દૂધી નો ઈન્સ્ટન્ટ હાંડવો – બાળકોને દુધી પસંદ નથી તો તેમને આવીરીતે બનાવી આપો હાંડવો…

તમે હાંડવા નું ખીરું પલાળતા અગાઉ થી ભૂલી ગયા છો? કોઈ જ ટેન્શન ના લો આજે ઝટપટ બની જાય એવો અને ખૂબ જ પૌષ્ટિક એવો દૂધી નો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવાની રીત લાવી છું. જે નોનસ્ટિક પેન માં ફટાફટ બની જાય છે અને બહાર નું ક્રિસ્પી પડ પણ વધુ હોવાથી ખાવાની વધુ મજા આવે છે. આને ડંગેલા પણ કહેવામાં આવે છે.

બાળકો સ્કૂલ થી આવે ત્યારે બનાવી ને તૈયાર રાખો .. આમ પણ દૂધી ના નામ થી જ બાળકો દૂર ભાગતા હોય છે. હાંડવા માં લોટ જેટલી જ દૂધી લઇ ને બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બની જાય છે અને બાળકો ને ખબર પણ નહીં પડે કે આમાં દૂધી છે.

દૂધીના હાંડવા માટે ની સામગ્રી:-

350 ગ્રામ હાંડવા નો લોટ

300 ગ્રામ દૂધી

1 મોટો બાઉલ દહીં

1 ચમચી આદુ મરચાની પેસ્ટ

8-10 મીઠા લીમડાના પાન

1 ચમચી મરચું

1/8 ચમચી ખાવાનો સોડા

1/2 ચમચી હળદર

મીઠું સ્વાદાનુસાર

1 ચમચી ખાંડ( ગળપણ ના જોવે તો ના ઉમેરો)

પાણી મિશ્રણ બનાવવા

2 ચમચા તેલ

1/4 ચમચી રાઇ

ચપટી હિંગ

2 ચમચા સફેદ તલ

રીત:-

સૌ પ્રથમ એક તપેલા માં હાંડવા નો લોટ લો. તેમાં દહીં અને મીઠું ઉમેરો. અને જરૂર મુજબ પાણી ઉમેરી ને ચમચા થી પાડી શકાય એવું મિશ્રણ તૈયાર કરો.

હવે એક કડાઈ માં 1 ચમચો તેલ મુકો તેમાં રાઈ ,તલ, હિંગ, હળદર લીમડા ના પાન અને દૂધી નું છીણ નાખી ને સાંતળી લો. તેમાં આદુ મરચાં ની પેસ્ટ અને મરચું,મીઠું નાખીને બરાબર મિક્ષ કરો અને 1 મિનિટ માટે સાંતળો.

હવે આ દૂધી નું વઘારેલું મિશ્રણ હાંડવા ના લોટ માં ઉમેરો જેમાં તમે દહીં નાખી ને ખીરું બનાવ્યું છે. ત્યારબાદ જો ગળપણ ભાવે તો ખાંડ ઉમેરી ને મિક્સ કરો.

દૂધી વઘારી હતી એજ કડાઈ માં એક ચમચો ગરમ પાણી અને 1/2 ચમચી તેલ ગરમ કરો અને ખીરા માં સોડા નાખી ને ઉપર આ ગરમ પાણી ઉમેરી મિક્સ કરો. 10 મિનિટ નો રેસ્ટ આપો.

હાંડવો બનાવા નું ખીરું તૈયાર છે.

એક નોનસ્ટિક પૅન માં અડધી ચમચી તેલ લઇ ને તેમાં રાઈ અને તલ ઉમેરો પછી ઉપર બનાવેલું ખીરું નાખો.. લગભગ એક મોટો ચમચા જેટલું જ ઉમેરો જેથી પાતળા પડ વાળો ક્રિસ્પી હાંડવો બને.

હવે નીચે ની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે બીજી બાજુ પલટી ને ત્યાં પણ તમને જેટલું કડક ભાવે એવું પડ થાય ત્યાં સુધી ધીમી આંચ પર થવા દો.

આ હાંડવો સોસ, કોથમીર ની ચટણી, અને દહીં જોડે ખૂબ જ સરસ લાગે છે.

નોંધ:-

તમે દુધી જોડે ડુંગળી, ગાજર, કોબી પણ ઉમેરી શકો.

લસણ નો ટેસ્ટ ભાવે તો એ પણ ઉમેરી શકાય.

હાંડવા ની જાડાઈ જેટલી ઓછી રાખશો એટલું પડ ક્રિસ્પી વધુ બનશે.

નોનસ્ટિક તવા પર નાનાં નાનાં ઉત્તપામ જેવા હાંડવા પણ બનાવી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *