દૂધનો હલવો : ફક્ત ત્રણ સામગ્રીની મદદથી હવે ઘરે જ બનાવો દૂધનો દાણાદાર હલવો

કેમ છો મિત્રો? આજથી શરુ થતી નવરાત્રી તમારા દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી માતાજીને પ્રાર્થના. આજે હું તમારી માટે લાવી છું દૂધનો હલવો બનાવવા માટેની સરળ અને પરફેક્ટ રેસિપી. આ હલવો માતાજીને પ્રસાદમાં ધરાવીને તેમને પ્રસન્ન કરી દો. આ હલવો તમે ઉપવાસમાં કે પછી કોઈપણ નાના મોટા પ્રસંગે બનાવી શકો છો. તો ચાલો ફટાફટ શીખી લઈએ દૂધનો હલવો.

સામગ્રી

  • દૂધ : 500 ml
  • ખાંડ : એક નાની વાટકી
  • ફટકડીનો ભૂકો : એક ચપટી
  • ઈલાયચી પાવડર : એક ચપટી (ઓપશનલ)
  • ચાંદીની વરખ : ઓપશનલ

1. સૌથી પહેલા આપણે હલવો બનાવવા માટે એક જાડા તળિયા વાળી કઢાઈમાં દૂધ લઈશું.

2. દૂધને બરાબર ઉકળવા દેવાનું છે અને તેને સતત હલકા હાથે હલાવતા પણ રહેવાનું છે.

3. થોડીવારમાં તમે જોશો કે તેમાં મલાઈની જીણી કણીઓ અથવા તો દાણા બનવાની શરૂઆત થઇ ગઈ હશે.

4. હવે આ દાણા બનવાની શરૂઆત થાય એટલે આપણે એ દૂધમાં ફટકડીનો ભૂકો ઉમેરીશું. યાદ રાખો એક 500 ml દૂધમાં ફક્ત એક ચપટી જ ફટકડીનો ભૂકો લેવાનો છે વધારે નહિ.

5. ફટકડી ઉમેરીને એકવાર ઉભરો આવે એટલે તેમાં આપણે થોડી ખાંડ ઉમેરીશું. ખાંડ પણ આપણે એકસાથે બધી નથી ઉમેરવાની આપણે ખાંડ થોડી થોડી ઉમેરવાની છે. આ પ્રોસેસની સાથે સાથે હલકા હાથે તે દૂધને હલાવતા તો રહેવાનું જ છે.

6. ફરી એકવાર ઉભરો આવે અને દૂધ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ફરી થોડી ખાંડ ઉમેરો. સાઈડ પર ચોંટતી મલાઈને ઉખાડીને દૂધમાં મિક્સ કરતા રહેવું.

7. હવે તમે જોશો કે સતત હલાવવાથી દૂધ એકદમ ઘટ્ટ થઇ ગયું હશે.

8. હવે છેલ્લે તેમાં ફરીથી થોડી ખાંડ પણ ઉમેરી લઈશું.

9. હવે તે ઘટ્ટ થયેલ દૂધને સતત હલાવતા રહીશું એટલે સરસ દાણા બની જાય.

10. હવે એકદમ દાણા બની જાય અને સહેજ પણ ભીનાશ ના રહે એવું થાય ત્યાં સુધી તેને હલાવીશું અને તમે જોશો કે તે એકદમ પરફેક્ટ બની ગયો હશે હવે એ હલવાને એક થાળી કે ડીશમાં પાથરી લો. ડીશમાં તેલ કે ઘી ગ્રીસ કરવાની જરૂરત નથી.

11. હવે હલવો જે તે ડીશમાં પાથર્યો હોય એની પર જો તમારી પાસે ચાંદીની વરખ હોય લગાવવી હોય તો સાવચેતીથી લગાવી દેવી.

12. હવે હલવો થોડો ઠંડો થાય એટલે તેના પીસ કરી લઈશું. જો તમને ટુકડા ના પસંદ હોય તો તમે એમજ શકો છો.

બસ તો તૈયાર છે એકદમ દાણાદાર દૂધનો હલવો જે એટલો ટેસ્ટી બને છે કે એવો હલવો કોઈપણ મીઠાઈની દુકાને મળશે નહિ. તમને મારી આ રેસિપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીશું આવી જ કોઈ નવીન અને પરફેક્ટ રેસિપી સાથે.

નોંધ : જો તમને ઈલાયચી ફ્લેવર પસંદ છે તો તમે છેલ્લી વાર ખાંડ ઉમેરો એની સાથે ઈલાયચીનો પાવડર પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : પદમા ઠક્કર

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *