દાલ પકવાન – સિંધી મિત્રોની આ ખાસ વાનગી હવે બનશે પરફેક્ટ તમારા રસોડે…

કેમ છો મિત્રો? આજે હું એક બહુ ખાસ રેસિપી તમારી માટે લાવી છું. અહીંયા અમદાવાદમાં લો ગાર્ડન એરિયા બાજુ આ રેસિપી ખુબ પ્રખ્યાત છે. મતલબ કે ત્યાં આ વાનગીના ઘણા સ્ટોલ હોય છે અને લોકો ત્યાં જઈને બહુ આનંદથી આ વાનગી ખાતા હોય છે.

તમે માનશો પણ જ્યારથી આ અનલોક થયું છે ત્યારથી લોકો રીતસર બહારનું ખાવા પર તૂટી પડ્યા છે. હું માનું છું કે બહારનું બધાને ખાવાનું મન થાય પણ અત્યારે એવી પરિસ્થિતિ નથી કે આપણે આટલું મોટું રિસ્ક લેવું જોઈએ. એટલા માટે જ હું અવારનવાર તમને બહાર મળે છે તેનાથી પણ વધુ ટેસ્ટી રેસિપી શીખવાડું છું. બસ તો આજે એવી જ એક ફેમસ અને ટેસ્ટી રેસિપી લાવી છું.

દરેક મહિલા મિત્રને વિનંતી કે આ રેસિપી બહુ સરળ છે અને બહુ મહેનત પણ નથી તો પરિવારને બહારનું હમણાં ના ખવડાવશો કે ખાવા દેશો અને ઘરે જ બનાવી આપજો આ ટેસ્ટી રેસિપી. આજે હું તમને અહીંયા દાલ પક્વાનમાં ખવાતી દાલ શીખવાડીશ જેને તમે દાલ સાથે તો ખાઈ જ શકશો પણ સાથે સાથે પરાઠા, રોટલી, કડક ભાખરી અને પુરી સાથે પણ ખાઈ શકશો. ચાલો ફટાફટ શીખી લો દાલ પકવાનની દાળ બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી

 • ચણાની દાળ – એક મોટી વાટકી
 • ટામેટું – એક મોટું
 • લીલા મરચા – ચાર નંગ
 • આદુ – એક નાનો ટુકડો
 • મીઠો લીમડો – ફ્લેવર માટે
 • જીરું – અડધી ચમચી
 • તમાલપત્ર – એક પાન
 • હિંગ – એક ચપટી
 • લાલ મરચું – દોઢ ચમચી
 • હળદર – અડધી ચમચી
 • ગરમ મસાલો – અડધી ચમચી
 • ધાણાજીરું – એક ચમચી
 • મીઠું – સ્વાદ પ્રમાણે

દાલ પકવાનની દાલ બનાવવા માટેની સરળ રેસિપી

1. સૌથી પહેલા આપણે ચણાની દાળને પલાળીશું, દાળને પલાળવા માટે એક ખાસ ટીપ છે જો તમારી પાસે દાળ બનાવવા માટેનો પૂરતો સમય છે તો દાળને એક થી દોઢ કલાક પલાળી રાખો અને જો સમય નથી ગરમ પાણીમાં દાળને અડધો કલાક પલાળી રાખશો તો પણ દાળ પરફેક્ટ તૈયાર થઇ જશે.

2. હવે એક કૂકરમાં પલાળેલી દાળને બે થી ત્રણ વાર ચોખા પાણીથી ધોઈને બાફવા મુકીશું.

3. દાળને કૂકરમાં બાફવા મુકો ત્યારે તેમાં હળદર અને મીઠું પણ ઉમેરી રાખો. અને દાળને બાફવા માટે મૂકી દો.

4. દાળને પાંચ થી દસ મિનિટ ધીમા તાપે ચઢવા માટે મુકજો. પછી ગેસ બંધ કરીને કુકર ખોલીને ચેક કરી લેવું. ફોટોમાં બતાવ્યા પ્રમાણે દાળનો દાણો બરાબર દબાઈ જાય એટલે સમજો કે દાળ પરફેક્ટ બફાઈ ગઈ છે. ખાસ વાત દાળને બહુ ગળી જાય એટલી બાફવાની નથી.

5. હવે એક ચમચાની મદદથી કૂકરમાં રહેલ દાળને થોડી દબાવી લો જેથી દાળનો રસો ઘટ્ટ પણ થઇ જાય અને દાળનો ટેસ્ટ પણ મસ્ત લાગે.

6. હવે એક પેનમાં તેલ ગરમ મુકીશું

7. હવે તેમાં જીરું ઉમેરો જીરું તતડે એટલે તેમાં હિંગ ઉમેરો અને પછી તેમાં મીઠો લીમડો ઉમેરો સાથે સાથે તેમાં બે મરચા જીણા સમારેલા અને બે મરચા ઉભા ચીરીયાં કરીને ઉમેરો. (જીણા સમારેલા મરચાથી દાળમાં નોર્મલ ટેસ્ટ આવશે પણ જેને વધુ તીખું પસંદ હોય એ આ ચીરીયાં કરેલ મરચા સાથે ખાઈ શકશે.)

8. હવે આમાં આદુને છીણી લઈશું. (જો છીણી ના હોય તો આદુના નાના ટુકડા કરો અને ખાયણીમાં વાટી લેવું.)

9. હવે મરચા બરાબર સંતળાઈ જાય એટલે તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરો.

10. હવે ટામેટાની સાથે જ દાળનો મસાલો પણ આપણે કરી લઈશું. તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણાજીરું અને મીઠું ઉમેરીશું. (મીઠું ઉમેરો ત્યારે દાળ બાફતા સમયે જે મીઠું લીધું હતું એ ધ્યાનમાં રાખજો નહિ તો ડબલ થઇ જશે.) હવે બધું બરાબર મિક્સ કરીને ટામેટાને થોડા ચઢવા દઈશું. ટામેટા બહુ ગળી જાય એવું નથી કરવાનું.

11. હવે તૈયાર થયેલ વઘારને દાળમાં ઉમેરીશું (દાળ કૂકરમાં જ રાખવાની છે. બીજું વાસણ બગાડવાની જરૂર નથી.)

12. હવે આ દાળમાં થોડું પાણી ઉમેરી લઈશું જેથી દાળને ઉકાળવા મૂકીએ ત્યારે તેના મસાલા બરાબર ચઢી જાય.

13. બસ તો તૈયાર છે તમારી આ દાલ પકવાનની દાળ જે તમે પકવાન સાથે ખાઈ શકો છો. પકવાન બનાવવા માટેની સરળ રેસિપી તમને અહીંયા નીચે લિન્કમાં આપું છું તો એ પણ જરૂર જોઈ લેજો.

તો મિત્રો તમને મારી આ રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવશો, બીજું કાંઈ નહિ વખાણ કરો તો બીજી રેસિપી આપવાની મજા આવે. સારું ત્યારે આવજો મિત્રો ફરી મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ વાનગીની રેસિપી લઈને.

દાલ પક્વાનમાં ખવાતા પકવાન બનાવવા માટે અહીંયા ક્લિક કરો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *