દહીંવડા – સોડા કે ઇનો વગર હવે બનશે દહીંવડા સોફ્ટ અને યમ્મી તો ફટાફટ શીખી લો આ રેસિપી..

હેલ્લો, આશા છે તમે બધા ઘરે હશો અને સેફ હશો, આ સમય એવો છે કે આપણે બહાર જઈ શકતા નથી આવામાં સૌથી વધુ ફરક પડ્યો હોય તો એવા મિત્રોને જે નવું અને બહારના ખાવાના શોખીન છે તેમને. લગભગ દરેક ઘરમાં એક વ્યક્તિ તો એવી હોય જ જેને દરરોજ કાંઈક નવીન ખાવા જોઈતું હોય. અત્યારે બાળકો માટે સમય છે વેકેશનનો અને વેકેશન દરમિયાન દરરોજ બાળકો અવનવી વાનગીઓ ખાવાની જીદ્દ કરતા હોય છે.

હવે સમય અત્યારે એવો પણ નથી બહારથી ફટાફટ મંગાવી આપીએ, અરે મારી તો તમને સલાહ છે કે જો આ લોકડાઉન ખુલી જાય તો પણ બાળકોને એક વર્ષ સુધી બહારનું ક્યાંય ખવડાવશો નહિ, આપણે ઘરે જ એટલી બધી ટેસ્ટી અને યમ્મી વાનગીઓ બનાવીને ખવડાવીશું કે બાળકો બહારનું ખાવાનું ભૂલી જ જશે. તમારી આ સફરમાં હું તમને સાથ આપીશ તો આજે હું તમને શીખવાડીશ દહીંવડા બનાવતા.

તમને લાગતું હશે દહીંવડા બનાવાવમાં બહુ માથાકૂટ અને મહેનત થતી હશે પણ એવું નથી આ એક બહુ સરળ રેસિપી છે. જો તમે પણ પરફેક્ટ રેસિપી બનાવવા માંગો છો તો મારી આ રેસિપી બરોબર ફોલો કરજો. આજે બનાવેલ દહીંવડામાં મેં નથી સોડાનો ઉપયોગ કર્યો કે નથી ઇનોનો ઉપયોગ કર્યો અને સામગ્રી પણ એવી જ છે જે લગભગ તમને તમારા ઘરમાં મળી જ રહેશે. તો ચાલો શીખીએ અને હા ટિપ્સ વાંચવાનું ભૂલતા નહિ.

સામગ્રી :

  • અડદ દાળ : 400 ગ્રામ
  • જીરું : 3 ચમચી
  • મીઠું : સ્વાદ અનુસાર
  • આદુ મરચાની પેસ્ટ : સ્વાદ અનુસાર
  • તેલ : વડા તળવા માટે
  • ગળ્યું દહીં : 700 ગ્રામ (તમે ઈચ્છો તો દહીંમાં મીઠું પણ ઉમેરી શકો.)
  • લાલ મરચું : 1 ચમચી
  • ધાણા ફુદીનાની ચટણી
  • ખજૂર આંબલીની ચટણી

બનાવવાની સરળ રીત:

1. અડદની દાળને બે થી ત્રણ વાર ધોઈ લેવી અને ચાર થી પાંચ કલાક માટે પાણીમાં પલાળી રાખવી.

2. પલળી ગયેલ દાળમાંથી પાણી નિતારી લેવું, મીક્ષરના જારમાં દાળ લઈને પીસવી. દાળ પીસવામાં બહુ હાર્ડ લાગે તો તેમાં થોડું પાણી ઉમેરી શકો. (જરૂર ના હોય તો પાણીનો ઉપયોગ બહુ ઓછો કરવો જેથી વડા તેલમાં મુકવામાં સરળતા રહે.)

3. પીસાઈ ગયેલ દાળને એક અલગ મોટા વાસણમાં લેવી (મોટા વાસણમાં બરાબર ફેંટતા ફાવશે માટે) અને બધું ખીરું બરાબર મિક્સ કરવું અને એક જ દિશામાં હલાવતા રહેવું. તમે જેટલું વધુ ફેંટસો એટલું ખીરું વધુ હલકું થશે અને આ સ્ટેપ કરવાને લીધે તમારે તેમાં સોડા કે ઇનો ઉમેરવો પડશે નહિ.

4. ખીરું પરફેક્ટ બન્યું છે કે નહિ તે જાણવા માટે એક વાટકીમાં પાણી લઇ તેમાં રેડી થયેલ ખીરાનું એક ટીપું તે વાટકીમાં મૂકવું જો તે ખીરું પાણીમાં ઉપર તરે તો સમજો તમારું ખીરું તૈયાર છે. (હવે ખીરું રેડી કરીએ એ પહેલા ગેસ પર તેલ ગરમ કરવા મૂકી દેવું.)

5. ખીરુંને મૂકી રાખવાની કોઈ જરૂરત નથી હવે તેમાં એક ચમચી જીરું ઉમેરવું અને તમારા ઘરમાં મીઠું જે સ્વાદ પ્રમાણે ખાતા હોવ એ માપે ઉમેરવું. હવે આ બધું બરાબર મિક્સ કરી લેવું. (આ સ્ટેપની સાથે તમે આ ખીરામાં આદુ અને મરચાની પેસ્ટ ઉમેરી શકો. અમારા ઘરમાં બહુ તીખું નથી ખાવામાં આવતું એટલે નથી ઉમેર્યું.)

6. ગરમ થયેલ તેલમાં હાથથી કે ચમચીની મદદથી વડા મુકવા. (ગેસ ધીમો જ રાખવો.) (વડા તળાઈ રહ્યા છે ત્યાં સુધી એક મોટી તપેલી કે પહોળા વાસણમાં પાણી ભરીને રાખો.)

7. વડા ગોલ્ડન થાય ત્યાં સુધી તેને તળવા અને થોડી થોડી વારે ફેરવતા રેહવું જેથી બધી બાજુ બરોબર ચઢી જાય.

8. ગોલ્ડન થઇ ગયેલ વડાને પાણી ભરેલ વાસણમાં મુકવા. (પાણીમાં તરી રહેલ વડા ધીમે ધીમે પાણીમાં બેસી જશે.)

9. બધા વડા પાણીમાં 5 થી 10 મિનિટ રહેવા દેવા અને પછી વડાને પાણીમાંથી કાઢીને હલકા હાથે દબાવીને બીજા એક વાસણમાં મુકવા.

10. પાણી નીતારેલા વડાને ફ્રીઝમાં ઠંડા થવા મૂકી દેવા. (ફ્રીઝમાં મુકતા પહેલા જ હું તો બે ચાર ખાઈ જાવ છું, રહેવાય જ નહિ એટલે.)

હવે ખાવા માટે બધું તૈયાર છે. હવે સૌથી પહેલા પીરસવાની બધી તૈયારી કરી લો જેમાં, ગળ્યું દહીં, ઠંડા વડા, જીરા પાવડર, લાલ મરચું, મીઠી ચટણી, લીલી ચટણી, લીલા ધાણા (હોય તો, બળ્યું આ લોકડાઉનમાં ધાણા લાવવા ક્યાંથી મેં પણ સુકવણી કરેલા ધાણા વાપર્યા છે તમે પણ વાપરજો હોય તો.)

1. હવે એક બાઉલ કે ડીશમાં ઠંડા થયેલ વડા મુકવા,

2. તેની પર દહીં ઉમેરવું, (દહીં બહુ ઘાટું એટલે કે થીક લાગતું હોય તો થોડું પાણી ઉમેરી શકો. અને વધારે ઓછું પણ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરવું)

3. દહીં ઉપર મીઠી ચટણી અને લીલી ચટણી ઉમેરવી

4. દહીં અને ચટણી પછી એ પ્લેટમાં શેકેલ જીરાનો પાવડર અને સાથે ટેસ્ટ પ્રમાણે લાલ મરચું ઉમેરવું. (ઘરમાં કોઈ બહુ તીખું નથી ખાતા પણ મને તીખું પસંદ છે એટલે લીલી તીખી ચટણી પણ મેં વધુ લીધી છે અને લાલ મરચું પણ વધુ લીધું છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે ઉમેરી શકો, પણ જીરું ભૂલતા નહિ તેની રીત અહીંયા નીચે આપું છું.)

5. હવે છેલ્લે લીલા ધાણા ઉમેરવા હોય તો બાકી આ લોકડાઉનમાં તમે પણ મારી જેમ સુકવણી કરેલ ધાણા વાપરી શકો. લ્યો હાલો હવે જીરુંની રેસિપી જોઈ લો એટલે હું દહીંવડા ખાવા જાવ.

જીરું શેકવા માટે કોઈપણ એક લોઢીને ગેસ પર ગરમ કરવા મુકો તેમાં જીરું ઉમેરવું અને ધીમા ગેસે શેકવું અને જીરૂને ફેરવતા પણ રહેજો નહિ તો બળી જશે.

હવે શેકેલ જીરૂને ખાઈણી પરાળની મદદથી પાવડર બનાવી લો. (મિક્ષર ના વાપરતા પાછા બહુ ટેસ્ટ જામશે નહિ એટલે બાકી તમારી મરજી.)

લ્યો બસ પુરી થઇ આ વાનગી હવે બનાવો ત્યારે યાદ જરૂર કરજો અને કેવી લાગી આ રેસિપી એ કોમેન્ટમાં જરૂર જણાવજો તમારા વિચારો જાણીને મને આનંદ થશે.

રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *