દૂધીના મૂઠિયા બનાવવાની આ પર્ફેક્ટ રીત અપનાવશો તો, તમારા મૂઠિયા પહેલા કરતાં પણ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે

મૂઠિયા આપણે ઘણા પ્રકારના બનાવતા હોઈએ છીએ પણ તેમાં મેથીના મૂઠિયા અને દૂધીના મૂઠિયા વધારે પ્રચલિત છે કારણ કે દૂધી તમને બારેમાસ મળી રહે છે. દૂધીના મૂઠીયા બનાવવામાં તો સરળ છે પણ તે દર વખતે પર્ફેક્ટ નથી બનતા. તો આ જે અમે લાવ્યા છીએ પર્ફેક્ટ દૂધીના મૂઠિયા બનાવવાની સરળ રીત.

 

દૂધીના મૂઠિયા બનાવવા માટેની સામગ્રી

2 કપ જેટલો ભાખરીનો જાડો લોટ

500 ગ્રામ દૂધી

¼ કપ દહીં

2 ચમચી લસણ મરચાની પેસ્ટ

2 ચમચી જીણી સમારેલી કોથમીર

1 ચમચી લાલ મરચુ પાઉડર

1 ચમચી ધાણાજીરુ પાઉડર

1 નાની ચમચી ગરમ મસાલો

½ ચમચી હળદર

1 ચમચી દળેલી ખાંડ

3 ચમચી તેલ

1 ચમચી રાઈ

2 ચમચી તલ

સ્વાદ પ્રમાણે મીઠુ

દૂધીના મૂઠિયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ દૂધીને ધોઈને ઉપરની છાલ ઉતારી લેવી.

ત્યાર બાદ તેને છીણી લેવી. મૂઠિયાનો લોટ બાંધો તે વખતે જ તેને છીણવી પહેલેથી ન છીણવી તેમ કરવાથી તે કાળી પડી જશે.

દૂધી છીણાઈ ગયા બાદ તેને એક મોટા પાત્રમાં લઈ લેવી હવે તેમાં જ બે કપ ભાખરીનો જાડો લોટ ઉમેરી દેવો. તેમાં ત્રણ ચમચી તેલ, ધાણાજીરુ પાઉડર, લાલ મરચુ પાઉડર, ગરમ મસાલો, હળદર, દળેલી ખાંડ, મરચા અને લસણની પેસ્ટ, જીણી સમારેલી કોથમીર, સ્વાદઅનુસાર મીઠુ ઉમેરી બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરી દેવી.

બધી જ સામગ્રી બરાબર મીક્સ થઈ જાય એટલે તેમાં ¼ કપ દહીં ઉમેરવું હવે તેને પણ બરાબર મિક્સ કરી દેવું. જરૂર પડે તો બી જી બે ત્રણ ચમચી ઉમેરવી. દહીંથી જ અહીં લોટ બાંધવામાં આવ્યો છે. તેનાથી જ મુઠીયા પોચા બને છે.

હવે લોટ બંધાઈ ગયો છે. લોટને ઢીલો જ રાખવાનો છે. તેને કઠણ ન બાંધવો. લોટ ઢીલો બાંધવાથી જ મૂઠિયા સોફ્ટ થશે.

હવે તમે મુઠીયા બનાવો તે દરમિયાન મૂઠિયા બનાવવા માટે ગેસ પર સ્ટીમર ગરમ થવા મુકી દેવું. હવે બે હાથમાં તેલ લગાવી લોટનો એક મોટો લૂઓ લો અને તેનો રોલ બનાવી લો. તમે તેને તમને ફાવે તે સાઇઝના બનાવી શકો છો. મુઠિયાની સાઇઝ એક સમાન રાખવી જેથી કરીને મુઠિયા વ્યવસ્થિત રીતે બફાઈ જાય.

મુઠીયાના રોલ વાળતા જવા અને તેને સ્ટીમરમાં મુકતા જવા. સ્ટીમનરની જાળી પર પણ તેલ લગાવી લેવું. જેથી મુઠિયા ચોંટે નહીં. હવે બધા જ મુઠિયા તૈયાર કરી લેવા અને તેને સ્ટીમરમાં વ્યવસ્થિત ગોઠવી દેવા.

હવે મુઠિયા સ્ટીમ કરવા માટે સ્ટીમરનું ડાકણું બંધ કરી દેવું. તેને 25-30 મીનીટ સુધી બફાવા દેવા.

15-20 મીનીટ બાદ ચેક કરવું કે મુઠિયા બરાબર બફાયા છે કે નહીં. તેને તેમજ પાંચ મીનીટ ઢાકણું બંધ કરેલી સ્થિતિમાં બંધ ગેસ પર રાખવા.

હવે સ્ટીમરમાંથી મુઠિયા કાઢી લેવા અને તેને થોડીવાર માટે ઠંડા થવા મુકી દેવા. ઠંડા થઈ ગયા બાદ તેના નાના-નાના ટુકડા કરી લેવા.

હવે એક કડાઈ લેવી અને તેમાં 4-5 ચમચી તેલ ઉમેરવું અને તેને ગરમ થવા દેવું. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં રાઈ ઉમેરવી. રાઈ બરાબર ફુટી જાય એટલે તેમાં તલ ઉમેરવા તેને થોડું હલાવી લેવું.

ત્યાર બાદ તરત જ તેમાં કાપેલા મુઠિયા ઉમેરી દેવા. હવે તેને તેલમાં બરાબર મિક્સ કરી લેવા. બધું જ તેલ એક એક મુઠિયાને પહોંચે તે રીતે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવું.

હવે ગેસ બંદ કરી દેવો અને ઉપર થોડી જીણી સમારેલી કોથમીર ઉમેરી દેવી.

તો તૈયાર થઈ ગયા દૂધીના મૂઠિયા. દૂધીના મૂઠિયા ઘરે જ બનાવેલા મલાઈદાર દહીં જોડે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે આ ઉપરાંત તમે તેને છુંદો તેમજ ગોળકેરી સાથે પણ ખાઈ શકો છો.

રસોઈની રાણીઃ ક્રીતીકાબેન

પર્ફેખ્ટ દૂધીના મૂઠિયા બનાવવા માટે વિગતવાર વિડિયો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *