ફરસી પુરી – પરફેક્ટ માપ સાથે બનાવતા શીખો ક્રન્ચી ફરસી પુરી…

દરેક ઘરમાં અનેક પ્રકારની પુરીઓ બનતી હોય છે. જેવીકે કરી સાથે જમવામાં ખાય શકાય તેવી સોફ્ટ પુરીઓ જે વારંવાર બનતી હોય છે… મેથીની પુરી, સાદી મસાલાવાળી પુરી, આલુ પુરી, પાલક પુરી વગેરે… તે જ રીતે નાસ્તા માટેની ક્રંચી પુરીઓ પણ બનાવવામાં આવતી હોય છે. જેવીકે ફરસી પુરી, જીરા પુરી, મેથીની ક્રંચી પુરી કે સ્વીટ ક્રંચી પુરી પણ બનતી હોય છે. જે નાસ્તામાં ચા કોફી કે અથાણા સાથે ખાવામાં આવતી હોય છે. જે ઘઉં કે મેંદાના લોટ માંથી બનતી હોય છે. તો તેમાં ક્રંચ લાવવા માટે રવો-સોજીને પણ મિક્ષ કરવામાં આવે છે.

આજે હું અહીં માત્ર મેંદાના લોટની ફરસી પુરીની રેસિપિ આપી રહી છું. જેનું મેં અહીં પરફેક્ટ માપ આપ્યું છે. તેમાં મેં રવો કે સોજીનો બિલ્કુલ ઉપયોગ કર્યો નથી. છતાં પણ ફરસી પુરી સરસ સોફ્ટ અને ક્રંચી બની છે. તો તમે પણ મારી આ રેસિપિને ફોલો કરીને ચોક્કસથી આ પ્રમાણે ફરસી પૂરી બનાવજો. બધાને ખૂબજ ભાવશે. વારંવાર બનાવશો.

ફરસી પુરી બનાવવા માટેની સામગ્રી :

  • 3 કપ મેંદો
  • ½ ટી સ્પુન અજમા – અધકચરા ખાંડેલા
  • ½ ટી સ્પુન આખા મરી – અધકચરા ખાંડેલા
  • ½ ટી સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડેલું
  • 1 ટી સ્પુન મીઠું – તમારા સ્વાદ મુજબ લઇ શકો છો.
  • 7-8 ટેબલ સ્પુન ગરમ ઓઇલ
  • ½ કપ ઠંડું દૂધ – ગરમ કરવું નહી
  • 4-5 ટેબલ સ્પુન પાણી
  • ઓઇલ – ફરસી પુરી ડીપ ફ્રાય કરવા માટે

ફરસી પુરી બનાવવા માટેની રીત :

સૌ પ્રથમ એક મોટા લોયામાં 3 કપ મેંદો લઇ સ્લો ફ્લૈમ પર ડ્રાય રોસ્ટ કરો. મેંદાનો કલર ચેઇંજના થાય ત્યાં સુધી મેંદો રોસ્ટ કરો.

હવે તે મેંદાને મિક્ષિંગ બાઉલમાં ટ્રાંસફર કરી લ્યો. જેથી જલદીથી ઠરી જાય. રોસ્ટેડ મેંદો રુમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડો થવા દ્યો. હવે તેને ચાળી લ્યો. એટલે તેમાં થયેલા ગાંઠા તુટી જાય.

ત્યારબાદ તેમાં ½ ટી સ્પુન અજમા – અધકચરા ખાંડેલા, ½ ટી સ્પુન આખા મરી – અધકચરા ખાંડેલા, ½ ટી સ્પુન આખુ જીરું – અધકચરું ખાંડેલું અને 1 ટી સ્પુન મીઠું (તમારા સ્વાદ મુજબ લઇ શકો છો) ઉમેરી મિક્ષ કરી લ્યો.

હવે એક લોયામાં 7-8 ટેબલ સ્પુન ઓઇલ મોણ માટે ગરમ મૂકો. એકદમ ગરમ થાય એટલે તેને મસાલા મિક્ષ કરેલા મેંદાના લોટમાં ઉમેરી મિક્સ કરી દ્યો.

બધું સરસથી મિક્ષ કરી લોટ ભેગો કરી એજ મિક્સિંગ બાઉલમાં દબાવી દ્યો. 10 મિનિટ એમ જ રાખો.

ત્યારબાદ બધો લોટ ફરીથી હલાવી મિક્સ કરી તેમાં ½ કપ દૂધ થોડું થોડું ઉમેરતા જઇ લોટ બાંધો. ત્યારબાદ 4-5 ટેબલસ્પુન જેટલું પાણી લઇ પૂરે પૂરો લોટ બાંધી લ્યો. ટાઇટ કણેક બાંધવા માટે જો જરુર પડે તો જ થોડું 1-2 સ્પુન વધારે પાણી ઉમેરી બરાબર મસળીને લોટ બાંધો.

હવે બાંધેલી કણેકના 2 ભાગ કરી વારા ફરતી ખાંડીને બન્ને ફરી મિક્ષ કરી મસળીને કણેક બનાવી લ્યો.

તેમાંથી પુરી બને તેવા નાના લુવા બનાવી લ્યો.

એક સાથે લુવા બનાવવા માટે કણેકમાંથી મોટો રોટલો વણી, તેનો ટાઇટ રોલ વાળી ચપ્પુ વડે કાપીને એક સાથે લુવા બનાવી લ્યો.

એક લુવુ લઇ જરા પાટલી પર પ્રેસ કરી નાની નાની પુરી લ્યો.

એ પ્રામાણે બધા લુવા કરી બધી પુરીઓ બનાવી લ્યો.

હવે લોયામાં પુરીને ડીપ ફ્રાય કરવા માટે ઓઇલ ગરમ મૂકો.

ઓઇલ ફ્રાય કરવા જેવું બરાબર ગરમ થાય એટલે તેમાં 3-4 પુરી એક સાથે ફ્રાય કરવા મૂકો.

પુરીઓ એક બાજુ લાઇટ પિંક થાય એટલે બધી બીજી સાઇડ પલટાવી લ્યો.

બીજી સાઇડ પણ એ પ્રમાણે ક્રંચી થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરી લ્યો.

ઓઇલમાંથી બધી પુરીઓ કાઢી ઉભી ગોઠવી દ્યો. જેથી જરા ઓઇલ રહ્યું હોય તો નિતરી જાય.

હવે નાસ્તો કરવા માટે પુરી રેડી છે. નાસ્તાની પ્લેટમાં પુરી સર્વ કરો. સાથે ચા કે ખાટું-મીઠું અથાણું સર્વ કરો. પુરી પર ચાટ મસાલો અને લાલ મરચુ પાવડર જરા સ્પ્રિંકલ કરી આવેલા ગેસ્ટ્સ માટે સર્વ કરી શકાય.

તો તમે પણ જરુરથી આવી સરસ સોફ્ટ અને ક્રંચી ફરસી પુરીચોક્કસથી નાસ્તા માટે બનાવજો. તમારો ઓપિનિયન કોમેંટમાં આપશો.

રસોઈની રાણી : શોભના વણપરિયા

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *