દાણાદાર ઘી – ઘણીવાર પ્રયત્ન કરવા છતાં પણ ઘરે ઘી બરાબર નથી બનતું? હવે આ ટેક્નિક વાપરીને બનાવજો..

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે લાવી છું ઘરે જ ઘી બનાવવા માટેની પરફેક્ટ રેસિપી. આપણે મોટાભાગે ઘી બહારથી જ લાવતા હોઈએ છીએ. અમુક મિત્રોને ઘરે ઘી બનાવતા નથી ફાવતું હોતું, ઘણીવાર બહુ ગરમ થઇ જવાથી ઘી બળી જતું હોય છે તો ઘણીવાર બહુ ઓછું બનતું હોય છે અને કીટું એટલે કે કચરો વધારે નીકળતો હોય છે. પણ આજે હું એક પરફેક્ટ રેસિપી લાવી છું તેનાથી તમે ઘી બનાવશો તો પરફેક્ટ બનશે અને કચરો પણ ઓછો નીકળશે.

આ ઘી મેં 10 દિવસ અમુલ ગોલ્ડ દૂધ ગરમ કરીને તેની મલાઈ કાઢીને બનાવ્યું છે. જો તમે પણ આવીરીતે ઘી બનાવશો તો બહારથી તૈયાર ઘી લાવવાની જરૂરત નહિ રહે. ઘરે તમારી જાતે જ બનાવો એકદમ ચોખ્ખું અને દાણાદાર ઘી.

સામગ્રી

  • મલાઈ – 500 ગ્રામ મલાઈ
  • દહીં – બે ચમચી

ઘી બનાવવા માટેની સરળ અને સ્ટેપ બાય સ્ટેપ રેસિપી

1. સૌથી પહેલા તો ફ્રીઝમાં ભેગી કરેલી મલાઈને બહાર કાઢીને નોર્મલ એટલે કે રૂમ ટેમ્પરેચર પર આવવા દો.

2. મલાઈ નોર્મલ થાય એટલે તેમાં બે ચમચી દહીં ઉમેરો.

3. દહીં ઉમેરીને મલાઈ અને દહીંને બરાબર મિક્સ કરી લો. દહીં મલાઈમાં બરોબર ભળી જવું જોઈએ. આ મિશ્રણને તમે ચાર કલાકથી લઈને આખી રાત માટે બહાર મૂકી રાખો. આમ કરવાથી મલાઈ ઘી બનાવવા માટે બરાબર તૈયાર થઇ જશે.

4. હવે તમે જોશો કે મલાઈ અને દહીં બરોબર મિક્સ થઇ ગયું હશે.

5. હવે આ તૈયાર થયેલ મિશ્રણને જે વાસણમાં ઘી બનાવવું હોય એમાં લઈ લો. બને ત્યાં સુધી પ્રયત્ન કરો કે નોનસ્ટિક વાસણ લેવું જેથી ઘીનું કીટું વાસણમાં નીચે ચોંટે નહિ.

6. હવે બિટરની મદદથી મિશ્રણને ફીણી લો. એક જ દિશામાં સતત ફીણતા રહો.

7. થોડીવાર ફીણવાથી એનું ટેક્સ્ચર એકદમ ક્રીમી થઇ જશે.

8. હવે આમાં ઠંડુ એક ગ્લાસ પાણી ઉમેરો. અને હવે તેને બરાબર ફીણી લો. હવે આમાંથી છાસ અને માખણ અલગ થઇ જશે.

9. હવે આ મિશ્રણ આડે હાથ રાખીને તેમાં રહેલ બધી છાસ બીજા એક વાસણમાં કાઢી લો. જો બહુ ઓછા દિવસોની મલાઈ હશે તો આ છાસ તમે વપરાશમાં લઈ શકશો. ઘણીવાર મહિનાની મલાઈ હોય તો તે મલાઈમાંથી કાઢેલ છાસમાંથી સ્મેલ આવતી હોય છે એટલે એ વપરાશમાં લઈ શકીએ નહિ.

10. હવે છાસ નીકળી ગયા પછી એ મલાઈ એકદમ ક્રીમી અને સોફ્ટ થઇ ગઈ હશે. હવે એ ઘી બનાવવા માટે તૈયાર છે.

11. હવે આ વાસણને ગેસ પર મૂકવું.

12. ગેસ પર મુકો એટલે થોડીવાર ગેસ ફાસ્ટ રાખજો એટલે ફટાફટ મલાઈ ઓગળી જાય અને ઘી બનવાની શરૂઆત થવા લાગે.

13. થોડીવારમાં જયારે ઘી બનાવની શરૂઆત થાય એટલે ગેસ ધીમો કરી દો.

14. ગરમ થાય એટલે તમે જોશો કે ઉપર તરફ ફીણ થશે એને થોડી થોડી વારે હલાવતા રહો.

15. થોડીવારમાં ક્લીઅર લીકવીડ બની જશે અને અંદર જીણા જીણા કણ દેખાશે જેને કીટું કહેવાય એ અલગ થશે.

16. થોડીવારમાં નરમ થયેલ કીટું કડક થાય એટલે સમજો કે ઘી બરાબર તૈયાર થઇ ગયું છે.

17. હવે એક ગરણીની મદદથી તેને ગાળી લો.

ઘી ગળાઈ જાય પછી જે કીટું વધે તેનો ઉપયોગ તમે હાંડવો બનાવો તેના ખીરામાં ઉમેરીને કરી શકો છો. એની પણ રેસિપી તમને ટૂંક સમયમાં જણાવીશ.

વધારે કડક કે શ્યામ ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું નહિ તો ઘી શ્યામ બનશે અને બનેલ ઘીમાંથી બળી ગયેલ ઘીની સ્મેલ આવશે. તો બસ આવી થોડી વાતો ધ્યાનમાં રાખશો તો તમે પણ બનાવી શકશો પરફેક્ટ દાણાદાર ઘી.

તો તમે કોઈ બીજી ટેક્નિકથી ઘી બનાવતા હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને તમને મારી આ રેસિપી કેવી લાગી એ પણ કોમેન્ટમાં જણાવજો. આવજો ફરી મળીશું એક નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : પદમા ઠક્કર

Youtube ચેનલ : જલારામ ફૂડ હબ

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *