આ રીતે બનાવો ડુંગળી-મરચાના ક્રીસ્પી ટીક્કી ભજિયા, જે ચાખશે તે ફરી-ફરી ફરમાઈશ કરશે

સામાન્ય રીતે બહાર તમને ભજિયા તો મળી જશે પણ ડુંગળીના ટીક્કી ભજિયા ભાગ્યે જ કોઈ ભજિયાની દુકાન પર મળતા હોય છે. તો આજે સીમાબેનન દ્વારા શેયર કરવામાં આવેલી રેસીપી ફોલો કરીને બનાવો પર્ફેક્ટ ડુંગળી-મરચાના ક્રીસ્પી ટીક્કી ભજિયા.

ડુંગલી મરચાના ક્રીસ્પી ટીક્કી ભજિયા બનાવવા માટેની સામગ્રી

4-5 મોળા મરચા

2 મિડિયમ ડુંગળી

3 કપ બેસન અથવા ચણાનો લોટ

1 ટેબલ સ્પૂન આદુ-મરચાની પેસ્ટ

¼ ચમચી હળદર

¼ ચમચી ગરમ મસાલો

સ્વાદ પ્રમાણે મીઠુ

¼ ચમચી ખાવાનો સોડા

1 ચમચી લીંબુનો રસ

ડ઼ુંગળી મરચાના ક્રીસ્પી ટીક્કી ભજિયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક મોટો મિક્સિંગ બોલ લેવો અને તેમાં જીણા સમારેલા મોટા 4-5 મોળા મરચા ઉમેરવા. મરચા બહુ જીણા ન સમારવા. અને બહુ મોટા પણ ન સમારવા અહીં તસ્વીરમાં બતાવ્યા પ્રમાણે સમારવા.

હવે તેમાં જીણી સમારેલી મીડીયમ સાઇઝની ડુંગળી ઉમેરવી. અહીં પણ ડુંગળીને વધારે જીણી ન સમારવી અને વધારે મોટી પણ ન સમારવી.

હવે તેમાં 3 કપ ચણાનો લોટ અથવા તો બેસન ઉમેરી દેવો. બેસન શક્ય હોય તો ચાળીને જ ઉમેરવો. જેથી કરીને ખીરુ બનાવતી વખતે તમારે લંગ્સ તોડવામાં મહેનત ન કરવી પડે.

હવે તેમાં એક મોટી ચમચી આદુ-મરચાની પેસ્ટ ઉમેરવી. અહીં તીખા મરચા લેવામાં આવ્યા છે જેથી કરીને ભજીયામાં તીખાશ આવે.

હવે તેમાં પા ચમચી હળદર ઉમેરવી અને પા ચમચી ગરમ મસાલો ઉમેરવો ગરમ મસાલો ઉમેરવો ફરજિયાત નથી તમે તેને સ્કીપ પણ કરી શકો છો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુ ઉમેરવું.

હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરી તેનું બેટર તૈયાર કરી લેવું. પાણી ઉમેરતી વખતે ધ્યાન રાખવું. કારણ કે ધીમે ધીમે ડુંગળી પણ પાણી છોડશે અને તમારું ખીરુ વધારે પાતળુ થઈ જશે. પણ આપણે ખીરુ વધારે પાતળુ નથી કરવાનું.

હવે દસ મિનીટ તેને રેસ્ટ કરવા માટે મુકી દેવું. જેથી કરીને ડુંગળીનું પાણી છુટીને તમને ખીરાની યોગ્ય થીકનેસનો ખ્યાલ આવે.

હવે દસ મિનીટ બાદ ખીરામાં પા ચમચી ખાવાનો સોડા ઉમેરવો. અહીં તમે ઇનોનો પણ ઉપયોગ કરી શકો છો.

હવે ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે સોડા પર એક ચમચી લીંબુનો રસ ઉમેરવો. યાદ રહે કે તમારે જ્યારે ભજીયા તળવાના હોય ત્યારે જ તેમાં સોડા અને લીંબુ ઉમેરવા એ પહેલાં ન ઉમેરવા. કારણ કે તેનાથી સોડાની અસર જતી રહેશે અને ભજીયા ફૂલશે નહીં.

હવે તેને બરાબર હલાવી લેવું. તેને એક જ દીશામાં હલાવી લેવું. તેને એક મીનીટ સુધી ફેંટી લેવું. આ દરમિયાન તેલ ગરમ કરવા મુકી દેવું.

હવે તેલ બરાબર ગરમ થઈ ગયા બાદ ખીરામાંથી મીડીયમ સાઇઝના ભજીયા તેલમાં પાડી લેવા.

તેલમાં ભજીયા પાડતી વખતે તમારે તેલને ફુલ ફ્લેમ પર રાખવાનો છે. અને ભજીયા પડાઈ ગયા બાદ તેને મિડિયમ પર કરી દેવો.

ભજીયા નાખશો એટલે આપોઆપ ભજિયા ઉપર આવી જાય તેટલું ગરમ તેલ થવા દેવું.

ભજીયા પાડ્યા બાદ તેને એક મીનીટ માટે હલાવ્યા વગર જ થવા દેવું. અમુક ભજિયા જાતે જ ફરી જશે જ્યારે બાકીના ભજિયાને તમારે જારા વડે ઉલટાવવા પડશે. આ ભજીયાને તમારે કાચા-પાકા તળવાના છે. હવે કાચા પાકા તળાઈ જાય એટલે તેને ડીશમાં લઈ લેવા. બધા જ ભજિયા આ રીતે કાચા-પાકા તળી લેવા. અને એક ડીશમાં કાઢી લેવા.

હવે આ ભજિયાને થોડી વાર માટે ઠંડા થવા દેવા. હવે થોડા ઠંડા થઈ ગયા બાદ બધા જ ભજીયાને દબાવી દેવા હળવા હાથે દબાવવા. બધાને સરખા જ દબાવવા. કોઈ પાતળા અને કોઈ જાડા તેવું ન કરવું. બધા જાડા કરો અથવા બધા પાતળા કરો. જેથી કરીને તળતી વખતે બધા જ ભજિયા સરખા તળાય.

આવી રીતે ભજીયા દબાઈને તમે રાખી પણ મુકી શકો છો અને જ્યારે જમવા બેસો ત્યારે ભજિયાને ફરી તળી શકો છો. આ પ્રોસેસ ફોલો કરવાથી ડુંગલીની ટીક્કી એકદમ ક્રીસ્પી બને છે. હવે ભજીયા બધા દબાવી દીધા બાદ. ફરી તેલને ફુલ ગરમ કરી લેવું. અને દબાયેલા ભજિયા તેલમાં ઉમેરતા જવા. જો તેલ વધારે આવી ગયું હોય અને તમને ભજિયા બળી જવાની બીક લાગતી હોય તો થોડા ભજિયા વધારે ઉમેરી દેવા એટલે તેલનું ટેમ્પ્રેચર થોડું નીચુ આવી જશે.

હવે આ બીજી વખતે તમે ભજિયા તળો તેને લાઈટ બ્રાઉન થવા દેવા. અથવા તે કડક થઈ જાય ત્યાં સુધી તેને તળવા, બીજીવાર ભજિયા તળાતા 5-6 મીનીટનો સમય લાગશે.

આવી જ રીતે બાકીના ભજિયા પણ બરાબર તળી લેવા. આવી રીતે બે વાર ભજિયા તળવાથી ભજિયા એકદમ ક્રિસ્પી થશે. જો એકવારમાં જ ભજિયા તમે તળી લેશો તો પછી તે ભીના ભીના થશે ક્રિસ્પિ નહીં થાય. માટે આ પ્રોસેસને સ્કિપ ન કરવી.

તો તૈયાર છે ડુંગળી-મરચાની ક્રિસ્પી ટીક્કી. ઘરે ચોક્કસ બનાવજો. આ ડુંગળીની ટીક્કી બીજી ચટનીઓ કરતાં ઘરે બનાવેલા ટોમેટો સોસ સાથે ખુબ જ સારી લાગે છે.

રસોઈની રાણીઃ સીમાબને

ડુંગળી-મરચાના ક્રીસ્પી ટીક્કી ભજિયા બનાવવા માટે વિગતવાર વિડિયો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *