હેલ્ધી દાલ પાલક – દાલફ્રાય તો તમે બનાવતા જ હશો ને? એકવાર આ દાલ ટ્રાય કરો બધા ખુશ થઇ જશે..

આપ્ણે ત્યાં ઘણા પ્રકારની દાળ બનતી હોય છે. જેવી કે તુવેરની દાળ, મગની દાળ, અડદની દાળ, પંચ દાળ…. બધી દાળમાં જુદા-જુદા મસાલા અને શાક ભાજી ઉમેરી સ્વાદિષ્ટ બનાવવામાં આવતી હોય છે. દાલ પાલકમાં ત્રણ જાતની દાળ અને સાથે પાલકની ભાજી, ટમેટા અને ઓનિયન નું કોમ્બિનેશન કર્યું છે. સાથે રસોડા માંથી જ મળી રહેતા બધા મસાલાનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવામાં આવી છે.

બધાને ભાવે એવી આ હેલ્ધી દાલ પાલક પરોઠા, ભતુરા, પુરી, રોટલી કે રોટલા સાથે પણ ખાઇ શકાય છે. અહીં હું દાલ પાલકની રેસિપિ આપી રહી છું તો ચોક્કસથી આ રેસિપિ ફોલો કરીને હેલ્ધી દાલ પાલક બનાવજો.

હેલ્ધી દાલ પાલક માટેની સામગ્રી :

  • 250 ગ્રામ પાલક
  • ½ કપ ચણાની દાળ
  • ½ કપ તુવેરની દાળ
  • ½ કપ મસુરની દાળ
  • ½ ટી સ્પુન હળદર
  • સ્વાદ મુજબ મીઠું
  • તડકા:

  • 1 ટેબલ સ્પુન ઓઇલ
  • 2 ટેબલસ્પુન બટર
  • 1 ટી સ્પુન આખુ જીરુ
  • ½ ટી સ્પુન હિંગ
  • 1 ટી સ્પુન લસણ બારીક કાપેલું કે પેસ્ટ અથવા
  • 2 ટેબલ સ્પુન ફ્રેશ લીલું લસણ બારીક કાપેલું
  • 1 ટી સ્પુન છીણેલું આદુ અથવા પેસ્ટ
  • 2-3 લીલા મરચા બારીક કાપેલા
  • 2 મિડિયમ સાઇઝની ઓનિયન બારીક કાપેલી
  • 3 મિડિયમ સાઇઝના ટમેટા બારીક કાપેલા
  • 1 ટેબલ સ્પુન ધાણાજીરું
  • 1 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર અથવા તમારા સ્વાદ મુજબ
  • 1 ટી સ્પુન હળદર
  • 1 ટી સ્પુન ગરમ મસાલો
  • મીઠું જરુર મુજબ ( ઉમેરેલા પાણી અને મસાલા માટે )
  • ગાર્નિશિંગના વઘાર માટે:

  • 1 ટેબલ સ્પુન ઘી
  • ½ ટી સ્પુન જીરું
  • ½ ટી સ્પુન હિંગ
  • ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર
  • 2 નંગ વઘાર માટેના સૂકા લાલ મરચા
  • હેલ્ધી દાલ પાલક બનાવવા માટેની રીત :


    સૌ પ્રથમ ચણાદાળ, તુવેરદાળ અને મસુરદાળ ને ધોઇને હુંફાળા પાણી માં ½ કલાક પલાળી દ્યો.


    ત્યારબાદ પેનમાં પાણી ગરમ મૂકી, પાણી ઉકળે એટલે તેમાં પાલકની ધોયેલી ભાજીના પાન ઉમેરી દ્યો.


    1 મિનિટ માટે પાલકના પાન ઉકળતા પાણીમાં રાખી તરતજ કાઢીને ઠંડા પાણીમાં મૂકી દ્યો. 2-3 મિનિટ રાખીને પાલક્ના પાન ચાળણીમાં મૂકી નિતારી લ્યો.


    ત્યારબાદ તેને જીણી સમારીને એકબાજુ રાખી દ્યો.


    હવે કુકરમાં પાણી ગરમ મૂકો. તેમાં પલાળેલી ચણાદાળ, તુવેરદાળ અને મસુરદાળ ઉમેરી દ્યો. તેમાં હળદર અને મીઠું ઉમેરો અને કૂક કરવા માટે 4-5 વ્હિસલ કરો. કૂક થઇ જાય એટલે કુકર ઠરવા દ્યો.


    હવે દાળ કાઢીને તેને હેંડ વ્હિપરની મદદથી દાળ અધકચરી રહે તે રીતે વ્હીપ કરો.


    ત્યારબાદ થિક બોટમ પેન લઇ તેમાં 1 ટેબલ સ્પુન ઓઇલ અને 2 ટેબલ્સ્પુન ઘી ઉમેરી વઘાર માટે ગરમ કરો.


    ગરમ થાય એટલે તેમાં 1 ટી સ્પુન જીરુ અને ½ ટી હિંગ ઉમેરો. જીરુ તતડે એટલે તેમાં 1 ટી સ્પુન લસણ બારીક કાપેલું કે પેસ્ટ અથવા 2 ટેબલ સ્પુન ફ્રેશ લીલું લસણ બારીક કાપેલું ઉમેરો. સાથે 1 ટી સ્પુન છીણેલું આદુ અથવા પેસ્ટ, 2-3 લીલા મરચા બારીક કાપેલા, 2 મિડિયમ સાઇઝની ઓનિયન બારીક કાપેલી ઉમેરી બધું મિક્ષ કરી સાંતળો.


    ઓનિયન ટ્રાંસપરંટ થઇ જાય એટલે તેમાં 1 ટેબલસ્પુન ધાણા જીરું, 1 ટેબલ સ્પુન લાલ મરચુ પાવડર( તમારા ટેસ્ટ મુજબ), હળદર ઉમેરી 1 મિનિટ સોતે કરો.


    હવે તેમાં 3 મિડિયમ સાઇઝના ટમેટા બારીક કાપેલા ઉમેરી ટમેટા સરસ મેશી થઇ જાય ત્યાં સુધી કૂક કરો.


    ત્યારબાદ તેમાં કૂક કરીને સમારેલી પાલક ઉમેરી મિક્ષ કરી લ્યો. ઢાંકીને 2 મિનિટ કૂક કરો.


    હવે તેમાં વ્હિસ્ક કરેલી ત્રણેય દાળ નું મિશ્રણ ઉમેરો. મિક્ષ કરી લ્યો. થોડું પાણી ઉમેરી કંસિસ્ટંસી સેટ કરો.


    તેમાં ઉમેરેલા પાણી અને મસાલા માટે જરુર પુરતું મીઠું, ગરમ મસાલો અને કોથમરી ઉમેરી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ½ લિમ્બુનું જ્યુસ ઉમેરી, મિક્સ કરી, 2-3 મિનિટ બોઇલ કરી ફ્લૈમ બંધ કરો.


    ગાર્નિશિંગ માટે વઘાર કરવા માટે નાના બાઉલમાં 1 ટેબલ સ્પુન ઘી ગરમ કરી તેમાં ½ ટી સ્પુન જીરું અને 2 નંગ વઘાર માટેના સૂકા મરચા ઉમેરો.


    તતડે એટલે ફ્લૈમ સ્લો કરી તેમાં ½ ટી સ્પુન હિંગ, ½ ટી સ્પુન લાલ મરચુ પાવડર ઉમેરી ફ્લૈમ બંધ કરી દ્યો. વઘારમાં સરસ લાલ કલર આવી જાય ત્યાં સુધી હલાવીને બનાવેલી હેલ્ધી દાલ પાલકમાં ઉપરથી પોર કરો. (રેડી દ્યો).


    લીલા મરચાની રિંગ, ટમેટાના પીસ અને ઓનિયનની સ્લાઇઝથી ગાર્નિશ કરી બાઉલમાં સર્વ કરો.

    આ હેલ્ધી દાલ પાલક નો ટેસ્ટ બધાને ચોક્કસથી પસંદ પડશે.

    રસોઈની રાણી : શોભના વણપરિયા

    મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

    દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

    Leave a comment

    Your email address will not be published. Required fields are marked *