ્પાને લાડુ બનાવીને ધરાવતા હોઈએ છીએ.

અમારા ઘરમાં લાડુ બહુ ઓછા ખવાય છે એટલે હવે જયારે પણ ચુરમાના લાડુ બનાવવા માટે વિચારો તો લાડુના પેંડા બનાવી દેજો એક તો સાઈઝ લાડુ કરતા નાની હોય એટલે એક વ્યક્તિ એકવારમાં આરામથી એક પેંડો ખાઈ જશે.

સામગ્રી

  • ઘઉંનો અને ચણાની દાળનો જાડો લોટ – 500 ગ્રામ ઘઉંના લોટ સાથે 50 ગ્રામ ચણાનો લોટ લેવો. તમે મિક્સ દળી પણ શકો.
  • દળેલી ખાંડ – 200 ગ્રામ
  • ઘી – 100 ગ્રામની આસપાસ
  • ઈલાયચી પાવડર – અડધી ચમચી
  • તેલ – તળવા માટે અને મોણ માટે
  • ક્રિસ્ટલ સાકર – એક ચમચી
  • ચારોળી – અડધી ચમચી
  • સૂકી દ્રાક્ષ – 8 થી 10 નંગ (ટુકડા કરી લેવા.)
  • કાજુ – 5 થી 6 નંગ
  • બદામ – 5 થી 6 નંગ
  • પિસ્તા – 5 થી 6 નંગ

લડ્ડુ પેંડા બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા ઘઉંનો અને ચણાની દાળનો જાડો લોટ એક વાસણમાં લો. હવે તેમાં આપણે તેલનું મોણ ઉમેરીશું. જો મોણ બરાબર માપે ઉમેરશો તો તમારે લાડુ વાળવાના સમયે ઘી ઓછું ઉમેરવું પડશે.(લોટમાં ચણાનો જાડો લોટ ઉમેરવાથી બહાર રસોઈયા બનાવે છે એવા જ લાડુ બનશે.)

2. મોણ તમારે ફોટોમાં દેખાય છે એ પ્રમાણે મુઠ્ઠી વળાય એવું લેવાનું છે.

3. હવે જરૂર પૂરતું પાણી ઉમેરીને થોડો કઠણ એવો લોટ બાંધી લો. ધ્યાન રાખો કે લોટમાં પાણી જરૂર લાગે તો જ લેવાનું છે.

4. હવે તે લોટમાંથી ફોટોમાં બતાવ્યા પ્રમાણેના મુઠીયા વાળી લઈશું. મુઠીયા વાળો ત્યારે ફોટોમાં બતાવ્યા પ્રમાણે એક બાજુ આંગળીના નિશાન પડે એવી રીતે દબાવો.

5. હવે એક કઢાઈમાં એ બનાવેલ મુઠીયા તળવા માટે તેલ ગરમ મુકીશું.

6. હે તેલ ગરમ થાય એટલે તેમાં બનાવેલ મુઠીયા તળવા માટે ઉમેરો. ધ્યાન રાખો મુઠીયાને એકદમ ધીમા તાપે તળવાના છે. જેથી તે અંદર અને બહાર બધેથી એકદમ પરફેક્ટ ચઢી જાય.

7. હવે તળાઈ ગયેલ મુઠીયાને એક ડીશમાં કાઢી લો.

8. હવે એ તળેલ મુઠીયાને ઘઉં ચાળવાના ચાયણામાં લો. (જો તમને આ ચાયણામાં ચળાઈને નીકળતા નાના નાના ગઠ્ઠા ખાવા પસંદ નથી તો તમે ડાયરેક્ટ મીક્ષરમાં પણ આ મુઠીયાને નાના નાના ટુકડા કરીને ક્રશ કરી શકો.)

9. હવે ફોટોમાં બતાવ્યા પ્રમાણે ચાયણામાં હાથ ફેરવી ફેરવીને બધા મુઠીયા તોડીને ચાળી લો.

10. હવે તમે ચાળેલ ભૂકાને એક થાળીમાં કે વાસણમાં લઈ લો.

11. હવે આમાં ચારોળી, કાજુ, બદામ, પિસ્તા, ક્રિસ્ટલ સાકર, ઈલાયચી પાવડર અને દ્રાક્ષ ઉમેરી લઈશું. (ઈલાયચી ફ્લેવર પસંદ ના હોય તો પાવડર નહિ ઉમેરવાનો.)

12. હવે આ બધું બરાબર મિક્સ કરી લો અને હવે તેમાં દળેલી ખાંડ એટલે કે બૂરું ઉમેરો.

13. હવે બધું બરાબર મિક્સ કરીને આમાં આપણે ઘી ઉમેરીશું. આ ઉમેરવાથી લડ્ડુ પેંડામાં બાઈન્ડીંગ બની રહેશે.

14. હવે તમે ઈચ્છો તો આપણે જે રેગ્યુલર ગોળ લાડુ બનાવીએ છીએ એ પણ બનાવી શકો. મેં અહીંયા પેંડાના બીબાથી પેંડા બનાવ્યા છે. મારી સાક્ષીને લાડુ બહુ ઓછા ભાવે છે પણ પેંડા બહુ ભાવે એટલે પેંડા બનાવ્યા છે. (અમારે સાક્ષીને ટેસ્ટ નહિ દેખાવથી વસ્તુ ખાવાની આદત છે.)

15. આ ચુરમામાંથી લાડુ બનાવવા માટે સૌથી પહેલા એ ચુરમામાંથી નાના નાના લાડુ બનાવીશું.

16. હવે પેંડાના આ બીબા મશીનમાં આપણે પહેલા ડ્રાયફ્રુટની થોડી કતરણ ઉમેરીશું.

17. હવે બનાવેલ નાનો લાડુ એ મશીનમાં નાખીશું.

18. હવે એ મશીનને ફોટોમાં બતાવ્યા પ્રમાણે એક ડીશમાં નીચું દબાવીને અંદર નાખેલ લાડુને પેંડાનો શેપ આપીશું.

19. સહેજ દબાવીને તરત એ મશીનને ઉંચુ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે આ લાડુનો પેંડો બરાબર બની ગયો છે.

20. બસ આવી જ રીતે બધા જ લાડુના પેંડા બનાવી લેવાના છે. જો તમારી જોડે મશીન ના હોય તો કટલેટના જે બીબા આવે છે તેમાં પણ બનાવી શકો.

તમારે અહીંયા બતાવ્યું એ મશીન લેવું હોય તો અહીંયા અમદાવાદમાં લગભગ પાંચકૂવા કે પાનકોરનાકા બાજુ મળે છે. બહુ મોંઘુ નથી આવતું એટલે હવે જયારે પણ લાડુ બનાવો ત્યારે બાળકો માટે આ લાડુ પેંડા જરૂર બનાવજો.

મિત્રો તમારી મદદની જરૂરત છે. અમારી ચેનલ જલારામ ફૂડ હબને સબ્સ્ક્રાઇબ કરો. તેના માટે કોઈ પૈસા આપવાના નથી. તમે ઘણા વિડિઓ જોતા હશો તો હવે પ્લીઝ મારી ચેનલના જુઓ. અહીંયા ક્લિક કરીને તમે મારી યુટ્યુબ ચેનલ સુધી જઈ શકશો. આભાર.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *