ફરાળી ઇંસ્ટંટ ખીચડી – પ્રેશર કુકરમાં માત્ર 3 જ વ્હીસલ કરીને આ ઇંસ્ટંટ અને ટેસ્ટી ખીચડી બની જાય છે.

ફરાળી ઇંસ્ટંટ ખીચડી :

ભારતીય તહેવારો કે ઉત્સવો-વ્રતોમાં ઉપવાસ કે એકટણા કરવાની પરંપરા ચાલી આવી છે. વ્રતોના ઉપવાસમાં કે એક્ટાણા – એક વાર જમ્યા પછી ફરાળ લેવામાં આવતું હોય છે. તેમાં અનાજ ખાવામાં આવતું ના હોવાથી ફરાળી સામગ્રી જ ખાવામાં આવે છે. શાક્ભાજીમાં દુધી, ભીંડા, તુરિયા, શક્કરિયા, બટેટા, ટમેટા, મરચા, સુરણ, આદુ, કોથમરી વગેરેનો ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત રાજગરો, આરારુટ, તપકીર – શિંગોડા, સાબુદાણા, શિંગદાણા વગેરે તેમજ તેના લોટ કે પાવડર વાપરી શકાય છે. તેમાંથી વાનગી બનાવવા માટે તેમાં થોડા સ્પાયસીસ ઉમેરવામાં આવે છે, જેવા કે…જીરુ, તજ, લવિંગ, તજ્પત્તા, મરી, બાદિયાન, મીઠો લીમડો, એલચી, જાયફળ, કેશર વગેરે.. આ બધા સ્પાયસીસને ફરાળી ફરસાણ કે ફરાળી સ્વીટમાં જરુર મુજબ ઉપયોગ કરી શકાય છે.

સામાન્ય રીતે ફરાળી વનાગીમાં પેટીસ, રાજગરાની પુરી કે શિરો, સુકીભાજી, બટેટાની વેફર કે ચેવડો વધારે પ્રમાણમાં લેવાતો હોય છે.

આજે હું અહીં આપ સૌ માટે ફરાળી ઇંસ્ટંટ ખીચડીની રેસિપિ આપી રહી છું. ઇંસ્ટંટ અને હેલ્ધી હોવાથી ખાસ કરીને નવરાત્રીમાં તેમજ જ્યારે ફરાળ બનાવીને બહાર જવાનું થાય કે બહારથી આવીને ફરાળ બનાવવું હોય ત્યારે ખૂબજ સરળતાથી બનાવી શકાય છે. કેમેકે પ્રેશર કુકરમાં માત્ર 3 જ વ્હીસલ કરીને આ ઇંસ્ટંટ અને ટેસ્ટી ખીચડી બની જાય છે. તેને બનાવવા માટે વધારે ટાઇમ આપવો પડતો નથી, બસ ડાયરેક્ટ પ્રેશર કુકરમાં વઘાર કરી મિક્ષ કરી, વ્હીસલ જ કરવાની રહે છે.

તો તમે પણ મારી ઇઝી એન ક્વીક અને ટેસ્ટી અને હેલ્ધી ફરાળી ઇંસ્ટંટ ખીચડીની આ રેસિપિ ફોલો કરીને વ્રતના ઉપવાસ માટે ચોક્કસથી બનાવજો.

ફરાળી ઇંસ્ટંટ ખીચડી બનાવવા માટેની સામગ્રી :

 • 1 ½ કપ બારીક સમારેલી દુધી
 • 3 મિડિયમ સાઇઝ્ના બટેટા
 • ½ કપ સાબુદાણા
 • 2 લીલા મરચા બારીક સમારેલા
 • ¾ કપ શિંગદાણાનો અધકચરો ભૂકો + ½ ટી સ્પુન કાશ્મીરી લાલ મરચુ
 • 1 કપ પાણી( સાબુદાણા પલાળવા માટે )
 • 3/4 કપ (પોણો કપ)પાણી ખીચડીમાં ઉમેરવા માટે
 • 1 મોટું ટમેટું બારીક સમારેલું
 • 1 ટી સ્પુન કાળા મરીનો પાવડર
 • 1 ઇંચ આદુ બારીક સમારેલું
 • સોલ્ટ સ્વાદ મુજબ
 • જરુર મુજબ કોથમરી બારીક સમારેલી

વઘાર માટે :

 • 1 ટેબલ સ્પુન ઘી
 • 1 ટેબલ સ્પુન ઓઇલ
 • 1 ટી સ્પુન આખું જીરું
 • 1 સુકુ લાલ મરચું
 • 2-3 તજના ટુકડા
 • 3-4 લવિંગ
 • 1 તજપત્તુ
 • 1 બાદિયાનનુ ફુલ
 • 4- 5 કાળા આખા મરી
 • 8 -10 કાજુના ટુકડા
 • 15-20 કિશમીશ
 • 1 ટી સ્પુન લેમન જ્યુસ

ફરાળી ઇંસ્ટંટ ખીચડી બનાવવાની રીત :

સૌ પ્રથમ ½ કપ સાબુદાણા એક બાઉલમાં લઈ તેને 2-3 વાર પાણીથી ધોઈ લ્યો. ત્યારબાદ તેને 1 કપ પાણી ઉમેરી તેમાં 1 કલાક માટે પલાળી રાખો. અથવાતો ફુલીને સરસ સ્પોંજી થાય ત્યાંસુધી પલાળી રાખો.

1 કલાક બાદ તેને ચાળણીમાં મૂકી તેમાંથી પાણી નિતારી લ્યો. પાણી પુરે પુરું નિતરવા દ્યો.

હવે દુધી અને બટેટાની છાલ કાઢીને બારીક સમારી લ્યો.

કુકરમાં 1 ટેબલ સ્પુન ઘી અને 1 ટેબલ સ્પુન ઓઇલ મિડિયમ ફ્લૈમ પર ગરમ થવા માટે મૂકો.

બરાબર ગરમ થાય એટલે તેમાં 1 સુકુ લાલ મરચું, 2-3 તજના ટુકડા, 3-4 લવિંગ, 1 તજપત્તુ, 1 બાદિયાન, 4- 5 કાળા આખા મરી ઉમેરી સાંતળી લ્યો.

હવે તેમાં 2 લીલા મરચા બારીક સમારેલા, 1 ઇંચ આદુ બારીક સમારેલું અને લીમડાના પાન ઉમેરી મિક્ષ કરી સાંતળો.

ત્યારબાદ તેમાં 8 -10 કાજુના ટુકડા અને 15-20 કિશમીશ ઉમેરી મિક્ષ કરો. કાજૂ બદામી કલરના થાય એટલે તેમાં 1 મોટું ટમેટું બારીક સમારેલું ઉમેરી મિક્ષ કરો.

હવે તેને અધકચરું કુક કરો. તેમાં 1 ટી સ્પુન મરી પાવડર અને સોલ્ટ ઉમેરી મિક્ષ કરો. તેનાથી ખીચડીમાં પૂરતી તીખાશ આવશે. હેલ્થ માટે પણ મરી ખૂબજ ફાયદાકારક છે.

ત્યારબાદ તેમાં 1 ½ કપ બારીક સમારેલી દુધી અને 3 બારીક સમારેલા બટટા ઉમેરી મિક્ષ કરો.

હવે તેનાં પર પલળીને સ્પોંજી થયેલા સાબુદાણાનું લેયર કરી તેમાં તેના માપનું સોલ્ટ ઉમેરી લેયરમાંજ મિક્ષ કરો. કેમેકે સાબુદાણા ટેસ્ટલેસ હોય છે. ત્યારબાદ તેને ખીચડી સાથે મિક્ષ કરો.

હવે ખીચડીના મિશ્રણ પર ¾ કપ શિંગદાણાનો અધકચરો ભૂકો લેયર કરો. તેના પર ½ ટી સ્પુન કાશમીરી લાલ મરચુ પાવડર સ્પ્રીંકલ કરો. તેને મિક્ષ કર્યા વગર એમજ રહેવા દ્યો. (મિક્ષ કરવાથી કુક થવા દરમ્યાનમાં કુકરની બોટમ પર બેસી જશે અને અલગ સ્મેલ આવશે).

હવે તેમાં ¾ કપ પાણી ઉમેરી મિક્ષ કર્યા વગર જ કુકર બંધ કરીને મિડિયમ સ્લો ફ્લૈમ પર 3 વ્હીસલ કરી ફરાળી ઇંસ્ટંટ ખીચડી કૂક કરો.

હવે કુકર ઠરે એટલે ખોલીને તેમાંની ફરાળી ખીચડી સ્પુન વડે હલાવી તેમાં જ રહેલા શિંગદાણાના બફાઈ ગયેલા ભૂકા સાથે મિક્ષ કરી લ્યો. ઉલરથી થોડી કોથમરી અને ½ ટી સ્પુન લેમન જ્યુસ ઉમરી હલકા હાથે સ્પુન વડે મિક્ષ કરો.

ગરમા ગરમ, સ્વાદિષ્ટ ફરાળી ઇંસ્ટંટ ખીચડી સર્વ કરવા માટે રેડી છે.

સર્વીંગ બાઉલમાં ભરી ફ્રાય કરેલા કાજુ, લીમડાના પાન, કોથમરીથી ગાર્નીશ કરી સર્વ કરો. ફરાળી ચેવડો કે પુરી સાથે આ ખીચડી ખૂબજ ટેસ્ટી લાગશે.

તમે પણ ચોક્કસથી મારી આ રેસિપિ ફોલો કરીને વ્રતના ઉપવાસ માટે બનાવજો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *