આજે રસોડામાં લાવો નવો ટ્વિસ્ટ, બનાવી લો આ સિંધી વાનગી અને માણો મજા

સિંધી લોકોની ફેમસ વાનગી દાલ પકવાન એ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ખુબ જ લોકપ્રિય છે. ખાસ કરીને બ્રેકફાસ્ટમાં લેવાતું આ દાળ પકવાન ડીનર માટે પણ એટલું જ ખાસ છે. આ દાળ પકવાન ચાટની જેમ પણ સર્વ કરી શકાય છે. એના માટે નાના પૂરી સાઈઝના પકવાન બનાવવામાં આવે છે. ખુબજ સ્વાદિષ્ટ એવા આ દાલ પકવાનની ટ્રેડીશનલ દાલ ચણાદાળમાંથી બનાવવામાં આવે છે. પરંતુ સાથે થોડી માત્રામાં મગની પીળી દાળ ઉમેરવામાં આવે તો આ દાલને ખરેખર સરસ લસ્ટર મળે છે. દાળમાં ટામેટા, ડુંગળી અને થોડા રેગ્યુલર મસાલા સાથે ઘી અને ઓઈલનો મિક્સ વઘાર કરીને સરસ ટેસ્ટી બનાવી શકાય છે. સાથે ખવાતા પકવાન મેંદો, ઘઉંનો લોટ કે પછી બન્ને મિક્સ કરીને તેમાં થોડો અજમા અને જીરું, મીઠું ઉમેરીને સરસ ટેસ્ટી બનાવવામાં આવે છે. આમલીની ચટણી અને લીલી ચટણી અને ચોપ કરેલી ઓનિયન સાથે સર્વ કરવાથી તેનો લાજવાબ સ્વાદ માણી શકાય છે.


અહીં હું આપ સૌ માટે નાના મોટા બધાના હોટ ફેવરીટ, સ્વાદીષ્ટ એવા દાલ પકવાનની રેસીપી આપી રહી છું, તો તમે પણ મારી આ રેસીપી ફોલો કરીને તમારા ઘરે ટેસ્ટી દાલ પકવાન ચોક્કસથી બાનાવજો.

સામગ્રી :

૧ કપ ચણાની દાળ
૧/૨ કપ મગની દાળ
૫ ટેબલ સ્પુન ઓઈલ
૧ ટી સ્પુન આખું જીરું
૧ ટેબલ સ્પુન બારીક સમારેલા લીલા તીખા મરચા
૨ ઓનિયન બારીક સમારેલી
૨ ટામેટા બારીક સમારેલા
૧ પીંચ હિંગ
૧/૨ ટી સ્પુન હળદર પાવડર
૧ ટી સ્પુન લાલ મરચું પાવડર
૨ ટેબલ સ્પુન ધાણા જીરું
મીઠું- સ્વાદ મુજબ
૪ કપ – પાણી
૧/૨ ટી સ્પુન ગરમ મસાલો
બારીક સમારેલી કોથમીર – જરૂર મુજબ
૧ કપ આમલી પલ્પ – સર્વ કરવા માટે

દાલ બનાવવાની રીત


સૌ પ્રથમ ૧ કપ ચણાની દાળ અને ૧/૨ કપ મગની દાળ મિક્ષ કરીને ૨-૩ વખત પાણીથી ધોઈ લેવી. ત્યારબાદ તેમાં પુરતું પાણી ઉમેરી ૨ કલાક ઢાંકીને પલાળી રાખો. ૨ કલાક બાદ તેમાંથી પાણી નીતારીને કાઢી લો. હવે પ્રેશર કુકરમાં ૫ ટેબલ સ્પુન ઓઈલ મીડીયમ ફ્લેઈમ પર ગરમ મુકો. બરાબર ગરમ થાય એટલે તેમાં ૧ ટી સ્પુન આખું જીરું અને ૧ ટેબલ સ્પુન બારીક સમારેલા લીલા તીખા મરચાં ઉમેરીને સાતળો. સતત હલાવતા રહો. થઇ જાય એટલે તેમાં ૨ ડુંગળી બારીક સમારેલી ઉમેરી લો. તે અધકચરી કુક થાય એટકલે તેમાં ૧ પીંચ હિંગ ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં ૨ બારીક સમારેલા ટામેટા ઉમેરો. સાથે તેમાં મસાલા કરી લો. તેમાં ૧/૨ ટી સ્પુન હળદર પાવડર, ૧ ટી સ્પુન લાલ મરચું પાવડર, ૨ ટેબલ સ્પુન ધાણા જીરું અને સોલ્ટ- સ્વાદ મુજબ ઉમેરી મિક્સ કરો. હવે મીડીયમ ફ્લેઈમ પર જ સામગ્રી હલાવતા જઈ ઓઈલ છુટું પડે ત્યાં સુધી કુક કરો. ત્યારબાદ તેમાં ૪ કપ પાણી ઉમેરી મિક્સ કરો. થોડું ગરમ થાય એટલે તેમાં ધોઈને રેડી કરેલી બંને – મિક્સ દાળ ઉમેરી હલાવી લો. ૩-૪ વ્હીસલ કરી કુક કરો. કુકર ઠરવા દો. ત્યારબાદ ૧ કલાક પહેલા પલાળેલી ૧/૨ કપ આમલી ગ્રાઈન્ડ કરીને ગળણીથી ચાળી લો. તેમાં કઈ ઉમેરવાનું નથી, પલ્પ પ્લેઈન જ રાખવો. તેનો વધારે સારો ટેસ્ટ આવશે. લીલી ચટણી પણ બનાવી લો.

પકવાન બનાવવા માટેની સામગ્રી :

૨ કપ મેંદો
૧ ટી સ્પુન આખું જીરું
૧/૨ ટી સ્પુન અજમા
મીઠું – જરૂર મુજબ
૩ ટેબલસ્પુન ઓઈલ
પાણી – જરૂર મુજબ
૧/૨ ટી સ્પુન ઓઈલ બાંધેલા લોટ પર લગાડવા માટે

પકવાન બનાવવા માટેની રીત

એક મિક્ષિન્ગ બાઉલ લઇ તેમા ૨ કપ મેંદો ઉમેરો. તેમાં ૧ ટી સ્પુન આખું જીરું, ૧/૨ ટી સ્પુન અજમા, સોલ્ટ – જરૂર મુજબ અને ૩ ટેબલસ્પુન ઓઈલ ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું જરૂર મુજબ પાણી ઉમેરી મસળતા જઈ થોડો ટાઈટ લોટ બાંધો. ૧-૨ મિનીટ બરાબર મસળી લો. હવે બાંધેલા લોટને એક બાઉલમાં મૂકી તેના પર થોડું ઓઈલ લગાવી ૫-૧૦ મિનીટ રેસ્ટ આપો. ૧૦ મિનીટ પછી ફરી મસળી તેના રોટલી બનાવી શકાય એવા પકવાન માટેના લુવા બનાવો. હવે એક લુવો લઇ પાટલી પર મુકી પાતળી રોટલી જેવું પકવાન વાણી લો. આ પ્રમાણે બધા પકવાન વણીને તેના પર ચપ્પા વડે પ્રીક કરી લ્યો. જેથી પકવાન ફૂલે નહી અને સરસ ક્રિસ્પી બને.

હવે એક પેનમાં મિડીયમ ફ્લેઈમ પર પકવાન ડીપ ફ્રાય કરવા માટે ઓઈલ ગરમ મુકો. ફ્રાય કરવા જેવું ઓઈલ ગરમ થાય એટલે તેમાં પાતળું વણેલું, પ્રિક કરેલું પકવાન ઉમેરો. ઝારા વડે રાઉન્ડમાં ફેરવતા જઈ અને થોડું પ્રેસ કરતા જઈ નીચેની બાજુ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય એટલે ફ્લીપ કરી બીજી બાજુ પણ એ રીતે ડીપ ફ્રાય કરો. મીડીયમ ટુ લો ફ્લેઈમ પર ડીપ ફ્રાય કરવું જેથી પકવાન સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય.

હવે કુકર ખોલીને દાળમાં એકવાર સ્પુન ફેરવી મિક્સ કરો. ત્યારબાદ તેમાં થોડી બારીક સમારેલી કોથમીર અને ૧/૨ ટી સ્પુન ગરમ મસાલો ઉમેરી મિક્સ કરો. હવે એક બાઉલમાં સર્વ કરવા માટે દાલ ભરી તેના પર વઘાર કરવાનો છે. દાલ પકવાન વઘાર કરીને સર્વ કરવામાં આવે છે.

સર્વિંગના બાઉલમાં વઘાર કરવા માટેની સામગ્રી :

૨ ટેબલ સ્પુન ઘી + ૬-૭ ટેબલ સ્પુન ઓઈલ
૧ ટેબલ સ્પુન આખું જીરું
૨ ટેબલ સ્પુન તીખા લીલા બારીક સમારેલા મરચા
૩-૪ ટેબલ સ્પુન ધાણા જીરું
૧ ૧/૨ ટેબલ સ્પુન કાશ્મીરી લાલ મરચું પાવડર ( સરસ રેડ કલર માટે )
૧ ૧/૨ ટી સ્પુન ચાટ મસાલો
બારીક સમારેલી કોથમીર – જરૂર મુજબ
( આ માપ બનાવેલી બધી દાળ માટે છે)

વધાર અને સર્વિંગ કરવાની રીત :

એક મોટા સર્વિંગ બાઉલમાં બનાવેલી દાળ ભરો. બાઉલમાં અને કુકરમાં રહેલી બાકીની દાળ પર ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું પાવડર, ચાટ મસાલો અને બારીક સમારેલી કોથમીર જરૂર મુજબ સ્પ્રીન્કલ કરો. હવે એક પેનમાં ઘી અને ઓઈલ મિક્સ કરી, ગરમ કરી તેમાં જીરું અને લીલા મરચા ઉમેરી સાતળો. આ વઘાર સર્વિંગ બાઉલમાં અને કુકરમાં ઉમેરી દો. વઘાર ઉમેરવાથી સરસ લાલ કલરની દાળ દેખાશે. હવે સર્વ કરવા માટે પ્લેટમાં એક પકવાન મૂકી તેના પર આ દાલનું જાડું લેયર કરો. તેના પર લીલી ચટણી અને આમલીના ઘટ્ટ પલ્પનું સર્કલ કરો. તેના પર બારીક સમારેલી ડુંગળી સ્પ્રીન્કલ કરો. ત્યારબાદ તેના પર લાલ મરચું પાવડર અને ચાટ મસાલો સ્પ્રિન્કલ કરી સર્વ કરો. ખુબજ સરસ ચટપટા, ટેસ્ટી સિંધી દાલ પકવાન સર્વ કરવા માટે રેડી છે. એક બાઉલમાં દાલ અને પ્લેટમાં પકવાન પણ સર્વ કરી શકાય છે.

ખરેખર બધાને આ દાલ પકવાન ખુબજ સ્વાદિષ્ટ લાગશે. તમે પણ તમારા રસોડે ચોક્કસથી આ રેસીપી ફોલો કરીને ટ્રાય કરજો અને આ લાજવાબ ટેસ્ટી દાળ પકવાન બધાને ટેસ્ટ કરાવજો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *